૮૮. વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ – ૧૦/૮/૪૪ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 7, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ – ૧૦/૮/૪૪ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
અકામો ધીરો અમૃતઃ સ્વયંભૂઃ રસેન તૃપ્તો ન કૃતશ્ચનોનઃ । તમેવ વિદ્વાન્ ન વિભાય મૃત્યોરાત્માનં ધીરમજરં યુવાનમ્ II (અથર્વવેદ – ૧૦/૮/૪૪)
ભાવાર્થ : પરમાત્મા નિઃસ્વાર્થભાવથી ધૈર્યપૂર્વક પ્રાણીઓની સેવા કરે છે. જેઓ પરમાત્માના આ ગુણોને અનુસરે છે તેઓ નિર્ભય થઈને સદૈવ આનંદ મેળવે છે.
સંદેશ : ૫૨મપિતા પરમાત્માએ આ વિશાળ સૃષ્ટિની રચના કરી છે. તે જ એનો નિયામક છે, સર્જક છે, તેમાં સર્વત્ર સમાયેલો છે અને તેને ગતિ આપે છે. આટલો બધો પ્રચંડ પુરુષાર્થ શું તેણે પોતાના માટે કર્યો છે ? તે તો હંમેશાં ‘અકામ’ છે. તેની કોઈ કામના નથી. હંમેશાં એકરસ, અખંડ, અચળ, અમર, અભય તે પ્રભુ તો હંમેશાં ધીરગંભીર રહે છે. તે પરમેશ્વરે આ સમગ્ર સૃષ્ટિની રચના આપણા જેવાં પ્રાણીઓના કલ્યાણ માટે જ કરી છે. તેમનો કોઈ પોતાનો સ્વાર્થ નથી, છતાં પણ તેમણે બધાના હિતને ધ્યાનમાં રાખીને સંસારને વિવિધ પ્રકારની સમૃદ્ધિઓથી પરિપૂર્ણ કરી દીધો છે.
પરોપકાર ઈશ્વરનો એક મહાન ગુણ છે. આ ગુણને અપનાવીને આપણે પ્રભુકૃપા પ્રાપ્ત કરી શકીએ છીએ. આ માનવશરીર આપણને મળ્યું છે તેની સાર્થકતા પણ ૫૨માર્થમાં જ છે. પરોપકાર સમાન કોઈ ધર્મ નથી. જેનું મન પરહિતમાં લાગી જાય છે તેના માટે સંસારમાં કશુંય દુર્લભ રહેતું નથી. જેના મન, વચન અને કર્મમાં પરોપકારની ભાવના હોય છે તે જ સંતજન કહેવાય છે.
વૈદિક ધર્મમાં યજ્ઞનું ઘણું મોટું મહત્ત્વ છે. બ્રહ્મચારી, ગૃહસ્થી, વાનપ્રસ્થી બધા માટે યજ્ઞ જરૂરી છે. યજ્ઞનો અર્થ ફક્ત અગ્નિકુંડમાં ઘી અને અન્ય સામગ્રીની આહુતિઓ આપવી તે જ નથી. આ તો યજ્ઞનો એક અર્થ થયો.વ્યાપક અર્થ તો પોતાના સમગ્ર જીવનને જ યજ્ઞમય બનાવી દેવાનો છે. તન, મન, ધનથી પરોપકાર કરવો એ જ સાચો યજ્ઞ છે. પોતાની બધી સગવડતાઓનો ત્યાગ કરી બીજાઓના જીવનને સુગંધિત બનાવવામાં પોતાની ક્ષમતાઓ અને પ્રતિભાઓને અર્પિત કરી દેવી એ જ યજ્ઞનું વાસ્તવિક લક્ષ્ય છે. બીજાઓ પર ઉપકાર કરવો એ જ માનવમાત્રનો આદર્શ હોવો જોઈએ. ‘ઇદું ન મમ’ આ મારું નથી, બધું પરમ પિતાનું જ છે, આ ભાવનાને લઈને આપણે તન, મન અને ધનથી બીજાઓની સેવા કરવી, બીજાઓ પર ઉપકાર કરવો એ જ આપણા જીવનનો ઉદ્દેશ્ય હોવો જોઈએ.
જે શરીરથી ધર્મ ન થયો, યજ્ઞ ન થયો અને પરોપકારનું કાર્ય ન થયું તે શરીરને ધિક્કાર છે. જેઓ દુર્લભ માનવજીવન મળવા છતાં ઉપકાર નથી કરતા તેમનાથી વધારે હલકો અને નીચ બીજો કોઈ હોઈ જ ના શકે. બીજાં પ્રાણીઓની સરખામણીમાં આપણને જે આ શરીર મળ્યું છે, આપણને ધન, વિદ્યા, બળ વગેરેનું જે વરદાન પરમેશ્વરે આપ્યું છે, તે શા માટે છે ? શું તે ફકત આપણા પોતાના લાભ માટે જ છે ? ના, આપણે તેનો ઉપયોગ બીજાઓની ભલાઈ માટે જ કરવો જોઈએ.
દરરોજ ઉપકારનું એકાદ કાર્ય તો કરતા જ રહેવું જોઈએ. અંધ તથા ભૂલ્યાભટક્યાને માર્ગ બતાવવો, દીનદુઃખીઓની સેવા કરવાનો દૈનિક ક્રમ હોવો જોઈએ. પરોપકારનું પ્રત્યેક કાર્ય સ્વર્ગ તરફનું એક પગલું છે. જો આપણે સ્વર્ગીય સુખ તથા આનંદ પ્રાપ્ત કરવા ઇચ્છતા હોઈએ તો આપણે પરોપકારી બનવું જોઈએ.
પરોપકાર ચારિત્ર્યની દિવ્યતાનું પ્રતીક છે.
પ્રતિભાવો