૯૦. વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ – ૧૭/૧/૨૯ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 7, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ – ૧૭/૧/૨૯ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
ૠતેન ગુપ્ત ઋતુભિશ્વ સર્વૈભૂતેન ગુપ્તો ભવ્યેન ચાહમ્ । મા મા પ્રપત્ પાપ્મા મોત મૃત્યુરન્તર્દધેડહ સલિલેન વાચઃ ॥ (અથર્વવેદ – ૧૭/૧/૨૯)
ભાવાર્થ : સત્કર્મ અને ધર્માચરણથી જ મનુષ્યજીવન સુરક્ષિત રહેશે. એટલા માટે આપણે નિષ્પાપ અને યશસ્વી બનીએ અને સદૈવ ઉચ્ચ જ્ઞાન પ્રાપ્ત કરતા રહીએ.
સંદેશ : ધાર્મિકતાનો અર્થ છે ધર્મ અનુસાર વ્યવહાર. ધર્મના વિષયમાં આદર રાખીને જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં ધર્મના આદેશોનું પાલન કરવું તેને જ ધર્માચરણ કહે છે. ધર્મ શબ્દના અનેક અર્થ છે, પરંતુ આજકાલ તો રાજનૈતિક માયાજાળમાં ફસાઈને લોકો અર્થનો અનર્થ કરવા લાગ્યા છે.
હકીકતમાં ધર્મ મનુષ્ય માટે પ્રત્યેક ક્ષેત્રમાં લાભદાયક જ છે. ધર્મમાં સંકુચિતતાનો પ્રશ્ન તો ઊભો થતો જ નથી, પરંતુ એ આપણા દૃષ્ટિકોણને વ્યાપક, વિશાળ અને વિરાટ બનાવી દે છે. સાચો ધર્મ આંખો પર પાટા બાંધવાનું નહિ, પરંતુ બંધાયેલાં માયાપડળોને ખોલવાની વાત કરે છે. કોઈ પણ ધર્મ ઈર્ષ્યા, દ્વેષ વગેરે વિકાર ઉત્પન્ન નથી કરતો . એનાથી સદ્વિચારો અને પ્રેમનું વાતાવરણ બને છે. ધર્મ અને માનવતા એકબીજાનાં પૂરક છે. ધર્મ વગર મનુષ્ય રહી જ નથી શકતો અને મનુષ્ય સિવાય બીજે ક્યાંય ધર્મ રહી ના શકે.
ધર્મ એટલે કર્તવ્યપાલન અર્થાત્ વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ યશપ્રાપ્તિ માટે પોતે જ અપનાવેલ બંધન. દરેક ક્ષેત્રનો પોતપોતાનો ધર્મ હોય છે, જેમ કે શિક્ષણધર્મ, વિદ્યાર્થીધર્મ, પ્રજાધર્મ, રાજધર્મ, સૈનિકધર્મ, સેવકધર્મ, પિતાધર્મ, સ્ત્રીધર્મ વગેરે. ધર્મનો અર્થ ફક્ત પૂજાપાઠ અથવા કર્મકાંડ કરવું તે જ નથી. ધર્મ તો જીવનની સમગ્રતાનું પ્રતીક છે.
સત્પ્રવૃત્તિઓ, સત્કર્મો અને સત્યાચરણને ધર્મ કહે છે. ધાર્મિક માણસ સદાચારી, સંતોષી, શાંત અને સંયમી હોય છે. તે કદીય ક્રોધ, દ્વેષ, બીજાઓનો ઉપહાસ કે અનાદર કરતો નથી. મનની પવિત્રતા, આચરણની સત્યતા અને લોકકલ્યાણની શ્રેષ્ઠ ભાવના તેમના મુખ્ય ગુણો હોય છે. ધાર્મિક માણસ ધર્મનો આડંબર નથી કરતો. તે શાંત તથા નિઃસ્વાર્થ ભાવથી પોતાના કર્તવ્યપાલનમાં જ લાગેલો રહે છે. વિચારોમાં શ્રેષ્ઠતા અને જીવનમાં સાદગીનું જ અવલંબન કરે છે. તે હંમેશાં પોતાની પૂરી ક્ષમતા અને પ્રતિભાનો ઉપયોગ લોકહિતનાં કાર્યોમાં કરતો રહે છે અને માર્ગમાં આવનારી પ્રતિકૂળ પરિસ્થિતિઓને પણ ધૈર્ય તથા દૃઢતાથી દૂર ભગાડી મૂકે છે. સાદું જીવન ઉચ્ચ વિચારનો આદર્શ ૨જૂ કરે છે. સાદગીમાં જ સમૃદ્ધિ છે, તેમાં જ મનુષ્યની પ્રતિષ્ઠા છે.
ધર્મનો અનાદર કરવો તે મનુષ્યતાને ત્યાગીને પશુતાને માન્યતા આપવા સમાન છે. પશુ માટે શરીરધર્મ સિવાય બીજો કોઈ ધર્મ જ નથી. સામેથી આવનાર પ્રાણી જો તેની આડે આવે તો તેને શીંગડાં મારીને ભગાડી દેવું, ડરાવવું અથવા મારી નાખવું એ જ તેની સ્વાર્થપૂર્તિ માટેનો એકમાત્ર ધર્મ છે. માનમર્યાદા, વિવેકબુદ્ધિ, ભાવના, પરંપરા, સમાજ અને સંસ્કૃતિ પશુઓમાં હોતાં નથી. આ વાતો મનુષ્યમાં છે, તેથી જ તેને ડગલે ને પગલે ધર્માનુસાર આચરણ કરવું પડે છે. પરોપકાર, પરસ્પર સહયોગ, સહસંવેદના તથા સહજીવનમાં જ ધર્મનો સાર છે.
ધર્માનુસાર આચરણ જ ઉત્તમ ચારિત્ર્યનો આધાર છે.
પ્રતિભાવો