૧૧૧. વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૨/૧૧/૪ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 7, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૨/૧૧/૪ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
સુરરસ વર્ચોધા અસિ તનૂપાનોડિસ । આપ્નુહિ શ્રેયાંસમતિ સમં ક્રામ ॥ (અથર્વવેદ ૨/૧૧/૪)
ભાવાર્થ : હે મનુષ્યો ! માનવજીવનને સાર્થક બનાવવા માટે જ્ઞાન પ્રાપ્ત કરો, તેજસ્વી બનો અને શારીરિક દૃષ્ટિથી બળવાન બનો. પોતાની વર્તમાન સ્થિતિથી સંતુષ્ટ ન રહેતાં આગળ વધવાનો પ્રયાસ કરતા રહો.
સંદેશ : પ્રાચીનકાળમાં અધ્યયન પૂરું કરીને શિષ્યો જ્યારે ગુરુકુળમાંથી વિદાય લેતા હતા ત્યારે ગુરુ તેમને ઉપદેશ આપતા હતા, “સત્યંવદ, ધર્મ ચર, સ્વાધ્યાયાન્મા પ્રમદઃ” અર્થાત્ સાચું બોલો, ધર્મનું આચરણ કરો અને સ્વાધ્યાયમાં કદીયે આળસ ન કરો. આ ઉપદેશ યોગ્ય છે. ગમે તેટલું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હોય, પરંતુ જો તેને સતત પરિમાર્જિત ન કરવામાં આવે તો કાળાંતરે તે નિરુપયોગી થઈ જાય છે. વાસણોને ફક્ત એકવાર માંજવાથી કામ ચાલતું નથી. વાતાવરણનો પ્રભાવ તેમને મલિન કરી નાંખે છે. તેમને સ્વચ્છ તથા ઉપયોગી રાખવા માટે નિત્ય માંજવાં તથા ધોવાં પડે છે. એ જ પ્રમાણે જ્ઞાનને પણ સ્વાધ્યાય દ્વારા પ્રખર કરવામાં ન આવે તો તેના પર પણ અજ્ઞાનતાની ધૂળ જામવા લાગે છે અને અભ્યાસ ન રહેવાને કારણે તે ભુલાઈ જાય છે.
સ્વાધ્યાય માટે સર્વશ્રેષ્ઠ ગ્રંથ તો વેદ જ છે. વેદનો અર્થ જ્ઞાન થાય છે. આ જ્ઞાન ઈશ્વરનો પ્રાણ છે. તે અનાદિ અને અનંત છે. પ્રતિભાવાન ઋષિમુનિઓ દ્વારા ઉગ્ર તપશ્ચર્યા કરીને જીવનભરના અધ્યયન દ્વારા સંપાદિત જ્ઞાનનો સંગ્રહ જ વેદ છે. વેદોમાં સંસારની બધી કળાઓ, કૌશલ્ય, વિજ્ઞાન, રાજનીતિ અને ભવિષ્યના કોઈ પણ વિષય પર નવીનતમ પ્રકાશ પાડવાનું સામર્થ્ય છે.
માનવજીવનમાં પેદા થતી વિવિધ મુશ્કેલીઓનું અધ્યયન કરીને તેમના ઉકેલનો માર્ગ શોધવાની વિદ્યા આપણને સ્વાધ્યાયથી પ્રાપ્ત થાય છે. પુસ્તકોને પોપટની જેમ ગોખવાને અથવા પાંડિત્ય બતાવવાને સ્વાધ્યાય કહેવાતો નથી. મહાપુરુષોના વિચારોને વાંચીને તેમનું મનન ચિંતન કરવાથી સરળ શબ્દોનો પણ અનંત અને અજ્ઞાત અર્થ પ્રગટ થાય છે. જ્ઞાનની ઉપાસના કરવાની સર્વોત્તમ વિધિ સ્વાધ્યાય જ છે.
આજકાલ સ્વાધ્યાયની વાત તો જવા દો, વિદ્યાલયોમાં પાઠ્યપુસ્તકોનું પણ અધ્યયન પૂરેપૂરી રીતે થતું નથી. શિક્ષકો પોતાના વિષયનું સર્વાંગી વાંચન કરીને પારંગત બનતા નથી અને વિદ્યાર્થીઓ પણ કોઈ પણ પ્રકારનો રસ લેતા નથી. પરીક્ષામાં પાસ થવા પૂરતી ગાઈડ ખરીદી લે છે, કેટલાક પ્રશ્નો તથા જવાબો ગોખી નાખે છે કે પછી ચોરી કરીને પાસ થઈ જાય છે. મોટા ભાગના શિક્ષકોએ શિક્ષણને ફક્ત ધંધો જ બનાવી દીધો છે. તેઓ વિદ્યાર્થીઓને પાસ થવા પૂરતું જ જ્ઞાન આપે છે. તેનાથી વધારે તેમની પાસે હોતું જ નથી. જ્યારે કૂવામાં જ પાણી ન હોય તો ન હવાડામાં ક્યાંથી આવે ? મોટા ભાગે આવી જસ્થિતિ છે. એના પરિણામે આજે સમાજમાં જ્ઞાન ઓછું અને અજ્ઞાન વધારે છે. સર્વત્ર ફેલાયેલ ભ્રષ્ટાચારનું આ પણ એક કારણ છે.
દિનપ્રતિદિન સમાજમાં સ્વાધ્યાયની પ્રવૃત્તિ ઓછી થતી જાય છે. લોકોની પાસે રૂપિયાપૈસાની કોઈ જ ખોટ નથી. સુખસમૃદ્ધિનાં ઘણાં સાધનો વસાવ્યાં છે. ઘરમાં દુનિયાભરનો સામાન જોવા મળશે, પણ સારાં પુસ્તકો ભાગ્યે જ કોઈ ઘરમાં જોવા મળશે. આજે અધ્યયનશીલતાનું યોગ્ય વાતાવરણ કોઈ જગ્યાએ દેખાતું જ નથી.
વસ્તુતઃ માનવજીવનમાં ગ્રંથોનું ખૂબ મહત્ત્વનું સ્થાન છે. ગ્રંથોમાં માનવીય વિચારો રહેલા હોય છે. સગ્રંથો સંસ્કાર આપે છે, મનુષ્યને ઉપદેશ આપે છે, સત્-અસત્નો વિવેક શિખવાડે છે. સુખના સમયે તેના આનંદમાં વૃદ્ધિ કરે છે, દુ:ખના સમયે સહાનુભૂતિ દર્શાવીને તેનું દુઃખ ઘટાડે છે. જો યોગ્ય રીતે એકાગ્રતાપૂર્વક સ્વાધ્યાય કરવામાં આવે તો મનુષ્યમાં ઓજસ અને તેજસની વૃદ્ધિ થાય છે. માનસિક તથા શારીરિક બળ વધે છે અને માનવજીવન સાર્થક થાય છે.
સ્વાધ્યાયથી મનુષ્યનું ચરિત્ર સોનાની જેમ ચમકવા લાગે છે. તેનાથી સદ્ગુણોની વૃદ્ધિ થતી જાય છે અને દોષદુર્ગુણોથી છુટકારો મળે છે. વાસ્તવિકતાનું જ્ઞાન થઈ જવાથી વ્યસનો પ્રત્યે આપોઆપ જ અરુચિ થવા લાગે છે. તેનાથી શારીરિક તંદુરસ્તી પણ વધે છે અને સુખસમૃદ્ધિમાં પણ વૃદ્ધિ થાય છે. મનુષ્ય તેજસ્વી, ઓજસ્વી અને વર્ચસ્વી બને છે.
ચારિત્ર્ય મનુષ્યની સર્વશ્રેષ્ઠ સંપત્તિ છે. તેનું રક્ષણ આપણા જીવનરક્ષણ કરતાં પણ ઘણું જ મહામૂલું છે. જે તેમાં સફળ થાય છે તે જ જીવનલક્ષ્ય સુધી પહોંચીને સંસારમાં યશસ્વી બની શકે છે.
પ્રતિભાવો