૧૦૦. વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ – ૨૦/૫/૩ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 7, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ – ૨૦/૫/૩ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
ઇન્દ્ર પ્રેહિ પુરસ્ત્વં વિશ્વસ્યેશાન ઓજસા । વૃત્રાણિ વૃત્રહં જહિ || (અથર્વવેદ – ૨૦/૫/૩)
ભાવાર્થ : આપણે શક્તિશાળી બનીએ, જેથી ઉન્નતિના માર્ગમાં જે કોઈ વિઘ્નો આવે તેમની સામે લડી શકીએ.
સંદેશ : ભગવાને આ સંસાર આપણા માટે જ નથી બનાવ્યો. તેમાં અનેક પ્રાણીઓ પણ ભાગીદાર છે. અહીં બધા માટે થોડીક સગવડતાઓ અને સંતોષ છે, તો કેટલીક અગવડતાઓ પણ છે. તેમને દૂર કરવા માટે શારીરિક તથા માનસિક પુરુષાર્થની જરૂર પડે છે. જીવનમાં આપણી ઇચ્છા અનુસાર જ બધી પરિસ્થિતિઓ બનતી જાય અને દરેક વ્યક્તિ આપણી મરજી પ્રમાણે જ કાર્ય કરે એ અશક્ય છે. તડકોછાંયડો, દિવસ રાત, સગવડતા-અગવડતા, અનુકૂળતા-પ્રતિકૂળતા બધું જ અહીં છે. જો આપણને અગવડતા, પ્રતિકૂળતા અને અસફળતાનો કદીય સામનો જ ન કરવો પડે, તો આ જીવન નીરસ થઈ જાય. પ્રગતિ અને હરીફાઈ માનવજીવનના વિશેષ ગુણ છે અને તેમના લીધે જ તેમાં સરસતા છે. સ્પર્ધા, પુરુષાર્થ, સૂઝબૂઝ તથા સમતોલનનો વિકાસ કરીને જ જીવનને આનંદમય બનાવી શકાય છે. પરિસ્થિતિઓ સામે સંઘર્ષ કરવાથી જ પ્રગતિ શક્ય બને છે. મુશ્કેલીઓ, અભાવો, પ્રતિકૂળતાઓ અને સંઘર્ષોનું સર્જન એટલા માટે થયું છે કે તેમની સાથે અથડાઈને મનુષ્ય પોતાની ક્ષમતા અને પ્રતિભાનો વિકાસ કરતાં કરતાં આત્મબળ અને મનસ્વિતાની મહાન સમૃદ્ધિઓ ભેગી કરી શકે.
પરંતુ મોટા ભાગના માણસો જીવનમાં થોડીક મુશ્કેલી આવતાં વિચલિત થઈ જાય છે. સામાન્ય અડચણો અને અસફળતાઓના કારણે ઘરમાંથી ભાગી જાય છે અને હિંમત હારીને આત્મહત્યાનું પાપ પણ કરી બેસે છે. નિરાશા અને હતાશાની ભાવના તેમની મુશ્કેલીઓને વધારી દે છે. કેટલાક લોકો તો ભવિષ્યની તકલીફો અને મુશ્કેલીઓની કલ્પના કરતાં કરતાં પોતાના વર્તમાનને પણ દુઃખમય બનાવે છે.
કાર્યક્ષેત્રમાં પ્રવેશ કરનારો કોઈવાર અનુકૂળતાનો લાભ લે છે, તો કોઈવાર પ્રતિકૂળતાનો સામનો પણ કરે છે. લાભ મળવાથી હર્ષોન્મત થઈને કૂદનારા અને નુકસાન થતાં રડનારાઓની સ્થિતિ ખૂબ જ દયાજનક હોય છે. સંઘર્ષશીલ સંસારમાં પોતાની સમર્થતા તથા દઢતાને પ્રદર્શિત કરી શકવાનું સુખ તેમને મળી શકતું નથી. આ સંઘર્ષમાં સફળતા તેમને જ મળે છે, જેમનામાં શક્તિની સાથેસાથે આત્મિક શક્તિ પણ ભરપૂર હોય. એકલું જ શારીરિક બળ વિવેકરૂપી અંકુશના અભાવમાં લોકો માટે સમસ્યાઓ જ ઉત્પન્ન કરે છે. શક્તિનો રચનાત્મક ઉપયોગ જ બધાને માટે હિતકારી હોય છે.
આપણે સફળતાની મોટી મોટી આશાઓ રાખવી જોઈએ અને મનોરથો પૂરા થવાનાં સ્વપ્નો જોવાં જોઈએ, પરંતુ સાથેસાથે ખરાબમાં ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડે તો હસતા રહીને સંઘર્ષ કરવા માટે પણ તૈયાર રહેવું જોઈએ. ગમે તેટલી વિષમ પરિસ્થિતિઓ હોય, છતાં પણ આપણી જાતને આવેશથી બચાવીને માનસિક સમતોલન કદીય ગુમાવવું ન જોઈએ. અસફળતાઓ આપણા ધૈર્ય, સાહસ, સમતોલન, પૌરુષ અને વિવેકને પડકાર ફેંકીને આપણા આત્મબળને વધારે છે. સંઘર્ષથી મળેલ સફળતાનો સ્વાદ કેટલો મધુર હોય છે, પરસેવાની કમાણીમાં કેટલો આનંદ મળે છે એ આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ.
પ્રતિકૂળતાઓ સાથે સંઘર્ષ કરવાની શક્તિ જ આપણને ઓજસ્વી, તેજસ્વી અને વર્ચસ્વી બનાવે છે.
પ્રતિભાવો