૧૧૦. વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૩/૩૦/૪ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 7, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૩/૩૦/૪ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
ચેન દેવા ન વિયન્તિ નો ય વિદ્વિષતે મિથઃ । તત્ કૃણ્મો બ્રહ્મ વો ગૃહે સંજ્ઞાનં પુરુષેભ્યઃ ॥ (અથર્વવેદ ૩/૩૦/૪)
ભાવાર્થ : વિદ્વાન લોકો કદીય લડતાઝઘડતા નથી કે ઈર્ષ્યા કરતા નથી. મનુષ્યના વિચારો શ્રેષ્ઠ બને એટલા માટે સત્સાહિત્યના સ્વાધ્યાયની જરૂરિયાત છે.
સંદેશઃ સંસારમાં અનેક જાતની વિચારધારાવાળા મનુષ્યો રહે છે. પરિસ્થિતિઓની મૂલવણી કરવાની તથા તેમાંથી નિષ્કર્ષ કાઢીને તેના ૫૨ આચરણ કરવાની દરેકની રીત જુદી જુદી હોય છે. એ જરૂરી નથી કે દરેક માણસનો આપણા વિચારો સાથે મેળ ખાય અને તે પ્રમાણે આચરણ પણ કરે. વિચારોના સંઘર્ષમાંથી જ ઈર્ષ્યા અને દ્વેષની ભાવના જન્મ લે છે. આલોચના-પ્રતિઆલોચનાનો ક્રમ ચાલે છે, કડવાશ વધે છે અને ઉત્થાનના માર્ગમાં તકલીફો ઊભી થાય છે. મિથ્યા જ્ઞાન, મિથ્યા અભિમાન, મિથ્યા ભાષણ અને જૂઠાણાં પ્રત્યેના દુરાગ્રહના ફળસ્વરૂપે લોકો એકબીજાની નિંદા કરે છે. નિંદા કરવાથી આત્મા મલિન થાય છે અને વારંવાર બીજાઓની ખરાબ ટેવોનાં વખાણ કર્યાં કરવાથી પોતાનામાં પણ એ ખરાબ ટેવ આવી જાય છે.
આધ્યાત્મિક વિદ્વાન માણસોએ પોતાના ભૌતિક જીવનને સુખમય બનાવવા માટેદ્વેષભાવનો ત્યાગ કરી દેવો જોઈએ. જ્યાં દ્વેષ હોય છે ત્યાં ઈર્ષ્યા, મદ અને શત્રુતા હોય છે. શત્રુતાથી સંદેહ અને ભય ઉત્પન્ન થાય છે. પોતાને નિર્ભય રાખવા માટે એ જરૂરી છે કે પહેલાં પોતાના હૃદયને દ્વેષની ભાવનાથી મુક્ત કરીએ. પ્રેમ પ્રેમને જન્મ આપે છે અને ધૃણા ઘૃણાને. પ્રેમનું વાતાવરણ જ નિર્ભયતાનો સુખદ વિક્લ્પ છે.
સમાજમાં નિર્ભયતા, સુવ્યવસ્થા અને સુખશાંતિ માટે એવા માણસોનો તિરસ્કાર કરવો જોઈએ, જેઓ સદા ઈર્ષ્યા તથા દ્વેષમાં ફસાયેલા રહે છે અને સર્વત્ર કલેશનું વાતાવરણ પેદા કરે છે. આવા માણસો પોતાની સ્વાર્થપરાયણતાની ભાવનાને કારણે નિરંતર બીજાઓનું શોષણ કરતા રહે છે, તેમને વિવાદ અને કલેશમાં ફસાવી રાખે છે અને નીચા દેખાડવાના પ્રયાસો કરતા રહે છે.
સત્સાહિત્યના સ્વાધ્યાયમાં જ એવી શક્તિ છે કે તે મનુષ્યના વિચારોને એક સર્વોપયોગી માર્ગ પર ચાલવાની પ્રેરણા આપી શકે છે. તેના દ્વારા વાસ્તવિક જ્ઞાન પ્રાપ્ત કરવાથી તેમના મતમતાંતર દૂર થાય છે અને ચિંતનને સાચી દિશા મળે છે. સ્વાધ્યાયના માધ્યમથી મન પર જામેલી ભ્રમ તથા ભ્રાંતિની કાળાશ દૂર થઈ જાય છે, બૌદ્ધિક ભૂખ શાંત થઈ જાય છે અને માનસિક શ્રેષ્ઠતાનો વિકાસ થાય છે. તેનાથી સમાજમાં ઉદારતા અને સહકારની ભાવનાનો વિકાસ થાય છે અને સંદેહ તથા ભયના સ્થાને પ્રેમ તથા વિશ્વાસનાં મૂળિયાં ઊંડાં ઊતરે છે, ભાઈચારામાં વૃદ્ધિ થાય છે. સ્વાધ્યાય કલ્પવૃક્ષ સમાન છે. તેની છાયામાં બેસવાથી મનગમતાં ફળોની પ્રાપ્તિ થાય છે, બધી ચિંતાઓ દૂર થઈ જાય છે અને જીવનમાં મધુરતા તથા સાત્ત્વિકતા આવે છે. સ્વાધ્યાય દ્વારા આપણને એવા વિદ્વાનોનો સત્સંગ પણ પ્રાપ્ત થાય છે, જેઓ સેંકડો હજારો વર્ષ પહેલાં આ ધરતીની શોભા હતા. તેમનાં પુસ્તકો દ્વારા આપણો સંપર્ક તેમની સાથે જોડાઈ જાય છે અને એવું લાગે છે કે જાણે આપણે તેમની સાથે પ્રત્યક્ષ વાતો કરી રહ્યા છીએ અને તેઓ આપણી મુશ્કેલીઓનું સમાધાન કરીને માર્ગ બતાવી રહ્યા છે.
નિત્યક્રમની જેમ જ સારું સાહિત્ય વાંચવાના ક્રમનો આપણી દિનચર્યામાં સમાવેશ કરવો જોઈએ.
પ્રતિભાવો