૯૮. વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૬/૬૪/૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 7, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૬/૬૪/૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
સં જાનીધ્વં સં પૃચ્વધ્વં સં વો મનાંસિ જાનતમ્ । દેવા ભાગં યથા પૂર્વે સંજાનાન ઉપાસતે ।। ( અથર્વવેદ ૬/૬૪/૧)
ભાવાર્થઃ પ્રત્યેક મનુષ્યનું એ કર્ત્તવ્ય છે કે તે જ્ઞાન પ્રાપ્ત કરી પરસ્પર હળીમળીને રહે. બધા ઉત્તમ સંસ્કારોવાળા થાઓ. જેવી રીતે આપણા પૂર્વજો પોતાનાં કર્તવ્યોનું પાલન કરતા હતા, તે જ પ્રમાણે આપણે પણ હંમેશાં આપણાં કર્તવ્યો પૂરાં કરતા રહીએ.
સંદેશ : અધ્યાત્મવાદી જીવનની પ્રવૃત્તિઓ સામાન્ય નરપશુની જેમ પેટ અને પ્રજનન, વાસના અને તૃષ્ણા પર આધારિત હોતી નથી, પરંતુ ઉજ્જવળ અને શ્રેષ્ઠ આદર્શવાદિતાથી પ્રેરિત હોય છે. અધ્યાત્મવાદીને આત્મા અને શરીરના તફાવતનું જ્ઞાન હોય છે. તે આત્માને સ્વામી અને શરીરને સાધન માને છે. આ તફાવત જેની દૃષ્ટિમાં સ્પષ્ટ થઈ જાય તે કાયાનાં સુખસગવડો, ઇન્દ્રિયોની લાલચ અને ખોટી વાહવાહ તથા શાનને મહત્ત્વ આપવાને બદલે એ વાતને મહત્ત્વ આપે છે કે આત્મકલ્યાણ અને આત્મવિકાસ જેવાં મહાન પ્રયોજનો માટે આ અમૂલ્ય માનવજીવનનો શ્રેષ્ઠતમ ઉપયોગ કેવી રીતે કરી શકાય. આ લક્ષ્યને પૂરું કરવા માટે જો શારીરિક સગવડો અને ભૌતિક સંપત્તિમાં થોડોક ઘટાડો કરવો પડે, તો તેનાથી તેને રતીભાર પણ રંજ થતો નથી, કારણ કે તે જાણે છે કે શરીર તો માત્ર સાધન છે. તેની સગવડતાઓ ઘટે છે ત્યારે આત્માના ઉત્કર્ષ તરફ વળે છે. એમાં નુકસાન ઓછું અને લાભ વધારે છે.
અધ્યાત્મવાદી સાદું જીવન અને ઉચ્ચ વિચારના આદર્શોનું પાલન કરે છે. વિલાસ અને આડંબરની પૂર્તિમાં જે ખોટો સમય અને પૈસા ખર્ચાય છે તેમને બચાવીને લોકમંગળનાં આદર્શવાદી કાર્યોમાં ખર્ચી શકાય છે. જે જેટલું ખર્ચાળ અને આડંબરયુક્ત જીવન જીવતો હશે તેની જરૂરિયાતો, ચિંતાઓ, મૂંઝવણો અને વ્યાધિઓ પણ એટલાં જ વધશે. બીજાઓથી વધારે પ્રદર્શન કરવાની અથવા સુખ ભોગવવાની લાલચને જે ઘટાડતો જશે તેને પોતાનો અને પોતાના પરિવારનો નિરર્થક ખર્ચ આડંબર જેવો જ લાગશે. એટલા માટે દિવ્યતાનો પ્રારંભ કરકસરથી જ કરવામાં આવે છે.
મનુષ્યને જ્યારે એ વાતનું જ્ઞાન થાય છે ત્યારે તે બધાની સાથે હળીમળીને રહેવામાં જ આનંદનો અનુભવ કરે છે. તે પોતાની જેમ જ બધાનાં સુખદુઃખને સમજે છે. બીજાઓના સુખમાં પોતાનું સુખ અને બીજાઓના દુખમાં દુ:ખની અનુભૂતિ કરે છે. પોતાનું સુખ બીજાઓને વહેંચવાનું અને બીજાઓના દુઃખનો બોજો પોતે ઉઠાવી લેવાની મહેચ્છા તેને વસુધૈવ કુટુંબકના ઉચ્ચ સ્તર સુધી પહોંચાડી દે છે. એકબીજા માટે સહાનુભૂતિ, દયા, પરોપકાર, મમતા અને એકાત્મતાની ભાવના દેઢ થવાથી પારસ્પરિક સદ્ભાવ, સ્નેહ અને સમાનતાની વૃદ્ધિ થાય છે અને સમાજમાં સ્વર્ગીય વાતાવરણ બને છે.
આપણા ઋષિઓએ આ જ આદેશ આપણા માટે રજૂ કર્યો, જે આજે પણ એટલો જ સાર્થક છે. પોતાના જ્ઞાન તથા બુદ્ધિનો ઉપયોગ તેઓ સમાજના કલ્યાણને માટે જ કરતા હતા. પોતે ઝૂંપડીમાં રહીને સામાન્ય કક્ષાનું જીવન વિતાવીને સમાજને સુખ તથા સમૃદ્ધિના શિખર પર પહોંચાડી દેવામાં કાર્યરત રહેતા. કેવી ઉચ્ચ તથા શ્રેષ્ઠ વિચારપદ્ધતિ હતી ! નિઃસ્વાર્થભાવથી પોતાના કર્તવ્યપાલનમાં વ્યસ્ત રહેવાનું તેમને ગમતું હતું.
આપણા પૂર્વજોના આવા શ્રેષ્ઠ આદર્શોનું પાલન કરીને જ આપણે ચારિત્ર્યવાન બની શકીએ છીએ.
પ્રતિભાવો