૮૧. વેદોનો દિવ્ય સંદેશ – અથવર્વેદ ૧૯/૫૩/૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 7, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – અથવર્વેદ ૧૯/૫૩/૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
કાલો અશ્વો વહતિ સપ્તરશ્મિ, સહસ્રતાક્ષો અજરો ભૂરિરેતાઃ । તમા રોહન્તિ કવયો વિરશ્ચિતસ્તસ્ય ચક્રા ભુવનાનિ વિશ્વા ॥ (અથવર્વેદ ૧૯/૫૩/૧)
ભાવાર્થ : જે સમય આજે નીકળી જશે તે ફરી પાછો આવશે નહિ. સમય ઘણો જ બળવાન છે, એ જાણીને જ્ઞાની લોકો હંમેશાં સમયનો સદુપયોગ કરે છે.
સંદેશ : સમય માનવજીવનની સૌથી મૂલ્યવાન સંપત્તિ છે. એના સદુપયોગથી સંસારમાં દરેક પ્રકારની સફળતા પ્રાપ્ત કરી શકાય છે. બધાં સુખ અને વૈભવ મેળવી શકાય છે. દિવસ, રાત, મહિના અને વર્ષો વીતી રહ્યાં છે અને સમય દોડતો જઈ રહ્યો છે. જે સમય વીતી ગયો તે ફરી પાછો આવી શકતો નથી.
આ મંત્રમાં કાળ અર્થાત્ સમયના અનેક ગુણો બતાવ્યા છે. જેવી રીતે સૂર્ય સાત રંગોની સાથે પ્રકાશમાન રહે છે, એવી જ રીતે કાળ પણ પ્રકાશવાન છે. જેવી રીતે સંસારમાં સૂર્યની સત્તા મુખ્ય છે એ જ રીતે કાળની મહત્તા પણ માન્ય છે. કાળનાં સેંકડો નેત્રો છે, જે સતત આપણને બધાંને જોતાં રહે છે. કાળચક્રમાં સેંકડો આરા છે. તેના આધારે સંસાર સતત ગતિશીલ રહે છે. કાળ હંમેશાં એકસરખો રહે છે અને અત્યંત બળવાન છે.
સંસારનાં બધાં કાર્યો દેશ અને કાળની સીમામાં બંધાયેલાં છે. પરમાત્મા અને આત્મા સિવાય બાકીની બધી વસ્તુઓ કાળના બંધનમાં બંધાયેલી છે. ફક્ત જ્ઞાનવાન અને બુદ્ધિમાન માણસ જ કાળરૂપી ઘોડા પર સવારી કરી શકે છે. અર્થાત્ જેના જીવનમાં ઉચ્ચ લક્ષ્ય હોય છે તે જ સમયનો સદુપયોગ કરીને કાળને હરાવી શકે છે.
સમય ધન કરતાં પણ વધારે મૂલ્યવાન છે. સંસારના બધા જ પદાર્થોમાં સમયનું મહત્ત્વ સર્વોપરી છે. જેઓ સમયના મહત્ત્વને સમજે છે તેઓ તેને કદીયે નષ્ટ કરતા નથી. જે સમયને નષ્ટ કરે છે તેનો નાશ સમય કરી નાખે છે. સમય શુભ જીવન અને લક્ષ્મીનો ભંડાર છે. સમયના સદુપયોગથી જ મનુષ્યજીવન શુભ અને પવિત્ર બને છે. જીવન નશ્વર છે એનો અર્થ એ નથી કે સમયને નષ્ટ કરવામાં આવે. એમાંથી આપણે એ પ્રેરણા લેવી જોઈએ કે આ અમૂલ્ય ભંડારને વ્યર્થ ન ગુમાવીએ અને સમયનો સદુપયોગ કરીને એનો વધારેમાં વધારે લાભ મેળવીએ. જીવનમાં સફળતાનું રહસ્ય પણ એ જ છે કે નિશ્ચિત સમય પર નિશ્ચિત કાર્ય કરવામાં આવે, પરંતુ આજે જેને જુઓ તેઓ સમયને બરબાદ જ કરતા રહે છે. દરેક કામ સમય પસાર કરવાના ઉદ્દેશથી જ કરાય છે. લોકો આળસ, નિદ્રા અને ગપ્પાંબાજીમાં સમય પસાર કરે છે અને કહે છે કે ઘણા જ વ્યસ્ત છીએ. જો આપણે હજુ પણ વાસ્તવિકતાથી આંખો ફેરવી લઈશું, તો કાળ આપણને કચડી નાંખશે.
“કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ” ની ષ્ટિ અપનાવવી જોઈએ. કાલ કોણે જોઈ છે ? ભવિષ્ય કદીયે ભવિષ્યના રૂપમાં નથી આવતું. તે તો પ્રતિક્ષણ આપણને વર્તમાનના રૂપમાં જ પ્રાપ્ત થાય છે. તેથી જે વર્તમાનનો લાભ ઉઠાવે છે તે પોતાના ભવિષ્યનું નિર્માણ કરે છે તથા કાળવિજયી બની જાય છે.
સમયનો સદુપયોગ ચારિત્ર્યનો સર્વશ્રેષ્ઠ ગુણ છે.
પ્રતિભાવો