૩. યુગશક્તિ – નિષ્કલંક પ્રજ્ઞાવતાર

યુગશક્તિ – નિષ્કલંક પ્રજ્ઞાવતાર
યુગપરિવર્તનની મહત્ત્વપૂર્ણ વેળામાં પરમાત્મ સત્તાની વિશેષ શક્તિધારાનું અવતરણ થાય છે. શ્રેય મનુષ્ય દેહધારીઓને મળે છે, પણ ચિંતકોને ખબર છે કે મહાન પરિવર્તનની મુખ્ય ભૂમિકા અવતારી ચેતના જ નિભાવતી હોય છે. બુદ્ધાવતાર બાદ નિષ્કલંક કલ્કિ અવતારનું વિવેચન પ્રાચીન ગ્રંથોમાં મળે છે. યુગયઋષિએ ગાયત્રી મહાવિદ્યા મહાપ્રજ્ઞાને જ નિષ્કલંક – પ્રજ્ઞાવતાર કહ્યો છે. અખંડ જ્યોતિ માર્ચ ૧૯૭૯ ના થોડાક અંશ જુઓઃ


“ગાયત્રી ઉપાસના પ્રાચીનકાળથી આ દેશને શક્તિસામર્થ્ય આપતી રહી છે, આ યુગ માટે તો તે સંજીવની જેવી છે. એટલા માટે એના અવતરણનું જોરદાર સ્વાગત થવું જોઈએ અને એકવાર જો વાતાવરણ સંસ્કારિત બનાવી શકાય તો તેનાથી રાષ્ટ્ર અને વિશ્વને સંયમિત, સમૃદ્ધ, સ્વસ્થ અને સમર્થ દેવભાવનાઓથી ઓતપ્રોત રાખવાનું ગતિચક્ર અનાયાસે જ ચાલવા લાગશે. જેની વિવેકબુદ્ધિ વસ્તુ સ્થિતિને સમજવામાં સમર્થ છે તેવા જાગૃત આત્માઓએ આ જવાબદારી નિભાવવાની છે કે જેમનામાં અંધવિશ્વાસ, રૂઢિવાદી માન્યતાઓ અને પરંપરાઓ સામે લડવાનું સાહસ છે.
એવું જરૂરી નથી કે આ કાર્યમાં જોડાનાર બધા ઉચ્ચ કોટિના સાધકો તથા નિષ્ણાતો જ હોય. યુગસત્તાએ એ પરિસ્થિતિઓનું નિર્માણ જાતે જ કરી દીધું છે. તાલીમ, માર્ગદર્શન, સંરક્ષણ બધું મળી શકે એમ છે. ગાયત્રી ઉપાસના, દર્શન, કર્મકાંડ, નિયમો, પેટાનિયમો, વિજ્ઞાન વગેરે પાસાં પર પ્રચુર પ્રમાણમાં સાહિત્ય દ્વારા પૂરતો પ્રકાશ પાડવામાં આવ્યો છે. લોકોને તેમના સંપર્કમાં લાવવાની જ જરૂર છે.”
યુગઋષિ અહીં એ વાત સ્પષ્ટરૂપે બતાવે છે કે આ કામ માટે વ્યક્તિની યોગ્યતાની ખામી આડે નહિ આવે, તેની પૂર્તિ તો અવતારી ચેતના કરશે. પૂરી નિષ્ઠા સાથે આપનો પ્રયત્ન જ મુખ્ય છે. આ પ્રયાસમાં મનુષ્યના બાહ્ય કલેવર સાથે અંતરાત્માને, પ્રાણને, ચેતનાને પ્રખર અને શુદ્ધ કરવાનાં રહેશે. આ પાસાને સ્પષ્ટ કરતાં તેઓ લખે છે :
“વ્યક્તિ મૂળ રીતે બે ભાગમાં વહેંચાયેલી હોય છે. એક એનો બાહ્ય રંગ, કવચ, જેને શરીર કહે છે અને બીજો તેની ચેતના, પ્રાણશક્તિ, ગતિ, તત્પરતા, ઇચ્છાઓ, આકાંક્ષાઓ, ભાવનાઓ. બધાને ખબર છે કે આમાં બીજા આંતરિક કલેવરનું મહત્ત્વ વધારે છે, છતાં ૯૦ ટકા લોકો સ્થૂળ શરીરને સજાવવા તથા શણગારવામાં જ લાગેલા રહે છે.
ગાયત્રી ભારતીય સંસ્કૃતિનો પ્રાણ છે. વેદમાતા, દેવમાતા, વિશ્વમાતાના રૂપમાં તેની ભૂમિકા પ્રાચીનકાળમાં પણ મહાન હતી. નવા યુગમાં પણ આ જ બીજમંત્રનો વિસ્તાર વિશ્વસંસ્કૃતિ, દેવસંસ્કૃતિના રૂપમાં થશે, જેને નવયુગના કલ્પવૃક્ષનો પ્રેરણા સ્રોત કહી શકાય. આ ચોવીસ અક્ષરોમાં જ્ઞાનવિજ્ઞાનનાં એ તમામ તત્ત્વો સમાયેલાં છે, જેના આધારે વ્યક્તિની ઉત્કૃષ્ટતા અને સમાજની સુવ્યવસ્થાનું નિર્માણ થઈ શકે. આજનું ‘આસ્થા સંકટ’ જ તમામ સમસ્યાઓનું કારણ છે. તેના નિરાકરણ માટે લોકમાનસમાં ઉત્કૃષ્ટ આદર્શવાદની, ઋતંભરાપ્રજ્ઞાની સ્થાપના જ કરવી પડે. આ પ્રયાસનું સાર્વભૌમ સૂત્રસંચાલન કરવાની ક્ષમતા ગાયત્રી મંત્ર જેટલી બીજા કશાયમાં નથી. યુગાંતરીય ચેતનાનું અવતરણ પ્રજ્ઞાવતરણના રૂપમાં થઈ રહ્યું છે. પ્રજ્ઞા એટલે કે ઋતંભરા પ્રજ્ઞા. ધાર્મિક ભાષામાં એને જ્ઞાનયજ્ઞ અને સામાજિક ભાષામાં વિચારક્રાંતિ અભિયાન કહી શકાય.
પાછલા દિવસોમાં ગાયત્રી મંત્ર પૂજાપાઠમાં કામ આવનારું એક નિમિત્ત માત્ર હતો, પણ હવે તેનો વિકાસ, વિસ્તાર પુરાતન સતયુગના સમયની જેમ જ થશે. જગતનિયંતાના પ્રયત્નોથી પેદા થતી પ્રચંડ પ્રેરણાઓ અવતાર કહેવાય છે. આ દિવસોમાં તેનું સ્વરૂપ પ્રજ્ઞાવતારના રૂપમાં થઈ રહ્યું છે. પ્રજ્ઞા એટલે કે ગાયત્રી અર્થાત્ વિવેકશીલ શાલીનતા. યુગશક્તિની પ્રવૃત્તિઓને વ્યાપક બનાવવામાં શક્તિપીઠોની સ્થાપના કેટલી મહત્ત્વપૂર્ણ હશે તેની કલ્પના માત્રથી જ ભાવસંવેદનાઓમાં ઉત્સાહ અને ઉલ્લાસ વધી જાય છે. ’’
નિષ્કલંક મહાપ્રજ્ઞા :
આ વિષમ સમયમાં જગતનિયંતાનો હસ્તક્ષેપ અનિવાર્ય થઈ ગયો છે. આસ્થાસંકટ જ આજની સમસ્યા છે. સંપત્તિની નહિ, સદ્વિચારોની ખોટ છે. સાધનોનો નહિ, સદ્ભાવનો અભાવ છે. અંતરમાં ઘૂસેલી નીચતા જ સુરસા રાક્ષસીની જેમ બધું જ હડપ કરવા તૈયાર થઈ છે. પ્રજ્ઞાની વધતી પ્રખરતા જ એનો નાશ કરી શકે. સમાજશાસ્ત્રીઓ આને વિચારક્રાંતિ કહે છે. ધાર્મિક ક્ષેત્રમાં એને “જ્ઞાનયજ્ઞ” નામ આપવામાં આવ્યું છે અનેતત્ત્વદર્શીઓ આ પવિત્ર પ્રવાહને “પ્રજ્ઞાવતાર’ કહે છે. ભગવાનનો અવતાર આ રૂપમાં જ હોવો જોઈએ અને તે થઈ રહ્યો છે.
યુગપરિવર્તન માટે આનાથી વિશેષ કંઈ જોઈતું પણ નથી. સાથે એ પણ નક્કી છે કે દુર્બુદ્ધિથી ઉત્પન્ન થયેલી આ દુર્ગતિનો ઉકેલ આના વિના બીજા કોઈ ઉપાયથી શક્ય પણ નથી.
પૌરાણિક શાસ્ત્રોમાં આ સમયના અવતારનું નામ નિષ્કલંક આપવામાં આવ્યું છે. નિષ્કલંક એટલે કલંકરહિત કોઈ વ્યક્તિ હોઈ શકે નહિ, જે માટીના શરીરથી માનવકાયા ઘડાઈ છે તેમાં ક્યાંક ને ક્યાંક કોઈક ખામી તો રહેવાની જ. પ્રજ્ઞા જ એકમાત્ર નિષ્કલંક સત્તા છે. સત્ય ગમે તેટલું ઊંચું હોય, છતાં તેને સમજવા અને પકડવા પ્રજ્ઞાનો સહારો જોઈએ જ. પ્રજ્ઞા જ નિષ્કલંક છે, ઋતંભરા પ્રજ્ઞાનું જ બીજું નામ બ્રહ્મવિદ્યા છે. ચેતનાજગતની આ જ આદ્યશક્તિ છે, આજના સમયમાં આને જ યુગશક્તિ નામ આપવામાં આવ્યું છે. પ્રજ્ઞાવતારને જ નિષ્કલંક કહી શકાય.
યુગાંતરીય ચેતના
દિવ્યલોકથી અવતરિત મહાન જાગરણ, મહાન પરિવર્તનની સક્રિયતાનું યોગ્ય નામ યુગાંતરીય ચેતના છે. દેવસંસ્કૃતિનો ઉદય અને સ્વર્ગીય પરિસ્થિતિનું નવનિર્માણ કરવું તે એનાં કામ છે. એણે જ જાગૃત આત્માઓને ઢંઢોળ્યાં છે. ઊગતા સૂર્યનાં પહેલાં કિરણો સૌ પ્રથમ પર્વતોનાં શિખરો પર જ ચમકે છે. બીજા ચરણમાં સૂર્યનારાયણનો પ્રકાશ સમસ્ત ભૂમંડળને આચ્છાદિત કરી દે છે, છતાં બપોરે પણ ગુફાઓમાં તો અંધારું જ રહે છે. યુગાંતરીય ચેતનાને કેટલાયે દૃષ્ટિકોણથી, કેટલાંયે રૂપોમાં અપનાવવામાં આવી રહી છે. સામાજિક ક્ષેત્રોમાં આને વિચારક્રાંતિ કહે છે. સર્જનશિલ્પીઓ એને જનમાનસનું શુદ્ધિકરણ કહે છે. દાર્શનિક ક્ષેત્રમાં આને જ્ઞાનયજ્ઞ કહે છે. અધ્યાત્મવાદીઓએ પ્રજ્ઞાવતારનું નામ આપ્યું. ધર્મતંત્રથી લોકશિક્ષણની પ્રક્રિયા દ્વારા જ આ શક્ય બનવાનું હોઈ આને ગાયત્રી અભિયાન કહેવું પણ ઉચિત છે. ગાયત્રીનો અર્થ માત્ર શાબ્દિક રીતે નહિ, પણ એક મહાપ્રજ્ઞાના રૂપમાં સમજવાનો છે. તેનું કાર્યક્ષેત્ર સાર્વભૌમ અને લક્ષ્ય સમગ્ર વિશ્વ છે. આ દેવચેતનાને તમામ લોકોના મનમાં ઉતારવાનું કામ કરવા માટે જ શક્તિપીઠો બનાવવામાં આવી રહી છે. તેમનું સ્વરૂપ હિંદુ ધર્મની માન્યતાઓ પ્રમાણે બનેલાં દેવાલયો જેવું છે, પણ તેમનું કાર્યક્ષેત્ર કોઈ દેશ, જાતિ કે ધર્મના વાડા સુધી સીમિત નથી. તેનો વિસ્તાર વિશ્વવ્યાપી છે.
આજે વિશ્વધર્મનું કોઈ સ્વરૂપ જોવા મળતું નથી, તેથી વર્તમાન ધર્મોના માધ્યમથી જ વિશ્વધર્મની, વિશ્વદર્શનની પૃષ્ઠભૂમિ તૈયાર કરવી પડશે. પ્રભાતનો શુભારંભ પૂર્વ દિશામાંથી થાય છે. અગ્રણી હોવાનું શ્રેય પણ એને જ મળેલું છે. ભારત પૂર્વમાં પણ છે અને અગ્રણી પણ છે. એટલે શુભારંભની જવાબદારી પણ તેના ખભા પર જ આવવાની છે. “પ્રજ્ઞાવતાર” સાર્વભૌમ છે. ઋતંભરા પ્રજ્ઞા પણ સાર્વજનિક છે. ગાયત્રી શક્તિપીઠોની યોજના, રીતિનીતિ અને કાર્યપદ્ધતિ પણ વ્યાપક છે. ભારતીય સંસ્કૃતિને અનુરૂપ જ પ્રતિમાઓ અને નિત્યક્રમો ગોઠવેલા છે. જે દેશથી સૂર્યોદય થઈ રહ્યો હોય તેના માટે વર્તમાન પરિસ્થિતિઓમાં એ જ સર્વોત્તમ છે. બીજા દેશોમાં આવતાં વર્ષોમાં આવાં પ્રતિષ્ઠાનોનો વિસ્તાર થશે. તે વખતે તે ક્ષેત્રોની સંસ્કૃતિને અનુરૂપ પ્રતીકો અને પરંપરાઓને અપનાવવામાં આવશે અને ત્યાંના જનમાનસને ધીમેધીમે સર્વદેશીયતાની દિશામાં આગળ વધારવામાં આવશે.
પૌરાણિક માન્યતા અનુસાર પ્રજ્ઞાવતાર જ નિષ્કલંક છે. આ એક પ્રમાણપત્ર છે, જેના માટે કલંકોના આક્ષેપ અને અગ્નિપરીક્ષા દ્વારા તેમનું નિરાકરણ આવશ્યક છે. જેવી રીતે રામ, કૃષ્ણ, બુદ્ધ વગેરેને હરાવવા માટે આસુરી તત્ત્વોએ છદ્મરૂપો ધારણ કર્યાં હતાં અને આક્રમણો કર્યાં હતાં તેવી જ સમસ્યાઓ શક્તિપીઠોનાં નિર્માણોમાં આવવાની પણ સંભાવના છે. પ્રજ્ઞાવતારની યુગાંતરીય ચેતનાએ પણ આ પ્રકારના અવરોધોમાંથી પસાર થવું પડશે. આટલું કરવાથી ઘણુંબધું પ્રાપ્ત થઈ શકશે. નિષ્કલંક પ્રજ્ઞાવતાર દ્વારા યુગપરિવર્તનની પ્રક્રિયા પૂરી થશે જ, એમાં આસ્થાવાનોએ સહેજ પણ શંકા રાખવી ન જોઈએ.
આ તથ્યને બીજી રીતે સ્પષ્ટ કરતાં યુગઋષિએ ૧૯૭૯ના સપ્ટેમ્બર માસના અખંડજ્યોતિના ‘અપનોં સે અપની બાત’ ના લેખમાં લખ્યું હતું :
“સૃષ્ટાએ સમય સમય પર અસમતોલનને સમતોલ કરવામાં ભાગ ભજવ્યો છે. મહાવિનાશની ઘડી આવતાં સુધી આ ક્રમ ચાલતો રહેશે. ભગવાનનાં અન્ય નિર્ધારણોની જેમ સક્ષમ ચેતનાના અવતરણનો ઉચિત સમય અને ઉચિત વિધાન વર્તમાન યુગ જ છે. ‘તદાત્માનં સૃજામ્યહ’ આશ્વાસનની પૂર્તિ થશે. આ શૃંખલામાં જ પ્રજ્ઞાવતરણનો એક નવો અધ્યાય જોડાઈ રહ્યાં છે. આસ્થાસંકટની ઘોર રાત્રિનું નિરાકરણ ઋતંભરા પ્રજ્ઞાનું પ્રભાત જ કરી શકે. આ જ ગાયત્રી છે. જનમાનસનું શુદ્ધિકરણ અને દેવયુગનું નિર્ધારણ એના તત્ત્વજ્ઞાનના પ્રકાશથી શક્ય બનશે. ગાયત્રીને એક જાતિ દ્વારા થતાં પૂજાપાઠ સમજવામાં આવે છે. એ એટલી સીમિત નથી. એમાં માનવીય ચિંતન અને ચરિત્રને દેવત્વ તરફ લઈ જનારાં તમામ તત્ત્વો મોજૂદ છે. એના આધારે જ દેવયુગમાં સ્વર્ગીય પરિસ્થિતિઓનો લાભ ઘણા લાંબા સમય સુધી આ ધરતીના નિવાસીઓ ઉઠાવતા રહ્યા છે. ઉપાસનાને પુનર્જાગરણની આ સંધિવેળામાં એ પુરાતન પાસનાને પુનર્જીવિત કરવામાં આવી રહી છે.’’
ઇતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે. આપણા ગાયત્રી પરિવારનું સંગઠન એક ઈશ્વરીય મહાન પ્રયોજનને પૂરું કરવામાં સહાયક બનવા માટે થયું છે. આપણે પોતાને ઓળખીએ અને ભૂતકાળની સ્મૃતિઓને ફરી તાજી કરી લઈએ તો સારું, ચોક્કસ આપણે ખૂબ ઘનિષ્ઠ અને નિકટના આત્મીય પરિવારના સભ્યો રહેતા આવ્યા છીએ. – પરમ પૂજ્ય ગુરુદેવ(મહા.ની યુગ.પ્રક્રિયા ૭૩.૭૯)

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: