૧૨. પ્રસંશા કરી પ્રોત્સાહન
July 7, 2022 Leave a comment
પ્રસંશા કરી પ્રોત્સાહન
જે રીતે બીજાને આપણો સમય, ધન, કે સલાહ આપીને એમનું કંઇક ને કંઇક આપન્ને ભલું કરી શકીએ છીએ એ જ રીતે પ્રોત્સાહન આપીને પણ અનેકનું સારું કરી શકાય છે.
મનુષ્યનું મન સદા દ્વિધામાં ડૂબેલું રહે છે. આશા-નિરાશાના ઝૂલામાં ઝૂલતું એ આગળ પાછળ થયા કરે છે, પાપ અને પુણ્યની પ્રવૃત્તિઓ પન્ન તડકા-છાયાની જેમ એના પર શ્વેતશ્યામ છાયા પડની રહે છે. સદ્ગુણો અને દુર્ગુણોની ભરતીઓટ પણ આવ્યા કરે છે. આ પરસ્પર વિરોધી વૃત્તિઓમાં જેને આશ્રય મળી જાય છે એ મૂળ નાખે છે અને જેની ઉપેક્ષા થાય છે એ શાંત અને સમાપ્ત થવા લાગે છે.
આ કોમળ ભાવનાઓના વિકાસ અને વિનાશને બીજાનાં પ્રોત્સાહન અથવા વિરોધ સાથે બહુ સંબંધ છે. સામાન્ય લોકો પોતાનું યોગ્ય રીતે વિશ્લેષણ કરી શકતા નથી. એ માટે તેઓ બીજાની સંમતિ પર આધાર રાખે છે. જ્યારે બીજા લોકો પોતાની પ્રસંશા કરે છે ત્યારે મન પ્રફૂલ્લિત થાય છે, ગર્વનો અનુભવ થાય છે અને લાગે છે કે પોતે કોઈક પ્રશંસનીય કાર્ય કરી રહ્યા છે, પરંતુ ત્યારે બીજાના મોંથી પોતાની નિંદા, અસફળતા અને તુચ્છતાની વાત સાંભળે છે ત્યારે દુઃખ થાય છે, મન તૂટે છે, નિરાશા થાય છે. પ્રશંસા કરનાર તરફ એટલા માટે મનમાં કૃતજ્ઞતા જાગે છે કેમકે એમણે આપણા સદ્ગુણોની ચર્ચા કરીને માનસિક ઉત્થાનમાં મોટું યોગદાન કર્યું છે. એ આપણને મિત્ર અને પ્રિય લાગે છે, પરંતુ જે લોકો આપણી નિંદા કરે છે એ શત્રુ લાગે છે, ખરાબ લાગે છે કેમકે એમણે આપણું ખરાબ પાસું પ્રત્યક્ષ કરી મનમાં નિરાશા અને ખિન્નતા ઉત્પન્ન કરી દીધી.
આત્મ-નિરીક્ષણની દૃષ્ટિથી પોતાના દોષ, દુર્ગુણોને શોધવાનું ઉચિત છે. કોઈ ધનિષ્ઠ મિત્ર સાથે એકાન્તમાં એની ખોટી ગતિવિધિ સુધારવા માટે પરામર્શ કરવો પણ ઉચિત છે. આમ કરતી વખતે દરેક પરિસ્થિતિમાં એ ધ્યાન રાખવું જોઇએ કે વ્યક્તિત્વનું નિરાશાજનક ચિત્રણ કરવામાં આવે નહીં. કોઈને પણ સતત ખરાબ, અયોગ્ય, પાપી, દુર્ગુણી, દુષ્ટ, મૂર્ખ કહેવામાં આવતો રહેશે તો એનું અંત:મન ધીરે ધીરે એ કહેવાતી વાતોનું સત્ય સ્વીકારવા લાગશે. જો એમ માની લેવામાં આવે કે આપણે વસ્તુત: અયોગ્ય છીએ, ખરાબ છીએ તો પછી મનોભૂમિ એવી જ બની જશે કે જેમાં એ દોષ, દુર્ગુણ સ્વતઃ પેદા થાય. આવી સ્થિતિમાં હિમ્મત તૂટી જાય છે, નિરાશા ઘેરી વળે છે અને કોઈ કામ કરતાં કરતાં મન અંદરથી જ ફડફડાતું રહે છે કે ક્યાંક કામ બગડી જાય નહીં અને મૂર્ખ બનવું પડે નહીં. આ ફફડાટથી હાથ પગ ઢીલા પડી જાય છે અને કામ પણ બગડવા લાગે છે. કહે છે કે એક વખત કેટલાક ચાલાક છોકરાઓએ રજા મેળવવા ષડયંત્ર રચ્યું કે શિક્ષકને બીમાર પાડી દઈ રજા પાડી મસ્તી કરવામાં આવે. એમાંના એકે શિક્ષક પાસે જઇને ગંભીરતાથી કહ્યું, “ગુરુજી તમે બીમાર લાગો છો.” શિક્ષકે એની વાત પર ધ્યાન ન આપ્યું. થોડી વાર પછી બીજા છોકરાએ પાસે જઈને ચિંતા વ્યક્ત કરી, “આજે તો તમારો ચહેરો બહુ ઉદાસ છે, આંખો લાલ થઇ ગઇ છે, અને બીમારીનાં લક્ષણો દેખાય છે.” આ રીતે એક પછી એક કેટલાક છોકરાઓ શિક્ષક પાસે આવ્યા અને એમણે પણ એ જ વાત કહી. બિચારા શિક્ષકના મન ઉપર એની છાપ પડી અને એ સાચોસાચ પોતાને બિમાર અનુભવવા લાગ્યા. અને સ્કુલમાં રજા પાડીને ઘેર જતા રહ્યા. છોકરાઓએ પોતાની ચાલાકીથી મનોરથ પૂરો કર્યો.
જર્મનીના એક વૈજ્ઞાનિકે બીજાની વાતનો મનુષ્યના મન પર કેટલી હદે ખરાબ પ્રભાવ પડી શકે છે એનું પરીક્ષણ કરવા માટે એક મૃત્યુદંડ પામેલો કેદી મેળવ્યો અને એને વિશ્વાસની શક્તિ દ્વારા મારી નાખવાનો પ્રયોગ કર્યો. કેદીને એક મેજ પર સુવડાવી દેવામાં આવ્યો. આંખો પર પટ્ટી બાંધી દેવામાં આવી, ગળાની પાસે એક નાની પીન ખોસી દેવામાં આવી. પાણીની એક હલકી ધારા ગળાને સ્પર્શતી વહેતી રહે એવી નળી લગાવી દેવામાં આવી. નીચે ટપકનારા પાણીને એકઠું કરવા માટે એક ડોલ રાખવામાં આવી. કેદીને કહેવામાં આવ્યું કે એના લોહીની એક આવશ્યક કાર્ય માટે જરૂરત છે એટલે મૃત્યુદંડની આ વ્યવસ્થા કરવામાં આવી છે કે જેથી કષ્ટ પણ ઓછું પડે. બધું લોહી નીકળી જવાથી મૃત્યુ પણ થઈ જાય અને આવશ્યક કાર્ય માટે રક્ત પણ પ્રાપ્ત થઈ જાય. એટલે એ ચૂપચાપ સૂઇ રહે. થોડી જ વારમાં એનું શાંતિપૂર્વક મૃત્યુ જઇ જશે.
કેદીએ વૈજ્ઞાનિકની વાત પર વિશ્વાસ કરી લીધો ગળાની પાસે નળી દ્વારા વહેતું અને નીચે બાલદીમાં ટપકતા પાણીને એ પોતાનું લોહી સમજવા લાગ્યો. ડોકટરો વારે વારે એની નાડી જોના અને ખોટું-ખોટું હેતા કે એનું લોહી નીકળી રહ્યું છે, હવે આટલું બાકી રહ્યું છે, આટલી વારમાં મૃત્યુ જઈ જશે. કેદી ડોક્ટરોનાં કથન પર વિશ્વાસ કરતો ગયો, અંતે ઠીક સમયે એનું મૃત્યુ થઇ ગયું. ત્યારે વૈજ્ઞાનિકો એવા નિષ્કર્ષ પર આવ્યા કે વિશ્વાસના આધારે કોઈ વ્યક્તિને એટલો પ્રભાવિત કરી શકાય છે કે એનું મૃત્યુ પણ થઈ જાય.
‘પંચતંત્ર’ માં એક કથા આવે છે કે એક વ્યક્તિ પોતાના ખભા પર બકરી નાખીને ક્યાંક જતો હતો. ઠગોએ એને ભડકાવીને બકરી પ્રાપ્ત કરવાનું ષડયંત્ર બનાવ્યું. રસ્તામાં બધા ઠગ દૂરદૂર ફેલાઈ ગયા. એક ઠગ રસ્તામાં એ વ્યક્તિને મળ્યો. એણે કહ્યું, ‘ખભા પર કુતરું મૂકીને ક્યાં લઇ જાઓ છો ?’ પથિકે ઉત્તર આપ્યો, ‘આ તો બકરી છે. ઠગે કહ્યું, “કોઈ જાદુગરે તને ભ્રમિત કરીને બકરીને બદલે કુતરું આપી દીધું હોય એમ લાગે છે. જે તને સંદેહ હોય તો આગળ રસ્તામાં મળનારા યાત્રીઓને પૂછજે.” પથિકના મનમાં સંદેહ ઉત્પન્ન થયો. એણે થોડે દૂર મળેલા યાત્રીને પૂછ્યું, ‘મારા ખભા પર શું છે ? એ યાત્રાવેલી ઠગે પૂર્વનિમિત ષડયંત્ર અનુસાર ઉત્તર આપ્યો, ‘કુતરો’. હવે એની શંકા વધી અને વિચારવા લાગ્યો કે ખરેખર મને જાદુથી ભ્રમિત કરી બકરીને બદલે કુતરો આપી દીધો છે. આગળ થોડા થોડા અંતરે બીજા બે ઠગ મળ્યા. એમને પૂછ્યું તો એમણે પણ બકરીને કુતરો જ કહ્યો. અંતે પથિકને વિશ્વાસ બેસી ગયો કે આ બકરી નથી કુતરો છે. છેવટે એ એને રસ્તામાં જ છોડીને ચાલી નીકળ્યો. ઠગોએ એ બકરી મેળવી લીધી અને પોતાની મનોવૈજ્ઞાનિક ચતુરાઇનો લાભ ઉઠાવ્યો.
ઘેટાંઓના ટોળામાં ઉછરેલા સિંહબાળની કથા પ્રસિદ્ધ છે જે પોતાને ઘેટું જ સમજતો હતો અને ઘાસ ખાતો હતો. બીજા સિંહ દ્વારા ઉદ્બોધન કરવાથી એને આત્મજ્ઞાન થયું હતું ત્યારે એ ફરીથી પોતાને સિંહ સમજતો થયો અને એવું જ આચરણ કરવા સમર્થ થયો હતો. આપણે સૌ આ રીતે ઘેટાં બનેલા છીએ. જેવા આપણે આપણને સમજયા છે, બીજાઓએ જે કંઈ આપણને આપણું સ્વરૂપ સમજાવ્યું છે, એવા જ તો આપણે બન્યા છીએ અને ધડાયા છીએ. કરોડો અછૂત પોનાનાથી ઉચ્ચ વર્ણનાને અડવા અને સાથે બેસવામાં સંકોચ કરે છે. લોકો દ્વારા અછૂત કહેવાવાથી તેઓ ખરેખર પોતાને એવા જ સમજવા લાગે છે. ભૂતનો ભય આવી જ ભ્રાંતિઓ પર નિર્ભર છે. બીજા પાસેથી ભૂતોની કથાઓ સાંભળતા સાંભળતા લોકો એ વાત પર વિશ્વાસ કરવા લાગે છે. નાની-મોટી બિમારીને ભૂતનું કરતૂત માની લે છે અને પછી ડાહ્યા લોકો ભૂત બાધાની પુષ્ટિ કરે છે તો એ વાત છેક ઊંડે સુધી મનમાં બેસી જાય છે. પછી એ ભૂત પ્રાણ લઈને જ છોડે છે. વિશ્વાસની શક્તિ અપાર છે. બીજાઓના કહેવાનો મનુષ્ય પર એ પ્રભાવ પડે છે કે એ ખરેખર પોતાને એવો જ માનવા લાગે છે. સુના મકાનમાં ઉદરની ખટપટ અને સુમસામ રાતમાં ઝાડીની છાયામાં ભૂત નાચતાં દેખાય છે. એનાથી ડરીને કેટલાક તો બીમાર થતા અને મરતા પણ જોવામાં આવ્યા છે. ડર સ્વંય એક તથ્ય છે જે વિષથી ઉતરતું નહીં પણ વધુ ઘાતક સિદ્ધ થાય છે.
વ્યક્તિ પોતાના વિશે જેવી નિંદા, પ્રશંસાની, નાના-મોટા હોવાની, નર કે નારી હોવાની વાત સાંભળતો રહે છે, તો એ જાણતી નથી કે એ છોકરો છે કે છોકરી, પરંતુ જ્યારે ઘરનાં છોકરા છોકરીઓ વચ્ચે ભિન્ન પ્રકારનાં વસ્ત્રો, વ્યવહાર તેમજ ભાષામાં વાત કરે છે ત્યારે તેઓ પોતાની ભિન્નતા પર વિશ્વાસ કરી લે છે. જે એમની સાથે એવો ભેદ કરવામાં આવે નહીં અને એમને અંતર સમજવાનો અવસર ન મળે તો એ બધી રીતે સમતાનું આચરણ કરવા લાગશે. અતિપ્રેમ અને અતિપ્રશંસાથી બાળક જેમ હઠીલા અને અહંકારી બને છે તેમ તે વારંવાર નિંદા તેમજ તિરસ્કારથી પોતાની દીનતા અને તુચ્છતાનો પણ અનુભવ કરવા લાગે છે. જે બાળકોને આરંભના જીવનમાં જ વારંવાર બેવકૂફ, નાલાયક, બદમાશ વગેરે કહેવામાં આવે છે એમનું વ્યક્તિત્વ જીવનમાં પ્રભાવશાળી બની શકે નહીં. જે બાળકોને બાળપણમાં સ્નેહ અને સન્માન મળતું નથી તેઓ મોટાં થાય ત્યારે હલકી પ્રવૃતિઓથી ઘેરાયેલાં હોય છે. બાળકો માટે જેમ સારા લાલનપાલનની, સારા આહાર વિહારની આવશ્યકતા રહે છે તો એ પણ ખુબ જ આવશ્યક છે કે એમને સ્નેહ અને સન્માનની માત્રા પ્રાપ્ત થતી રહે. વ્યક્તિનો વિકાસ અને સૌંદર્ય, પ્રોત્સાહન અને પ્રશંસાના આધારે થાય છે. અન્ન અને જળ જે રીતે શારીરિક વિકાસ માટે આવશ્યક છે એ જ રીતે માનસિક વિકાસ માટે પ્રશંસા અને પ્રોત્સાહનની ઉપયોગિતા માનવામાં આવી છે.
બાળક હોય કે મોટા એ આવશ્યકતા બધા માટે સમાન રીતે હોય છે. એવા મનસ્વી તો કોઇ કોઇ જોવામાં આવે છે કે જે બીજાની પ્રશંસા પર ધ્યાન ન આપીને પ્રબળ આત્મવિશ્વાસના આધારે પોતાનો ઉત્કર્ષ સ્વયં કરે છે અને વિભિન્ન પરિસ્થિતિમાં પણ સાહસ ટકાવી રાખે છે. સાધારણ રીતે તો એ પરંપરા ચાલે છે કે પ્રેરણા અને પ્રશંસાથી પ્રોત્સાહિત થઇને લોકો પોતાના મનને વધારે ઘટાડે છે.
આપણે આપણા બધાં સ્વજન સંબંધીઓની પરિચિત, અપરિચિતોની સત્પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતા રહેવું જોઇએ. શોધવાથી દરેક વ્યક્તિમાં કેટલાક ગુણ મળે છે, આ ધરતી પર કોઇ સારપરહિત વ્યક્તિ પેદા થઈ નથી. જેનામાં જે સદ્ગુણ દેખાય એની ચર્ચા એ વ્યક્તિની સામે કરવામાં આવે તો એ ગુણો વિકસાવતો એક દિવસ ખૂબ ઉન્નતિશીલ બની શકે છે. તો ચોક્કસ આ પ્રશંસાનો પ્રભાવ એના પર પડયા વિના રહે નહીં. પ્રશંસક બનીને આપણે દરેક વ્યક્તિના મિત્ર બની શકીએ છીએ. એને સમજાવવામાં અને સુધારવામાં પણ સફળ થઈ શકીએ છીએ. પણ જો નિંદા અને કુટિલતા કરવાનું જ આપણે શીખ્યા હોઈએ તો સૌ કોઈ આપણા શત્રુ બની જશે અને આપણી ઓલાદ માટે પણ ખરાબ ભાવ માનીને એનાથી ઉલટું આચરણ કરશે.
સુધારની દૃષ્ટિએ ક્યારેક મધુર શબ્દોમાં દોષોને ખૂબ જ આત્મીયતાથી એકાજામાં બતાવી દઇને પણ એને સુધારવાની વાત કહી શકાય છે, પરંતુ આ બધું ખૂબ સાવધાનીથી, આત્મીયતા અને સૌજન્યના વાતાવરણમાં કહેવાવું જોઇએ અને સમજાવ્યા પછી અંતમાં ફરી એક વાર પોતાની સદ્ભાવના અને આત્મીયતાનો ખુલાસો કરી દેવો જોઇએ. કોઇ વ્યક્તિ એમ માની લે કે અમુક વ્યક્તિ એને ધૃણા કરે છે તો પછી એ એની તરફ શત્રુના જેવી ખરાબ ભાવના રાખવા લાગે છે. પછી એની સલાહને પણ એ બે કોડીનું મહત્વ આપે છે. એટલે સુધારાત્મક, આલોચનાત્મક ચર્ચા બહુ સાવધાનીથી માપી-તોળી અને સ્નેહ-શિષ્ટાચાર મિશ્રિત મધુર શબ્દોમાં જ કરવી જોઇએ, જોકે એવા અવસર કદી-કદી જ આવવા દેવા જોઇએ.
મોટે ભાગે તો આપણે પ્રશંસકની જ ભૂમિકા પ્રસ્તુત કરતા કહેવું જોઇએ જેથી એના સદ્ગુણ વધે. સાહસ અને આત્મવિશ્વાસ વધારીને જ કોઇને શ્રેષ્ઠતાના કઠિન માર્ગ પર ચલાવવાનું સંભવ બને છે, દમન અને દંડથી, નિંદા અને તિરસ્કારથી કોઇ દુર્ગુણ દબાઇ તો જાય છે પણ અવસર મળેથી એ પ્રતિહિંસા સાથે વધુ ભયંકર રૂપમાં પ્રગટ થાય છે. દોષોનું ઉન્મૂલન તો ગુણોની વૃદ્ધિથી જ સંભવ છે. ગુણો વધારવામાં પ્રોત્સાહન અને પ્રશંસાનો માર્ગ સર્વશ્રેષ્ઠ છે. સ્વચ્છ વાયુ ફેફસામાં ભરાવાથી જુના ગંદા વાયુને બહાર નીકળવું જ પડે છે. સદ્ભાવનાઓ વધવાથી ખરાબ ભાવ ધટે જ છે, સુધારાનો આ માર્ગ વધુ પ્રમાણિક અને સુનિશ્ચિત સિદ્ધ થાય છે.
શત્રુઓની સંખ્યા ઘટાડવાનો અને મિત્રોની સંખ્યા વધારવાનો સૌથી સરળ અને સૌથી પ્રભાવશાળી રસ્તો એ છે કે આપણે બીજાના ગુણો જોઇએ. સારપની ચર્ચા કરીએ અને પોતાની પ્રસન્નતા તેમજ ભવિષ્યમાં વધુ પ્રગતિની આશા વ્યક્ત કરીએ. આ સ્વભાવ કેળવી લેવાથી આપણે બીજાઓને સારપના માર્ગે ખૂબ આગળ વધારી શકીએ છીએ, ખૂબ સુધારી શકીએ છીએ અને એમના મનોબળમાં ભારે વૃદ્ધિ કરી શકીએ છીએ. કોડીનું પણ ખર્ચ કર્યા વિના બીજા પર ભારે ઉપકાર કરી શક્યાનો આ ગુણ જો આપણામાં વિકસિત થઇ જાય તો પરમાર્થનું બધુ પુણ્ય પ્રાપ્ત થાય, સાથે જ આપણા મિત્રોની સંખ્યા ખૂબ થવાથી ઉન્નતિ, પ્રગતિ, સહયોગ અને સન્માનનો માર્ગ પ્રશસ્ત બને આપણા સ્વભાવ, દૃષ્ટિકોણ અને સંભાષણમાં આપણે આટલો સુધારો તો કરવો જોઇએ. જીવનવિધાના આ અતિ મહત્વપૂર્ણ તથ્યને આપણે હૃદયંગમ કરી લેવું જોઈએ.
કથા છે કે વિશ્વામિત્રે વશિષ્ઠના પુત્રોને મારી નાખ્યા અને સંતાઈને એ સાંભળવા લાગ્યા કે જોઇએ વશિષ્ટ મારા વિશે શું કહે છે. વશિષ્ઠજી પોતાની ધર્મપત્નીના શોકને શાંત કરતા એ જ સમજાવતા હતા કે “વિશ્વામિત્ર મોટા તપસ્વી છે. આ દુષ્કર્મ તો એ કોઇ આવેશમાં કરી બેઠા છે. આપણે એમની સાથે વેર લેવું જોઇએ નહીં. એમની શ્રેષ્ઠતા ક્યારેક ને ક્યારેક નિખરશે અને એનાથી સંસારનું ખૂબ હિત સધાશે. રાજત્યાગ કરીને તપસ્યામાં પ્રવૃત્ત થનારા વિશ્વામિત્ર સ્વભાવતઃ દુષ્ટ હોઇ શકે નહીં. આ દુષ્કર્મ તો એમણે ભૂલથી જ કર્યું હશે”. કુટિર પાછળ સંતાયેલા વિશ્વામિત્રે વશિષ્ઠના મોંએ પોતાની પ્રશંસા સાભળીને પાણી-પાણી થઇ ગયા અને વશિષ્ઠનાં ચરણોમાં પડીને પોતાની ભૂલ પર હિબકા ભરી ભરીને રડવા લાવ્યા. સુધારનો આ જ સૌથી પ્રભાવશાળી ઈલાજ છે.
પોતાના ઘરનાં સ્ત્રી, બાળકોમાં, ભાઈ-ભત્રીજાઓમાં પણ જે સદ્ગુણ આપણને દેખાય એની મુક્તકંઠે પ્રશંસા કરવી જોઈએ. પ્રોત્સાહન અને પ્રશંસા કરવામાં જેની જીભ રોકાય છે એ સૌથી નીચલી કોટીનો કંજુસ છે. ખિસ્સામાંથી પૈસા ખર્ચી શકતા નથી, સમય આપીને સેવા કરી શકતા નથી, તો જીભ હલાવીને સારી, ઉત્સાહ ભરી, ચિત્તને સાત્વના અને સાહસ પ્રદાન કરનારી વાતો તો કહી જ શકો છો. આપણું આ જ વલણ હોવું જોઇએ. ગુણ જુઓ, ગુણોની ચર્ચા કરો, ગુણવાનોને પ્રોત્સાહિત કરો નો આપણો આ સ્વભાવ બીજાઓને માટે જ નહીં આપણા માટે પણ પરમ મંગલમય સિદ્ધ થઈ શકે છે.
પ્રતિભાવો