૯૨. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ – ૩/૪૫/૩ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 7, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ – ૩/૪૫/૩ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
ગમ્ભીરાં ઉદધીરિવ ક્રતું પુષ્યસિ ગા ઈવ । પ્ર સુગોપા યવસં ધેનવો યથા હૃદયં કુલ્યા ઈવાશત ।। (ઋગ્વેદ – ૩/૪૫/૩)
ભાવાર્થ : સુખ તેમને જ મળે છે, જેઓ સમુદ્ર સમાન અચળ અને ગંભીર બુદ્ધિવાળા હોય છે, જેમનામાં પૃથ્વી સમાન ક્ષમા અને પાલનનું સામર્થ્ય હોય છે. જેઓ ગાય સમાન દાની અને નદી જેવા નિરંતર ક્રિયાશીલ હોય છે.
સંદેશ : શાસ્ત્રોએ મનુષ્યને નરમાંથી નારાયણ બનવાનો આદેશ આપ્યો છે. આ માર્ગ અપનાવવાથી સંસારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવી શકે છે, પરંતુ આજકાલ તો માણસ પોતે માણસ પણ નથી રહ્યો. મનુષ્યની માનવતા મૃતપ્રાય થઈ ગઈ છે. ચારે બાજુએ હત્યા, મારપીટ, ચોરી, બળાત્કાર, દુરાચાર વગેરે જ દેખાઈ રહ્યાં છે અને મનુષ્યમાં ક્રોધ, ક્ષોભ અને નિરાશા વધતાં જાય છે.
પરંતુ મનુષ્ય એટલો અસહાય નથી. તેનામાં એટલી બધી શક્તિ છે કે તે દેવતા બની શકે છે. આજની આ પરિસ્થિતિઓમાં તેને સફળતા મળવામાં કેટલીય મુશ્કેલીઓ પડી રહી છે, પરંતુ એનાથી તેના ધ્યેયમાં, દૃઢ નિશ્ચયમાં કોઈ ઓટ આવી નથી. સાધન, સગવડ અને પરિસ્થિતિઓના બદલે મનુષ્યની ઇચ્છાશક્તિનું મહત્ત્વ વધારે છે. તે ઇચ્છે તો આ બધાનું નિર્માણ કરી શકે છે અથવા તો નિર્મિત વસ્તુઓનો વિનાશ કરી શકે છે. નારાયણ કાંઈ બહારથી નથી આવવાના. તે તો પ્રત્યેક મનુષ્યના અંતઃકરણમાં રહેલા છે, પરંતુ આપણે તે તરફ ધ્યાન નથી આપતા, તેમની વાત જ નથી સાંભળતા. એના કારણે જ આપણે પોતાની જાતને અસહાય અનુભવીએ છીએ, હતાશ થઈએ છીએ, દુઃખી થઈએ છીએ. પરમાત્માએ મનુષ્યને અમર્યાદિત શક્તિ આપી છે. સંસારમાં એના માટે કશુંય અશક્ય નથી. જરૂરી એ છે કે તે પોતાની અંદરના દૈવી ગુણોને ધારણ કરે, ધીર, ગંભીર તથા અવિચલ ભાવથી દાન અને પરમાર્થનાં કાર્યો કરે. ઈશ્વર અને પ્રકૃતિ જેવી રીતે બધાનું પાલન કરતાં રહે છે એ જ પ્રમાણે તે પણ ક્રિયાશીલ રહે.
આપણા હૃદયમાં દેવત્વની સ્થાપના કરવા માટે મન, બુદ્ધિ અને અહંકારને લાયક અભ્યાસની જરૂર છે. ઘોડાઓને લગામ જોઈએ. લગામ સારથિના હાથમાં હોય છે અને સારથિ મહારથીના આદેશોનું શબ્દશઃ પાલન કરે છે. માનવજીવનમાં મનનું સ્થાન સારથિનું છે. તેથી જ કહેવાય છે કે સમસ્ત સુખદુઃખો અને ક્લ્પનાઓનું સ્થાન મનમાં છે. તે જ મનુષ્યને ઉગારે છે અને તે જ મારે છે.
આવા સ્વેચ્છાચારી મનને થોડોક અભ્યાસ કરાવવો જરૂરી છે. જો તેને સારી બાબતોનો સ્વાદ લાગ્યો હોય, તો તે ખરાબ બાબતો તરફ નહિ જાય. જો તેમાં સારા વિચારો ભર્યા હશે તો ખરાબ વિચારોને સ્થાન નહિ મળે. સદ્ગુણો અને સત્પ્રવૃત્તિઓની વૃદ્ધિ થશે.
આથી જ માનવી અને સમાજમાં દેવત્વની ભાવનાનો વિકાસ કરવા માટે જીવનમૂલ્યોને અપનાવવાં જરૂરી છે. જીવનમૂલ્યો એટલે પરમેશ્વર સુધી પહોંચવાની નિસરણી. માનવતાની કસોટી, સજ્જનતાનાં મૂળ તત્ત્વો તથા માનવની ઉન્નતિનો આધાર. માનવતા અને પશુતા વચ્ચેની સીમારેખાને જ જીવનમૂલ્ય કહે છે. એનું આચરણ મહામાનવોના માર્ગે ચાલવા સમાન છે. શ્રદ્ધા, યજ્ઞ, તપ, દયા, દાન, અહિંસા, ક્ષમા, ત્યાગ, મૃદુતા, ઉદારતા, તેજસ્વિતા વગેરે અનેક સદ્ગુણોને જીવનમાં ધારણ કરવાથી જ સર્વત્ર સુખશાંતિ શક્ય બને છે.
દેવતાઓના ચારિત્ર્યમાંથી આ અમૂલ્ય આદર્શોને અપનાવવાનો પ્રયાસ કરો.
પ્રતિભાવો