૧૦૧. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧/૨૨/૧૯ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 7, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧/૨૨/૧૯ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
વિષ્ણોઃ કર્માણિ પશ્યત યતો વ્રતાનિ પસ્પશે । ઇન્દ્રસ્ય યુજ્યઃ સખા | (ઋગ્વેદ ૧/૨૨/૧૯)
ભાવાર્થ : કોઈ પણ ધાર્મિક ગ્રંથ અથવા વેદમંત્રોને પોપટની જેમ ગોખી નાખવાથી કોઈ જ લાભ થઈ શકતો નથી. આપણે તે નિયમોને આપણા જીવનમાં ધારણ કરવા જોઈએ.
સંદેશ : ધર્મરાજા યુધિષ્ઠિરના વિદ્યાર્થીજીવનની વાત છે. એકવાર આચાર્યે બધા વિદ્યાર્થીઓને એક મંત્ર શિખવાડ્યો – ‘સત્યં વદ, ધર્મ ચર, સ્વાધ્યાયાન્મા પ્રમદઃ’ અને તેને યાદ કરી લાવવાનું કહ્યું. બીજા દિવસે બધા વિદ્યાર્થીઓએ મંત્ર સંભળાવી દીધો, પરંતુ યુધિષ્ઠિરે કહ્યું કે હજી તેમને મંત્ર યાદ થયો નથી. આ પ્રમાણે ચાર પાંચ દિવસ નીકળી ગયા ત્યારે એક દિવસ તેમણે કહ્યું કે હવે મને મંત્ર યાદ રહી ગયો છે. બધાને ખૂબ જ આશ્ચર્ય થયું કે આ નાના મંત્રને યાદ કરવામાં આટલા બધા દિવસો લાગી ગયા ! પૂછવાથી તેમણે બતાવ્યું કે ઘણા જ પ્રયત્નો ક૨વા છતાં પણ તેઓ જૂઠું બોલી જતા હતા, પરંતુ છેલ્લા એક દિવસથી તેઓ એકવાર પણ જૂઠું બોલ્યા નથી. આ પ્રમાણે મંત્રને આત્મસાત્ કરીને પૂરી રીતે યાદ કર્યો છે.
આ જ ભારતીય સંસ્કૃતિનો સાર છે. કોઈ પણ મંત્ર, ગ્રંથ અથવા પાઠને ફક્ત ગોખી લેવાથી જ કામ ચાલી શકતું નથી. તે અંતઃકરણમાં ઊતરી જવો જોઈએ, વ્યવહારમાં આવવો જોઈએ. જ્ઞાન અને કર્મનો યોગ્ય સમન્વય થવો જોઈએ. મંગળમય શ્રેયસ્કર કર્મોમાં જે પ્રગટ થાય તે જ સાચું જ્ઞાન છે. અહંકાર, દંભ, વાક્પટુતા, લોકૈષણા વગેરે પેદા કરનારું જ્ઞાન વાસ્તવિક જ્ઞાન હોતું નથી. જે શાંતિ અને સંતોષ આપે, આત્માની ઉન્નતિ કરાવે તે જ સાચું જ્ઞાન છે. પોતાના અજ્ઞાનનો અનુભવ કરાવી દે, નમ્ર બનાવી દે, તન્મય કરી દે તે જ અસલી શાન છે.જે જીવનમાં ઊતર્યું ન હોય, જીવનને ઢાળી ન શકે, જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં પ્રગટ થઈને સુંદર, શ્રેષ્ઠ અને સાત્ત્વિક ન બનાવે તેને જ્ઞાન કેવી રીતે કહી શકાય ?
દુર્ભાગ્યે આજે સર્વત્ર તેનાથી વિપરીત સ્થિતિ છે. જે પણ નીતિ તત્ત્વો આપણા પઠનપાઠનમાં આવે છે તેને ફક્ત શોભાની વસ્તુ માનવામાં આવે છે. શ્રેષ્ઠ તત્ત્વોનો ઉપહાસ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સત્ય, અહિંસા વગેરે વાતો તો વ્યાખ્યાન, પ્રવચન વગેરે કરવા પૂરતી જ છે, વ્યાવહારિક જીવનમાં તો અસત્ય અને હિંસાનું આચરણ કરનારા જ સફળ થાય છે. આ અસત્ જ્ઞાન જ માનવનાં બધાં દુઃખોનું મૂળ કારણ છે. માણસ વાતો તો મોટી મોટી કરે છે, પરંતુ આચરણની કનિષ્ઠતા તેના માર્ગમાં કાંટા વાવતી રહે છે. સત્યના નિયમોની અવહેલના કરીને તે દરેક રીતે દુરાચારમાં લિપ્ત રહે છે. તે ભૂલી જાય છે કે આ પ્રકારનો ઢોંગ કરીને પોતે પોતાની જાતને જ છેતરે છે.
જીવનમાં જ્યાં સુધી જ્ઞાનયોગ અને કર્મયોગનો સમન્વય નહિ થાય ત્યાં સુધી ન તો આપણને આપણા વ્યક્તિગત જીવનમાં સફળતા મળશે કે ન સામાજિક જીવનમાં સુખશાંતિ સ્થપાશે. આપણે નાનાંમોટાં જે કોઈ તત્ત્વો વાંચ્યાં અને સમજ્યા છીએ, તેમને આપણા આચરણમાં લાવવાનો પ્રયાસ કરવો જોઈએ. શરૂઆત નાની નાની સરળ વાતોથી કરીએ તો આગળ જતાં મોટાં મોટાં વ્રત અને સંકલ્પોને પણ સહેલાઈથી પૂરાં કરી શકાશે. વેદ, પુરાણ વગેરે અનેક ગ્રંથોનું અધ્યયન કરવાથી જે સજ્ઞાન પ્રાપ્ત થાય તે આપણા અંતઃકરણમાં પ્રવેશીને આપણા આચરણનો એક ભાગ બની જાય ત્યારે જ વિદ્યાધ્યયનની સાર્થકતા છે.
સજ્ઞાનથી આપણા આચરણને તેજસ્વી બનાવવું એ જ ચારિત્ર્યનિર્માણ છે.
પ્રતિભાવો