૭૯. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ – ૧/૧૪૭/૩ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 7, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ – ૧/૧૪૭/૩ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
યે પાયવો મામતેયં તે અગ્ન પશ્યંતો અન્ધં દૂરિતાદરક્ષન્ । ૨૨ક્ષ તાન્ત્સુકૃતો વિશ્વવેદા દિપ્સન્ત ઇદ્રિપવો નાહ દેભુઃ || (ઋગ્વેદ – ૧/૧૪૭/૩)
ભાવાર્થ : પરોપકાર અને પરમાર્થનાં કાર્યોમાં નિંદા, લાંછન, ઉપહાસ વગેરેનો ભય રાખવો ન જોઈએ. આવા માણસોનું રક્ષણ સ્વયં પરમાત્મા કરે છે. તેથી નિશ્ચિત થઈ લોકકલ્યાણનાં કાર્યોમાં લાગેલા રહેવું જોઈએ.
સંદેશ : પરોપકારનો અર્થ છે બીજાઓની ભલાઈ. મનુષ્યનો ધર્મ છે કે તે બીજાનું ભલું કરે. મનુષ્યજીવનની સાર્થકતા તેમાં જ છે કે તે બીજાઓના કામમાં આવે. જે શક્તિ હોવા છતાં બીજાને મદદ નથી કરતો તે પશુ સમાન જ છે. પોતાના માટે તો બધા જ જીવે છે, પરંતુ બીજાઓ માટે તે કેટલું જીવ્યો એનાથી તેના જીવનની શ્રેષ્ઠતાનો ખ્યાલ આવે છે. પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે મનુષ્ય ઉદ્યમ કરતો રહે છે, પરંતુ બીજાઓ માટે કેટલા પ્રયત્ન કર્યા એનાથી જ તેની દિવ્યતા પ્રગટ થાય છે.
દરેક મનુષ્યને બીજા લોકોના સહયોગની જરૂર પડે છે. મોટામાં મોટો સમર્થ માણસ પણ બીજાના સહયોગની અપેક્ષા રાખે છે. પરમાર્થનાં કાર્યો દ્વારા મનુષ્યજીવનની શોભા અને મહિમા વધે છે. સાચો પરોપકારી મનુષ્ય હંમેશાં પ્રસન્નચિત્ત રહે છે અને આંતરિક આનંદનો અનુભવ કરે છે, દિવ્ય પ્રકાશનો અનુભવ કરે છે. માણસ જેટલો પરોપકારી બને છે એટલી જ ભગવાનની નિકટતા પ્રાપ્ત કરે છે. સત્પુરુષ તે છે કે જે કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર બીજાઓનું ભલું કરે છે.
પરોપકાર માટે સંકુચિત વિચારોને છોડવા પડે છે. પરોપકાર શું છે ? ધ્યાનથી જોઈએ તો તેની ત્રણ સ્થિતિઓ છે – સલાહ, કામ કરવામાં સહયોગ અને આર્થિક મદદ. પોતાની યોગ્યતા, ક્ષમતા અને અનુભવના આધારે લોકોને સન્માર્ગે ચાલવાની સલાહ આપવી જોઈએ. યોગ્ય સમયે હિતકારી સૂચન કરીએ તે જીવનમાં દીવાદાંડીનું કાર્ય કરે છે. એ જ પ્રમાણે જ્યાં જ્યારે મદદની જરૂર હોય ત્યાં બીજાઓને કામ પૂરું કરવામાં સહયોગ આપવો જોઈએ તથા આર્થિક મદદ કરવામાં પણ પાછી પાની ન કરવી જોઈએ.
પરમાર્થનાં કાર્યો કરવાં એ સહેલી વાત નથી. આ માર્ગમાં ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થાય છે, જે મનને વિચલિત કરી નાંખે છે. કેટલાંય પુણ્યકર્મોના પ્રભાવથી તો આપણા મનમાં પરોપકારની ભાવના જાગૃત થાય છે. આવા કાર્યમાં મિત્રો અને સાથીદારો આપણી મજાક કરે છે અને બિનજરૂરી ટીકા કરીને આપણને હતોત્સાહ કરે છે. આજકાલ તો લોકોએ પરોપકારને પણ ધંધો બનાવી દીધો છે અને પરમાર્થની આડમાં માલ કમાય છે. આવી સ્થિતિમાં એક સાચા પરોપકારી માટે પોતાની અસ્મિતાનું રક્ષણ કરવું પણ મુશ્કેલ થઈ જાય છે.અનેક પ્રકારનો વિરોધ તેણે સહન કરવો પડે છે, પરંતુ તેણે એ ધ્યાન રાખવું જોઈએ કે પરોપકારથી તેના અંતઃકરણમાં પવિત્રતાના સંસ્કારો સંચિત થાય છે, જે તેને શુભગતિ પ્રદાન કરે છે. શુભકાર્યો કરનારનો કદાપિ વિનાશ થતો નથી કે તેની દુર્ગતિ પણ થતી નથી. પરમેશ્વ૨ હ૨૫ળે દરેક રીતે તેનું રક્ષણ કરે છે.
કોઈ શું કહેશે એની ચિંતા કર્યા વગર કર્તવ્યનું પાલન કરતા રહેવું
પ્રતિભાવો