૭૭. વેદોનો દિવ્ય સંદેશ – (ઋગ્વેદ ૧/૪૧/૪) શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 7, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – (ઋગ્વેદ ૧/૪૧/૪) શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
સુગ:પન્થા અનુક્ષર આદિત્યાસ ઋતં યતે નાત્રાવખાદો અસ્તિ વ: ॥ (ઋગ્વેદ ૧/૪૧/૪)
સંદેશ ભાવાર્થ : સત્યનો માર્ગ કંટકરહિત, સરળ અને સુગમ હોય છે. તેથી સૌએ સત્યનું આચરણ કરવું જોઈએ.
સંદેશ : “સત્યં વદ, ધર્મ ચર, સ્વાધ્યાન્માપ્રમદઃ” આ ભારતીય સંસ્કૃતિનો સાર છે. તેમાં સત્યને ધર્મની પહેલાં સ્થાન આપવામાં આવ્યું છે. આપણે હંમેશાં સત્ય આચરણ જ કરવું જોઈએ. અંદરની અને બહારની એકતા જ સત્ય છે. તે મનુષ્યનો સર્વપ્રથમ ગુણ છે. આપણે અંદરથી જેવા છીએ તેવા જ બીજા લોકો સામે રજૂ થઈએ. જે મનમાં હોય તેને જ વાણીમાં રજૂ કરીએ અને તેવાં જ કર્મ કરીએ. ‘મનસા વાચા કર્મણા’ એકરૂપ રહીએ. આ સચ્ચાઈથી અંતરાત્માની નિર્મળતા જળવાઈ રહે છે અને ચિત્ત પ્રફુલ્લિત રહે છે. આ પ્રકારના શુદ્ધ અંતઃકરણમાં શાંતિ રહે છે અને તેમાંથી ઈશ્વરીય પ્રકાશનાં કિરણો નીકળે છે.
આપણે બીજા ઉપર વિશ્વાસ મૂકીએ તો જ પરસ્પર સદ્દ્ભાવનાથી રહી શકીએ છીએ. સમાજની સંપૂર્ણ વ્યવસ્થા એકબીજાના વિશ્વાસ પર ટકેલી છે. આ વિશ્વાસ જો નષ્ટ થઈ જાય તો કોઈએકબીજાનો ભરોસો ક૨શે નહિ અને સમાજવ્યવસ્થા સ્થિર રહેશે નહિ. પ્રેમ, મિત્રતા, સહયોગ, મદદ વગેરેનો આધાર સત્ય જ છે.
અસત્ય વ્યવહાર કરવો અને અસત્ય બોલવું, ખોટો વિશ્વાસ આપવો, આપણી માન્યતાથી વિપરીત કહેવું, સાચી પરિસ્થિતિને છુપાવી બીજા પ્રકારની રજૂઆત કરવી, પોતાના આશયને છુપાવવો, આ બધું અસત્ય ભાષણમાં જ આવે છે. ફક્ત જુઠ્ઠું બોલવું જ અસત્ય નથી. આપણે બીજાને ભ્રમમાં રાખીએ એ પણ અસત્ય જ ગણાય છે. આવા માણસને બીજા શબ્દોમાં કપટી અથવા ઠગ કહે છે. ભલે કોઈના પૈસા ન ઠગી લીધા હોય, પણ કોઈના વિશ્વાસને ઠગવો એ કંઈ ઓછું પાપ કે ગુનો નથી.
વિશ્વાસ ગુમાવી દેવો, સંદિગ્ધ અને અપ્રમાણિક રહેવું એ મનુષ્યનું અશોભનીય પતન છે. જેનો વિશ્વાસ થઈ શકે તેની જ પ્રતિષ્ઠા હોય છે. જે વિશ્વાસ ગુમાવી દે છે તેને સમાજમાં હલકા સ્તરનો માનવામાં આવે છે. અસત્ય બોલવાથી પરસ્પર સંદેહ, અવિશ્વાસ અને પ્રવંચનાની સ્થિતિ સર્જાય છે અને મનમાંથી પ્રેમ તથા મૈત્રીનો ઉલ્લાસ નષ્ટ થઈ જાય છે. શંકાનું ભૂત દરેક બાબતમાં દરેક માણસ પ્રત્યે શંકા અને અવિશ્વાસ કરવા માટે પ્રેરિત કરે છે. આવી સ્થિતિમાં શ્રદ્ધાની ભાવના કેવી રીતે ટકી શકે ? બધામાં ધૂર્તતા અને ઘૃણાની ગંધ આવશે. વચનપાલન અને વિશ્વાસ જ્યારે માનવીય આચારસંહિતાની બહાર જશે ત્યારે મનુષ્ય પોતાને એકાકી અનુભવશે અને તેનો જીવનનિર્વાહ મુશ્કેલ જ નહિ, પરંતુ અશક્ય બની જશે.
જુઠ્ઠું બોલનાર માણસ સદાય ભયભીત રહે છે. સાચી વાત છૂપી રહેતી નથી. તે આજે નહિ તો કાલે પ્રગટ થઈ જ જાય છે. જુઠ્ઠાણાનો પ્રભાવ થોડોક સમય જ રહે છે. એક જુઠ્ઠાણાને છુપાવવા માટે હજા૨વા૨ જુઠ્ઠું બોલવું પડે છે, છતાં પણ શંકા તો રહે છે જ. બીજી બાજુ સત્ય એક ખડકની જેમ કાયમ સ્થિર રહે છે અને મન ઉપર પણ કોઈ પ્રકારનો ભાર રહેતો નથી. સત્યની આભાથી મનુષ્યનું વ્યક્તિત્વ ચમકતું રહે છે. શ્રીસત્યનારાયણ કથાનું ફક્ત શ્રવણ જ ન કરીએ, પરંતુ તેને જીવનમાં પણ ઉતારવી જોઈએ.
પ્રતિભાવો