૧૦૩. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧/૪૧/૮ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 7, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧/૪૧/૮ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
મા વો ધ્વન્તં મા શપન્તં પ્રતિ વોચે દેવયન્તમ્ । સુસ્વૈરિદ્ધ આ વિવાસે | (ઋગ્વેદ ૧/૪૧/૮)
ભાવાર્થ : જે લોકો ધર્મનિષ્ઠ અને સદાચારી પુરુષોની મિત્રતા કરે છે, તેમનું રક્ષણ કરે છે અને સર્વ્યવહાર, ભોજન, વસ્ત્ર વગેરે દ્વારા તેમનું સન્માન કરે છે તેમને હંમેશાં સુખ પ્રાપ્ત થાય છે. દુષ્ટ દુર્જનોના પ્રભાવથી હંમેશાં દૂર રહેવું જોઈએ. જેઓ ધર્માત્માઓની મિત્રતા કરે છે તેઓ વિદ્વાન છે.
સંદેશ : પિતા-પુત્ર, માતા-પુત્ર અને પતિ-પત્નીના સંબંધ તો બીજાં જીવજંતુઓમાં પણ હોય છે, ભલેને તે અલ્પકાળ માટેનો જ કેમ ના હોય, પરંતુ ગુરુ-શિષ્યનો સંબંધ ફક્ત મનુષ્યોમાં જ હોય છે. પશુપક્ષી કોઈ બીજાને પોતાનું જ્ઞાન અને કૌશલ્ય નથી શિખવાડતાં. એકબીજાને શિખવાડવાની વિશેષતા ફક્ત માનવમાં જ છે. મનુષ્યમાં ઇચ્છા, બુદ્ધિ, ભાષા, પરોપકારની ભાવના, દીર્ઘદૃષ્ટિ બધું હોય છે. પોતાનો લાભ બીજાઓને આપવો અને બીજાનો લાભ પોતે લેવો એ તેની સહજ પ્રવૃત્તિ છે. પોતાના જ્ઞાન, અનુભવ, કલ્પના, ભાવના વગેરેનું મનુષ્ય સતત આદાનપ્રદાન કરતો રહે છે. આ વિશેષતાને કારણે જ ગુરુશિષ્યની પરંપરા વિકસિત થઈ છે.
બીજાં પ્રાણીઓ શારીરિક દૃષ્ટિથી મનુષ્યની સરખામણીમાં વધારે શક્તિશાળી છે, પરંતુ બુદ્ધિમાં તો મનુષ્ય જ સર્વશ્રેષ્ઠ છે. આ બુદ્ધિમત્તામાં જે જ્ઞાનનું ફળ લાગે છે તે જ અમૃત ફળ છે. સંસારમાં બધું નાશવંત છે, ક્ષણભંગુર છે. માનવ પણ મરણશીલ છે, પણ જ્ઞાનના કારણે તે અમર થઈ જાય છે. માનવજીવનમાં સહસંવેદનાનું ઘણું જ મહત્ત્વ છે. પ્રાપ્ત વસ્તુનો એકલાએ જ ઉપભોગ કરવો તે પશુપ્રવૃત્તિ છે. પોતાને મળેલી વસ્તુ બીજાઓને પણ વહેંચીએ, બધાને તેનો લાભ મળે, આ માનવપ્રવૃત્તિ જ તેને મનુષ્ય બનાવે છે.
ગુરુ ફક્ત પુસ્તકિયું જ્ઞાન જ નહિ, પરંતુ સંસ્કાર પણ આપે છે. ફક્ત વિદ્યાલયના શિક્ષકો અથવા કોઈ મઠ કે આશ્રમના અધિકારી જ ગુરુ નથી હોતા. અનેક ધર્મનિષ્ઠ, સદાચારી માણસો પાસેથી આપણે કંઈક ને કંઈક શીખતા રહીએ છીએ. કોઈવાર કેટલાક એવા માણસો સાથે પણ આપણો સંપર્ક થાય છે કે જેમનું આચરણ તથા વ્યક્તિત્વ પોતે જ એક પાઠ જેવું હોય. તેમનું જીવન આપણા જીવનને પ્રભાવિત કરે છે, તેમના વ્યક્તિત્વે આપણા વ્યક્તિત્વને આકાર આપ્યો હશે. વગર કહ્યુ, વગર બોલ્યે તેમને જોઈને તેમનું અનુકરણ કર્યું હશે અને ઘણુંબધું શીખ્યા હોઈશું.
આવા વિદ્વાન મહાપુરુષોની સેવા, સત્કાર અને સન્માન કરવું એ મનુષ્યનું પુનિત કર્તવ્ય છે. આવા માણસોની મિત્રતા સદૈવ સદ્ગુણોની વૃદ્ધિમાં સહાયક બને છે અને તેનાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.
પરંતુ આજે સ્થિતિ ઊલટી થઈ ગઈ છે. માત્ર શિક્ષક જ નહિ, સમાજમાં ચારેબાજુએ કુસંસ્કારી, દુર્બુદ્ધિવાળા અને દુર્ગુણી માણસો જ જોવા મળે છે. નાની વયમાં, વિદ્યાર્થી અવસ્થામાં જ બાળકોનાં મન પર ઘોર કુસંસ્કારોનો પ્રભાવ પડી રહ્યો છે. ફળસ્વરૂપે ચારે બાજુએ અનુશાસનહીનતા અને અરાજકતાનું જ સામ્રાજ્ય છે. જ્યાં જુઓ ત્યાં દુષ્ટ તથા દુરાચારી માણસો જ દેખાય છે. સદાચારી માણસો તો આંગળીના વેઢે ગણી શકાય એટલા જ હોય છે, છતાં પણ જો આપણે ઇચ્છીએ તો સારા માણસો પણ મળી જશે.
આપણે હંમેશાં દુષ્ટ, દુરાચારી માણસોથી દૂર રહેવું જોઈએ અને ધર્મનિષ્ઠ,સજ્જન તથા સદાચારી માણસો સાથે મિત્રતા રાખવી જોઈએ.
પ્રતિભાવો