૧૦૫. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧/૯૦/૩ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 7, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧/૯૦/૩ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
તે અસ્મભયં શર્મ યંસન્નમૃતા મર્ત્યેભ્યઃ । બાધમાના અપ દ્વિષઃ ॥ (ઋગ્વેદ ૧/૯૦/૩)
ભાવાર્થ : જેઓ વિદ્વાન હોય અને શ્રેષ્ઠ કર્મ કરતા હોય તેમનું જ શિક્ષણ ગ્રહણ કરે. ખોટા સ્વભાવના માણસોથી હંમેશાં દૂર જ રહેવું જોઈએ. એમાં જ મનુષ્યમાત્રનું કલ્યાણ છે.
સંદેશઃ આપણા દેશમાં સાધુ, સંતો અને વિદ્વાનો પ્રત્યે જનતાને ભારે શ્રદ્ધા છે. આ શ્રદ્ધાનું પ્રતિદાન આપવાની જવાબદારી પણ એ લોકો પર જ રહે છે. જૂના જમાનામાં આ વર્ગના લોકો પોતાના ઉચ્ચ ચરિત્ર, મહાન જ્ઞાન અને ઉદાત્ત સેવાભાવનાનો પૂરેપૂરો લાભ જનતાને આપતા હતા અને એટલા નિઃસ્પૃહ રહેતા હતા કે ભોજન તથા વસ્ત્રની ચિંતા પણ ભગવાનના ભરોસે છોડી દેતા હતા. આ વર્ગ પોતાનો થોડોક સમય ઈશ્વરની ઉપાસના, સ્વાધ્યાય, જ્ઞાનવર્ધન અને આત્મબળના શુદ્ધિકરણમાં ખર્ચતો હતો અને મોટા ભાગનો સમય જન-જીવનની ભૌતિક તથા આત્મિક પ્રગતિમાં મદદ કરતાં કરતાં વિતાવતો હતો. એ જ ઋષિધર્મ હતો. વિદ્વાન, સાધુ તથા સંત આ પવિત્ર કાર્યથી પોતાને બંધાયેલા માનતા હતા. ઉપાસના અને સ્વાધ્યાય દ્વારા વધારેલ આત્મબળ અને જ્ઞાનબળનો ઉપયોગ પોતાનો સ્વાર્થ સાધવા માટે કરતા નહોતા, પરંતુ તેના દ્વારા તેઓ લોકમંગળનું વધારેમાં વધારે મહત્ત્વપૂર્ણ કાર્ય કરતા હતા. સાધુ, સંતો અને વિદ્વાનોના રૂપમાં લોકસેવકોની એક વિશાળ સેના સમાજમાં તૈયાર રહેતી હતી. આવા ઉદાર મનવાળા ઘણા ઉપયોગી વર્ગ પ્રત્યે લોકોના મનમાં ભાવભર્યો આદર રહેતો હતો.
આજકાલ તો સ્થિતિ ઘણી જ વિષમ થઈ ગઈ છે. અજ્ઞાની જનતા જો પોતાનાં કર્તવ્યોને ભૂલી જાય તો માફ કરી શકાય, પરંતુ ભારતના આત્માના પ્રતીક રૂપ આ વિદ્વદ્ સમાજ જો પથભ્રષ્ટ થવા લાગે તો તેને દુર્ભાગ્યપૂર્ણ જ કહેવામાં આવશે. જનતા પાસેથી યેનકેન પ્રકારે ધનલાભ અને પૂજાસન્માન પ્રાપ્ત કરવા માટે ઋષિઓએ આ વર્ગની સ્થાપના નહોતી કરી. આજે મોટે ભાગે લોકો પોતાના જ્ઞાન અને વિદ્વત્તાને જનતા સુધી પહોંચાડવાના બદલે તેને લૂંટવામાં જ રચ્યાપચ્યા રહે છે. મફતનું ખાવાને પોતાનો જન્મસિદ્ધ હક માનવાની અ ંતા જામી ગઈ છે. મફતનું લેવું એને ચોરીથી પણ વધારે મોટું પાપ માનવામાં આવે છે.
એ આપણું સૌભાગ્ય છે કે આજે પણ સમાજમાં કેટલાક એવા વિદ્વાન માણસો મોજૂદ છે, જેમનામાં સેવાની ભાવના, બુદ્ધિ, ઉમંગ અને યોગ્યતા જીવંત છે. તેમના જ સત્પ્રયાસોથી પ્રાચીન ગૌરવ જળવાઈ રહેશે અને જનતાની શ્રદ્ધા પણ ટકી રહેશે. આ વિદ્વાનોની જીવનચર્યાનું લક્ષ્ય અને ઉદ્દેશ્ય એ જ છે કે તેઓ જનમાનસને ઊંચું ઉઠાવવા અને સમાજમાં સત્પ્રવૃત્તિઓ વધારવા માટે પોતાની બધી ક્ષમતા અને યોગ્યતા વાપરતા રહે. સામાજિક કુરિવાજો અને અનૈતિક દુષ્પ્રવૃત્તિઓથી જર્જરિત થયેલા આ દેશને શ્રેષ્ઠ વિચારધારાની ડગલે ને પગલે જરૂર છે. એના માટે શિક્ષણાત્મક, રચનાત્મક અને સંઘર્ષાત્મક અનેક પ્રયત્નો કરવા પડશે. તેમના આધારે માનવના કલ્યાણ માટેના નક્કર તથા હિતકારી પ્રયાસો થઈ શકશે.
આ કાર્ય ભાવનાશીલ વિદ્વાન લોકો જ કરી શકે છે. તેઓ સ્વયં શ્રેષ્ઠ કર્મો કરે, શ્રેષ્ઠ આચરણ રાખે અને સમાજમાં પ્રત્યેકને શ્રેષ્ઠ માર્ગે ચાલવાની તથા સદ્ગુણો અપનાવવાની પ્રે૨ણા આપે.
પ્રતિભાવો