૭૮. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧/૯૦/૭ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 7, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧/૯૦/૭ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
મધુ નક્તમુતોષસો મધુમત્પાર્થિવ ગુમ્ રજઃ । મધુ ઘૌરસ્તુ નઃ પિતા ॥ (ઋગ્વેદ ૧/૯૦/૭)
ભાવાર્થ : સંસારમાં એવાં કાર્યો કરવાં જોઈએ, જેથી દરેકને સુખ,શાંતિ અને પ્રસન્નતા મળે.
સંદેશ : મનુષ્યજીવનની સ્થિરતા અને પ્રગતિનો પાયો તેની કર્તવ્યપરાયણતા છે. જો આપણે આપણી જવાબદારીઓ પ્રત્યે ઉદાસીન રહીશું અને આપણાં કર્તવ્યોની ઉપેક્ષા કરીશું, તો માર્ગમાં એવો અવરોધ ઉત્પન્ન થઈ જશે કે પ્રગતિ અને સિદ્ધિઓની વાત તો દૂર રહી, પરંતુ મનુષ્યનું જીવવું પણ મુશ્કેલ બની જશે. ચોતરફ કંકાસ અને કલેશ જ જોવા મળશે. જીવનની દરેક સિદ્ધિનો આધાર કર્તવ્યપરાયણતા પર રહેલો છે. દરેક સિદ્ધિની સ્થિરતા અને સુરક્ષા કર્તવ્યનિષ્ઠા પર જ આધારિત છે. આપણને જે અતિ કીમતી શરીર મળ્યું છે તેને નીરોગી, હૃષ્ટપુષ્ટ અને દીર્ઘજીવી રાખવાની જવાબદારી આપણી જ છે કે જેથી આપણે સંસારમાં વધારેમાં વધારે લોકકલ્યાણનાં કાર્યો કરી શકીએ અને સર્વત્ર સુખ, શાંતિ અને પ્રસન્નતાનું વાતાવરણ બનાવી શકીએ. મનની સમર્થતા અને શ્રેષ્ઠતા માટે તેને ચિંતા, શોક, નિરાશા, ભય, ક્રોધ, આવેશ વગેરેથી બચાવવાનું કામ આપણું જ છે. એનાથી જ અંતઃકરણમાં ઉલ્લાસ, ઉત્સાહ, ધૈર્ય, સાહસ, સંતોષ, સંતુલન, સ્થિરતા, એકાગ્રતા, વિશ્વાસ જેવા સદ્ગુણોનો સમાવેશ થાય છે. જો મનને જંગલી ઘાસની જેમ મનફાવે તેમ સ્વચ્છંદ બનવા દીધું તો તે જાતે જ આપણું દુશ્મન બની જશે. મનને સાવધાન અને વ્યક્તિત્વને સુસંસ્કારી બનાવવાની જવાબદારી પ્રત્યેક માણસની છે.
કૌટુંબિક જીવનના લાભ અનુપમ છે, પરંતુ એ ત્યારે જ શક્ય બને છે કે જ્યારે કુટુંબનો દરેક માણસ પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવે. બધાની તંદુરસ્તી, સુવિધા, સંતોષ તથા વિકાસની દરેક જરૂરિયાતને પૂરા મનથી સાવચેતીથી અને ઈમાનદારીથી નિભાવતો રહે. બાળકોને સુસંસ્કારી અને સુવ્યવસ્થિત બનાવવા માટે તેમને પ્રેમ, હૂંફ અને સહયોગ આપતા રહેવાની જવાબદારી પણ આપણે જ પૂરી કરવી જોઈએ. કુટુંબનો આનંદ ફક્ત કર્તવ્યપરાયણ લોકો જ લઈ શકે છે.
સમાજનો દરેક નાગરિક પણ માનવીય જવાબદારીઓથી લદાયેલો છે. સભ્ય સમાજનો પ્રત્યેક નાગરિક પોતાની નૈતિક, સામાજિક અને રાષ્ટ્રિય જવાબદારી પ્રત્યે સજાગ અને સચેત રહે તો દેશની પ્રતિષ્ઠા વધે છે. સમાજમાં વિચાર, વાતાવરણ અને પર્યાવરણની શુદ્ધતા જાળવી રાખવી તે દરેક માણસનું કર્તવ્ય છે. સામૂહિક ઉત્કર્ષમાં જે જેટલો રસ લે છે અને લોકમંગળના કાર્યમાં જેટલો ત્યાગ બતાવે છે, તેટલો જ તે મહામાનવ ગણાય છે.
સમાજમાં ચારે બાજુ સુખશાંતિનું વાતાવરણ બને અને બધા પ્રગતિના માર્ગ પર સરળતાપૂર્વક ચાલી શકે એ માટે જરૂરી છે કે આપણે બધા પોતાનાં કર્તવ્યોને સારી રીતે સમજીએ, આત્માના અવાજને સાંભળીએ અને ૫૨માત્માએ નક્કી કરેલાં કર્તવ્યોનું પાલન કરી માનવજીવનને સાર્થક બનાવવાના પ્રયત્નો કરતા રહીએ.
પ્રતિભાવો