૯૧. વેદોનો દિવ્ય સંદેશ – ૠગ્વેદ ૧/૯૭/૩ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 7, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – ૠગ્વેદ ૧/૯૭/૩ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
પ્ર યદ્દભન્દિષ્ઠ એષાં પ્રાસ્માકાશ્ચસૂરયઃ । અપ ન: શોશુચદધમ્ ॥ (ૠગ્વેદ ૧/૯૭/૩)
ભાવાર્થ : મનુષ્ય પરમાત્માની ઉપાસના કરે, સન્માર્ગ પર ચાલે, પરંતુ એનું રૂપ ત્યારે જ છે જ્યારે બીજાઓને પણ ઈશ્વર આરાધના તથા સન્માર્ગ તરફ લઈ જાય.
સંદેશ: મનુષ્ય અન્ય જીવોની સરખામણીમાં જે ઉન્નતિ કરી છે તેનું મુખ્ય કારણ તેની સામાજિક સામૂહિક મનોવૃત્તિ જ છે. હળીમળીને કામ કરવાની અને એકબીજાને મદદ કરવાના સ્વભાવે જ શિક્ષણ, તંદુરસ્તી, સંસ્કૃતિ, વિજ્ઞાન, શિલ્પ વગેરે અનેક દિશાઓમાં મનુષ્યને આગળ વધાર્યો છે. લગ્ન, કુટુંબ, જાતિ, સંપ્રદાય, રાષ્ટ્ર વગેરે આ જ મનોવૃત્તિના આધારથી બને છે. મનુષ્ય જાણી લીધું છે કે તે એકબીજાથી જુદા રહીને નહીં પરંતુ હળીમળીને એકબીજાને સહયોગ આપીને જ આગળ વધી શકે છે, પોતાની મુશ્કેલીઓ અને ખામીઓને દૂર કરી શકે છે.
આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ આ જ વાત જરૂરી છે. આપણે પોતે તો પરમાત્માની ઉપાસના કરીએ, ધર્મ અનુસાર આચરણ કરીએ અને સન્માર્ગ પર ચાલીએ, પરંતુ સમાજમાં ચારે બાજુએ કુપ્રથાઓ, કુવિચારો અને કુસંસ્કારોનું પ્રદૂષણ ફેલાયેલ હોય તો શું જીવન શક્ય હોઈ શકે ? શું આવામાં આપણી ઉપાસના અને સાધના સાર્થક થઈ શકે ?
આપણી અંદર દૈવી સંપત્તિને વધારવા, સદાચાર અને સત્પ્રવૃત્તિઓને અપનાવવાની સાથે સાથે સમાજમાં પણ આસુરી દુષ્પ્રવૃત્તિઓના નિવારણનો પુરુષાર્થ આપણે કરવો જ પડશે. એના માટે ત્યાગ, સંયમ, સેવા, પ્રેમ, ઉપકાર વગેરે સદ્ગુણોને અપનાવવા જ પડે છે.
આસુરી તત્ત્વોની પ્રબળતા અને દૈવત્વમાં સૌમ્યતાને કારણે મોટા ભાગના માણસોમાં તથા સમાજમાં સામૂહિકતાની પ્રવૃત્તિ ઘટી જાય છે અને સ્વાર્થપરાયણતા વધી જાય છે. આ અસમતોલનને દૂર કરવાનો પ્રયાસ કરવો જ ઈશ્વરની સાચી આરાધના છે. દોષદુર્ગુણોનું પ્રલોભન મનુષ્યને પોતાની માયાજાળમાં ફસાવવા માટે પર્યાપ્ત હોય છે. તેનાથી જ તેમા સ્વાર્થભાવ તથા અહંકારની વૃદ્ધિ થાય છે. પુત્રૈષણા, વિતૈષણા અને લોકૈષણાની પ્રવૃત્તિઓ વધવા લાગે છે. તે ફક્ત પોતાના સ્વાર્થને જ જુએ છે અને તેને પૂરો કરવા માટે બીજાઓને નુકસાન પહોંચાડવામાં સંકોચ નથી કરતો. એ તો સર્વવિદિત છે કે સજ્જન વ્યક્તિ શાંત તથા સૌમ્ય સ્વભાવના હોય છે તથા દુરાચારી અને આસુરી તત્ત્વોથી અથડાવાનું પસંદ નથી કરતા. તેમની આ ઉપેક્ષાની ભાવનાથી જ દુષ્ટ પ્રવૃત્તિના માણસોને વધારે બળ મળે છે અને તેઓ સમાજમાં અશાંતિ તથા અરાજકતાની અભિવૃદ્ધિ કરતા રહે છે. સારા અને ખરાબ માણસ વચ્ચેની તિરાડ હજી વધારે મોટી થઈ જાય છે. આ ખાડીને ઓળંગીને, ખરાબ માણસોને પણ સુધારી દૈવી ગુણોથી પરિપૂર્ણ કરવા એ જ સાચી ઈશ્વરભક્તિ છે. તેને જ આધ્યાત્મિકતા અને ધાર્મિકતા કહે છે.
અમ આધ્યાત્મિકતાનું વિસ્તૃત માળખું આ જ ઉદ્દેશ્યના આધારે બનાવવામાં આવ્યું છે કે સમાજમાં બધા માણસો પોતાના અંતરાત્મામાં આવા વિશ્વાસ, ભાવ તથા સંસ્કાર ધારણ કરે, જેના દ્વારા તેમની વ્યક્તિગત ઘટે અને લઘુતાને મહાનતામાં, આત્માને પરમાત્મામાં વિકસિત કરવાનો ઉત્સાહ જાગે. મનુષ્યની વ્યક્તિગત અને સંસારની સામૂહિક સુખશાંતિ તેના અંતરાત્મામાં નિવાસ કરવાવાળી સામૂહિકતાની આ ભાવના પર જ નિર્ભર છે જે બધાને સન્માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે.
એનાથી જ રાષ્ટ્રનું ચારિત્ર્ય બને છે.
પ્રતિભાવો