૮૪. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧૦/૧૧૭/૪ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 7, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧૦/૧૧૭/૪ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
ન સ સખા યો ન દદાતિ સખ્યે સચાભુવે સચમનાય પિત્વઃ । અપાસ્માત્પ્રેયાન્ન તદોકો અસ્તિ પૃણન્તમન્યમરણં ચિદિચ્છેત્ ॥ (ઋગ્વેદ ૧૦/૧૧૭/૪)
ભાવાર્થ : જેઓ કૃતજ્ઞતાનો બદલો ચૂકવતા નથી, સેવા કરવામાં કંજૂસાઈ કરે છે તેમનું સંસારમાં કોઈ પણ હિતેચ્છુ હોતું નથી. આથી મનુષ્યે હંમેશાં ઉદાર સ્વભાવવાળા બનવું જોઈએ.
સંદેશ : મનુષ્ય ઈશ્વરની વિરાટ સત્તાનો એક અતિ સૂક્ષ્મ અંશ છે. પરમેશ્વરે અસંખ્ય જીવજંતુઓ, છોડ, વૃક્ષો, વનસ્પતિઓ, ઔષધિઓ વગેરે પેદા કર્યાં છે. જળ, જમીન, આકાશ, પવન, સૂર્ય, ચંદ્ર, તારા વગેરે બનાવ્યાં છે. આ બધામાં માનવશરીરની રચના વિશેષ ઉદ્દેશ્યથી કરી છે. પરમપિતાની અદ્ભુત કૃપાથી જ આ દિવ્ય રચનાએ સર્વોત્તમ કૌશલ્યો પ્રાપ્ત કર્યાં છે. સંસારમાં જે કંઈ પણ ઉત્પન્ન કર્યું છે તે તેના ઉપભોગ માટે બનાવ્યું છે. આ જાણતા હોવા છતાં આપણે તે પરમ પ્રભુ પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં કંજૂસાઈ બતાવીએ છીએ. તેમના પ્રત્યે કૃતજ્ઞ થવાને બદલે અભિમાની બની જઈએ છીએ.
ઈશ્વરનો આદેશ છે, ‘ત્યક્તેન ભુંજીથા મા ગૃધઃ’ ત્યાગપૂર્વક ભોગવો અને લાલચુ ન બનો, પરંતુ આપણે બધું પોતે જ ભેગું કરી લેવા ઇચ્છીએ છીએ અને દરેક પળે સ્વાર્થમાં ડૂબેલા રહીએ છીએ. આપણે સૌ પ્રથમ તે વિરાટ સત્તા પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરવી જોઈએ અને તેના આદેશ અનુસાર સ્વાર્થવૃત્તિ છોડીને સમાજમાં બધાની ભલાઈનું કાર્ય જ કરવું જોઈએ.
દૈનિક જીવનમાં પણ મનુષ્ય એકાકી રહેતો નથી. દરેક પળે, દરેક તરફથી તેને સહકાર મળતો રહે છે, તેથી જ તે આટલી પ્રગતિ કરી શક્યો છે. આપણામાં ગમે તેટલી પ્રતિભા અને ક્ષમતા હોય, પરંતુ બીજાના સહકાર સિવાય કંઈ પણ કરી શકવું લગભગ અશક્ય હોય છે. આપણે આપણા બધા સહયોગીઓનો ઉદારતાપૂર્વક આભાર માનવો જોઈએ. નાનામોટા કે ઊંચનીચનો કોઈ ભેદભાવ રાખ્યા વગર તેમની સહાયતાનો વધુમાં વધુ બદલો ચૂકવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આમાં જેઓ કંજૂસાઈ બતાવે છે તેઓ ઘોર પાપકર્મ કરે છે અને ૫રમાત્માની કૃપાથી હંમેશાં વંચિત રહી જાય છે.
મનુષ્યનું એ દુર્ભાગ્ય છે કે તે હંમેશાં પોતાના શરીરના પોષણ, ઇન્દ્રિયોની તૃપ્તિ, ધનની પ્રાપ્તિ, સાંસારિક પ્રેમ, આબરૂ તથા ઘરગૃહસ્થીને જ આ જીવનનું પરમલક્ષ્ય માને છે અને તેમાં પોતાનું સમગ્ર જીવન વિતાવતો રહે છે. આ ગોરખધંધામાં ફસાયેલો મનુષ્ય જીવનમૂલ્યો પ્રત્યે ઉદાસીનતા દાખવે છે અને સમાજમાં તિરસ્કાર મેળવે છે. જરૂર પડે ત્યારે કોઈ પણ તેને મદદ કરતું નથી. કોઈ પણ તેનું હિતેચ્છુ હોતું નથી. જે મનુષ્ય બીજાઓનો આભાર માનતો નથી, કોઈને સહયોગ આપતો નથી, ફક્ત પોતાનામાં જ ડૂબેલો રહે છે તેનો સમાજ પણ તિરસ્કાર કરે છે.
આપણે આપણાં આદર્શ જીવનમૂલ્યોને સુદૃઢ બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ અને સંસારમાં જન્મથી લઈને મૃત્યુપર્યંત જે જીવજંતુઓનો આપણને સહયોગ મળે છે તેમના પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવામાં કંજૂસાઈ દાખવવી જોઈએ નહિ. તે બધાંના ઉપકારના બદલામાં તેમની વધુ ને વધુ સેવા કરવાનો પ્રયત્ન કરતા રહેવું જોઈએ. પરમપિતા પરમેશ્વર પ્રત્યે આભાર વ્યક્ત કરવો તે તો આપણો પરમધર્મ છે.
પ્રતિભાવો