૮૫. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧૦/૧૧૭/૮ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 7, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧૦/૧૧૭/૮ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
એકપાદ્ભૂયો દ્વિપદો વિ ચક્રમે દ્વિપાત્ત્રિપાદમભ્યેતિ પશ્ચાત્ । ચતુષ્પાદેતિ દ્વિપદામભિસ્વરે સમ્પશ્યન્પઽક્તીરૂપતિષ્ઠમાનઃ ॥ (ઋગ્વેદ ૧૦/૧૧૭/૮)
ભાવાર્થ: આ સંસારમાં બધા એકસરખા નથી. એક એકથી ચઢિયાતા ધનવાન, વિદ્વાન વગેરે છે. પોતાની સરખામણી પોતાનાથી વધારે ક્ષમતાવાળા માણસ સાથે ક૨વી તે દુઃખદાયક છે. એટલા માટે આપણને જે કંઈ મળ્યું છે તેને પરમાત્માનો પ્રસાદ માનીને આપણા કર્તવ્યનું પાલન કરતા રહેવું જોઈએ.
સંદેશ : ભારતીય જીવનદર્શનનું જાહેર વાક્ય છે “જ્ઞાનમય કર્મ એવું કર્મમય જ્ઞાન” જીવનમાં જ્ઞાન અને કર્મ બંનેના સમન્વયની જરૂર છે. આપણાં શાસ્ત્રો તથા સમસ્ત વિદ્યાઓનું એ જ લક્ષ્ય છે કે અંતઃકરણના પરમ જ્ઞાનનો પ્રકાશ હંમેશાં જીવનરૂપી માર્ગને પ્રકાશિત કરતો રહે.
સંસારમાં બધા એકસરખા નથી. પશુપક્ષી, જીવજંતુ અને મનુષ્યો પણ જુદી જુદી યોગ્યતાઓ અને ક્ષમતાઓથી પરિપૂર્ણ હોય છે. કોઈ પણ માણસ દરેક કામ કરી શકતો નથી અને બધા જ પ્રકારનું જ્ઞાન મેળવી શકતો નથી. મોટે ભાગે મનુષ્યો પોતે જ કર્મથી દૂર ભાગે છે અને જાતજાતની સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે રોતા રહે છે. સંસારમાં મોટા ભાગના માણસો પોતાનાં દુઃખોથી દુઃખી નથી, પરંતુ એ વાતથી દુ:ખી રહે છે કે બીજા લોકો સુખી કેમ છે ? તેઓ પોતે તો કશું જ કરતા નથી અને આશા રાખે છે કે સંસારની બધી સુખસગવડો, ધનસંપત્તિ તથા સિદ્ધિઓ મને મળી જાય. કલ્પનાલોકમાં વિચરણ કરનારા આવા અજ્ઞાની માણસો પોતાના માટે તો નર્ક જેવું વાતાવરણ પેદા કરે જ છે, પરંતુ સાથેસાથે સમાજમાં પણ અરાજકતાનું વાતાવરણ બનાવે છે. તેમનું આ ભ્રષ્ટ ચિંતન જ તેમના જ્ઞાનને કુંઠિત કરી નાખે છે. તેમને ફક્ત પોતાની તકલીફો જ દેખાય છે અને તેઓ હંમેશાં રડતા-કકળતા રહે છે. લાખો કરોડો અભાવગ્રસ્ત માણસોના દુઃખને સમજવાનો ન તો તેમની પાસે સમય છે કે ન જ્ઞાન છે.
વસ્તુસ્થિતિનું યોગ્ય જ્ઞાન જ્યારે મનને પ્રકાશિત કરે છે ત્યારે મનુષ્ય તે અનુસાર પોતાનાં કર્મો નક્કી કરે છે. આ સમન્વય માટે તેને સતત અભ્યાસની જરૂર પડે છે. અભ્યાસમાં કોઈ વસ્તુ માત્ર અઘરી જ નહિ, પરંતુ અશક્ય પણ લાગે છે, પછી ધીરે ધીરે તે સાધ્ય થઈ જાય છે. “કરત કરત અભ્યાસકે જડતમ હોત સુજાન” તરવાનું ન જાણનારાને જ્યારે પાણીમાં ઉતારવામાં આવે છે ત્યારે તેના પ્રાણ મુશ્કેલીમાં મુકાઈ જાય છે, પરંતુ થોડાક જ દિવસોમાં તેને તરતો જોઈને માછલીને પણ ઈર્ષ્યા થવા લાગે છે. સતત અભ્યાસ દ્વારા સંપૂર્ણ જીવનને જ્ઞાનમય બનાવી શકાય છે.
જ્ઞાની પુરુષ શાંત અને સમતોલ વૃત્તિનો હોય છે. તે પોતાની બધી સિદ્ધિઓને પરમાત્માની કૃપા માનીને સંતોષ પામે છે. ઈર્ષ્યા કે દ્વેષનો ભાવ તેના મનમાં આવતો નથી. બીજાઓનાં સુખસગવડ તથા પ્રગતિ જોઈને તેના મનમાં કોઈ દુર્ભાવના જાગતી નથી. તે કદીય રડતો અથવા ચિડાતો નથી કે ક્રોધ કરતો નથી. જ્ઞાની માણસ કર્મની પવિત્રતાને સમજે છે અને વિશાળ દૃષ્ટિકોણથી પ્રાણીમાત્રમાં પ્રેમભાવ રાખે છે. આત્મવત્ સર્વભૂતેષુની ભાવના દ્વારા તે ફક્ત પોતાની જ ઉન્નતિથી સંતુષ્ટ થતો નથી, પરંતુ બધાની ઉન્નતિમાં જ પોતાની ઉન્નતિ માને છે.
ચારિત્ર્યવાન માણસની આ જ ઓળખ છે.
પ્રતિભાવો