૮૭. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧૦/૧૨૧/૨; યજુર્વેદ ૨૫/૧૩ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 7, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧૦/૧૨૧/૨;યજુર્વેદ ૨૫/૧૩ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
ય આત્મદા બલદા યસ્ય વિશ્વ ઉપાસ્યતે પ્રશિષં યસ્ય દેવાઃ । યસ્ય ચ્છાયામૃતં યસ્યમૃત્યુઃ કસ્મૈ દેવાય હવિષા વિધેમ ॥ (ઋગ્વેદ ૧૦/૧૨૧/૨;યજુર્વેદ ૨૫/૧૩)
ભાવાર્થ : હે આત્મા, મન અને શરીરના સ્વામી પરમેશ્વર ! અમે જ્યારે આપનું અનુશાસન અર્થાત્ સત્કાર્ય કરીએ છીએ ત્યારે જીવતા રહીએ છીએ. દુષ્કર્મોથી અમારો વિનાશ થાય છે, એટલા માટે અમે હંમેશાં સુમાર્ગ પર જ ચાલીએ.
સંદેશ : આ સૃષ્ટિના સ્વામી ભગવાન છે. તેમણે દરેક વસ્તુને બનાવીને તેની સીમા અને મર્યાદાઓ પણ નક્કી કરી દીધી છે. દરેક પદાર્થ તથા પ્રાણી પોતાની નિયત મર્યાદામાં રહીને જ ઈશ્વરીય ઉદ્દેશોને પૂરા કરે છે. માત્ર મનુષ્ય જ પોતાની બુદ્ધિ તથા પ્રકૃતિનો દુરુપયોગ કરે છે અને કુમાર્ગી બને છે, ધર્મનું સમગ્ર માળખું, બધી પરંપરાઓ, માન્યતાઓ અને શ્રદ્ધાઓ એ ઉદ્દેશ માટે છે કે મનુષ્ય પોતાની નિર્ધારિત મર્યાદાની અંદર રહીને જ જીવન વિતાવે.
ધર્મનો આધાર છે શ્રદ્ધા અને ઈશ્વર ઉપર વિશ્વાસ. જ્યારે મનુષ્ય ઈશ્વરની સર્વવ્યાપકતામાં વિશ્વાસ રાખીને તેના અનુશાસનથી પોતાનાં કર્મોનું નિયોજન કરે છે ત્યારે એ માન્યતા તેની દુષ્પ્રવૃત્તિઓ પર અંકુશ રાખવામાં સમર્થ હોય છે. સર્વવ્યાપી ઈશ્વરની નજરથી આપણું કોઈ પણ આચરણ અથવા ભાવ છૂપો રહી શકતો નથી. મોડાંવહેલાં તે ન્યાયકારી, ઘટઘટવાસી પ્રભુ તેનો દંડ પણ આપશે. સમાજની આંખોમાં ધૂળ નાંખી શકાય છે, પરંતુ ભગવાનથી કશું છુપાવી શકાતું નથી. આ માન્યતા આપણને પાપકર્મોથી બચાવે છે. આપણી મોટાભાગની દુષ્પ્રવૃત્તિ એટલા માટે ચાલતી રહે છે કે રાજદંડ અથવા સમાજદંડથી
આપણે ચતુરતાપૂર્વક બચી શકીએ છીએ, પરંતુ ઈશ્વરની સામે આવી ચતુરતા નથી ચાલી શકતી. એ આધારે જ મનુષ્ય પાપથી ડરે છે અને મર્યાદાઓમાં રહીને સજ્જનોચિત સભ્ય જીવન જીવવા માટે વિવશ થાય છે. તેનો આત્મા, મન અને શરીર ત્રણેય શુદ્ધ અને પવિત્ર બને છે.
આજે દરેક દિશામાં વિકૃતિઓ વ્યાપેલી છે. શ્રદ્ધા પણ વિકૃત થઈ ગઈ છે. લોકો માની બેઠા છે કે થોડીક ખુશામત કરીને, પૂજા કરીને તથા શ્રીફળ કે પ્રસાદ ચઢાવીને ભગવાનને પ્રસન્ન કરી શકાય છે અને ત્યારબાદ પોતે અયોગ્ય હોવા છતાં પણ મોટી મોટી સિદ્ધિઓ મેળવી શકાય છે તથા પાપોના દંડમાંથી બચી શકાય છે. આ દુર્ભાવનાના કારણે જ ચારે બાજુ લોકો દુષ્કર્મોમાં લાગેલા છે અને પોતાનો વિનાશ કરી રહ્યા છે. આ વિટંબણામાંથી છુટકારો મેળવ્યા સિવાય બીજો કોઈ ઉપાય જ નથી. અનુશાસન વગર જીવનમાં સરળતા પ્રાપ્ત કરવી શક્ય જ નથી. પરમેશ્વરે આપણને સત્કર્મો દ્વારા બધાની ઉન્નતિમાં સહયોગ આપવા માટે જ આ માનવશરીર આપ્યું છે. આ ઈશ્વરીય અનુશાસનનું પાલન કરવું તે આપણા બધાનું પુનિત કર્તવ્ય છે. એ માટે મનુષ્ય દ૨૨ોજ થોડો સમય કાઢીને ઈશ્વરની ઉપાસના કરવી જોઈએ. પરમાત્માના ગુણોનું ચિંતન કરતાં કરતાં તેમને પોતાના આત્મામાં ધારણ કરવાનો પ્રયાસ કરતા રહેવું જોઈએ. તેમની મંગલમય છાયામાં રહેનારને સંસારમાં કોઈ સંતાપ રહેતો નથી અને તેના માટે મૃત્યુ પણ અમૃત સમાન બની જાય છે. તે આત્મસ્વરૂપ પરમાત્મા આપણાં ઉત્તમ કર્મોના આધારે આપણને અમર બનાવી દે છે.
યશસ્વી જીવનનું આ જ રહસ્ય છે.
પ્રતિભાવો