૯૩. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧૦/૧૫૧/૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 7, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧૦/૧૫૧/૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
શ્રદ્ધયાગ્નિઃ સમિધ્યતે શ્રદ્ધયા હૂયતે હવિઃ । શ્રદ્ધાં ભગસ્ય મૂર્ધનિ વચસા વેદયામસિ ॥ (ઋગ્વેદ ૧૦/૧૫૧/૧)
ભાવાર્થ : શ્રદ્ધાપૂર્વક ક૨વામાં આવેલાં પરોપકારી કર્મો જ ધ્યેયને સિદ્ધ કરી શકે છે. તેથી મનુષ્યે શ્રદ્ધાથી ભરપૂર રહેવું જોઈએ.
સંદેશઃ શ્રદ્ધા માનવજીવનનો આધાર છે. તેમાં મહાન પ્રેરકશક્તિ રહેલી છે. નક્કર આધાર વગર કશુંય શક્ય બનતું નથી. જો કોઈને છલાંગ લગાવવી હોય તો જે જગ્યાએથી કૂદકો મારે તે ધરતી નક્કર ‘હોવી જોઈએ. જો તે પોચી અથવા કીચડવાળી હશે તો છલાંગ મારનાર નીચે પડશે અને ધ્યેય સુધી પહોંચી શકે નહિ.આધાર મજબૂત હોવો જોઈએ. પાણીનો આધાર ઘડો છે, તે ફૂટેલો ન હોવો જોઈએ. ઘડાનો આધાર ત્રિપાઈ છે, તેનો પાયો તૂટેલો ન હોવો જોઈએ. ત્રિપાઈનો આધાર ભૂમિ છે, તે ત્રાંસી અથવા ઢોળાવવાળી ન હોવી જોઈએ. એ જ રીતે કોઈ વસ્તુ લટકાવવી હોય તો ખૂંટી મજબૂત હોવી જોઈએ, નહિતર ખૂંટી નીકળી જશે અને વસ્તુ પડી જશે, તે જ રીતે શ્રદ્ધા પણ મજબૂત હોવી જોઈએ. જોઈને, ઓળખીને, પારખીને શ્રદ્ધાનું સ્થાન નક્કી કરવું જોઈએ.
તરતાં શીખનાર માણસ પાણીમાં ઊતરતાં ગભરાય છે. શિક્ષક ભરોસો આપે છે કે કૂદી પડો, હું તને ડૂબવા નહિ દઉં, પણ છોકરાને વિશ્વાસ હોતો નથી. તે દોરડું પકડીને પાણીમાં ઊતરે છે. તેને શિક્ષક કરતાં દોરડા પર વધારે શ્રદ્ધા છે. ધીરેધીરે તે દોરડું છોડીને હાથપગ હલાવે છે. શિક્ષક તેને સાચવીને ડૂબવા નથી દેતા. થોડા દિવસો પછી તેની શ્રદ્ધા દોરડા પરથી હઠીને શિક્ષકમાં આવી જાય છે. પછી તો તે નિશ્ચિંત થઈને પાણીમાં છલાંગ મારી દે છે. પોતાના શિક્ષકમાં તેને પૂરી શ્રદ્ધા છે. ભલે કોઈ કહે કે તે અંધશ્રદ્ધા છે, પરંતુ હવે કોઈ તેના વિશ્વાસને ડગાવી શકે નહિ. એ જ પ્રમાણે જેઓ ઈશ્વરના અસ્તિત્વમાં શ્રદ્ધા રાખે છે તેમને પ્રતિપળ એ વિશ્વાસ રહે છે કે આ ભવસાગરથી તે તેમને પાર કરી દેશે, ડૂબવા નહિ દે.
શ્રદ્ધા, વિશ્વાસ અને પ્રેમ એ ઉન્નતિનાં ત્રણ પગથિયાં છે. શ્રદ્ધાથી બધું જ શક્ય બને છે. વિશ્વાસ અઘરાને સરળ કરી નાંખે છે અને પ્રેમ તો તેને સ૨ળતમ બનાવી દે છે. જેઓ આ ત્રણ સદ્ગુણોનો અભ્યાસ કરે છે તેમનો માર્ગ મુશ્કેલીઓ અને કષ્ટોથી મુક્ત થઈ જાય છે.શ્રદ્ધાવાનને પોતાના પ્રત્યેક કાર્યમાં સફળતા મળે છે. જ્યારે શ્રદ્ધા દૃઢ થઈ જાય છે ત્યારે તે કલ્યાણ કરનારી માતાની જેમ દરેક સ્થિતિમાં આપણી રક્ષા કરે છે.
આપણે પણ આપણા હૃદયમાં શ્રદ્ધાની જ્યોતિ પ્રજ્વલિત રાખવી જોઈએ. શ્રદ્ધા વગર આપણે કોઈ પણ કાર્ય પૂરું નહિ કરી શકીએ, એક ડગલું પણ આગળ નહિ વધી શકીએ. આપણું જીવન શ્રદ્ધાથી ઓતપ્રોત થાઓ. સંધ્યા કરીએ તો શ્રદ્ધાપૂર્વક, ભોજન કરીએ તો શ્રદ્ધાપૂર્વક, દાન આપીએ તો શ્રદ્ધાપૂર્વક, સત્સંગમાં જઈએ તો શ્રદ્ધાપૂર્વક. જે પણ કાર્ય કરીએ તે પૂર્ણ શ્રદ્ધાવિશ્વાસથી કરીએ. જ્યારે કાર્યમાં શ્રદ્ધા હોય છે ત્યારે એકાગ્રતા પણ આવે છે. તેનાથી રુચિ જાગૃત થાય છે. જે કામ મન લગાડીને કરવામાં આવે છે તેમાં સરળતા આવી જાય છે. જેવી રીતે સૂર્યનાં કિરણોને બહિર્ગોળ કાચની મદદથી એક બિંદુ ૫૨ કેન્દ્રિત કરવાથી અગ્નિ પ્રજ્વલિત કરી શકાય છે, એ જ પ્રમાણે શ્રદ્ધાના માધ્યમથી મનની બધી જ શક્તિઓને એકત્રિત કરી શકાય છે. શ્રદ્ધાથી પ્રાપ્ત થયેલી શક્તિ દરેક કાર્યને સફળ કરી દે છે.
પ્રતિભાવો