૯૪. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ – ૧૦/૧૫૧/૩ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 7, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ – ૧૦/૧૫૧/૩ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
યથા દેવા અસુરેષુ શ્રદ્ધામુગ્રેષુ ચક્રિરે । એવં ભોજેષુ યજ્વસ્વસ્માકમુદિતં કૃધિ I (ઋગ્વેદ – ૧૦/૧૫૧/૩)
ભાવાર્થ : દેશ, જાતિ અને સંસ્કૃતિ પ્રત્યે ત્યાગ અને સમર્પણની ભાવના ત્યારે પેદા થાય છે, જ્યારે હૃદયમાં તેમના પ્રત્યે શ્રદ્ધા હોય. શ્રદ્ધાનું બળ જ કોઈ પણ કર્તવ્ય પ્રત્યે ગાઢ નિષ્ઠા ઉત્પન્ન કરે છે.
સંદેશઃ સંસારનો કોઈ પણ અગ્નિ શ્રદ્ધા વગર પ્રજ્વલિત થતો નથી અને કોઈ પણ ત્યાગ, કોઈ પણ બલિદાન શ્રદ્ધા વગર કરી શકાતાં નથી. કોઈ પણ પ્રકારની સફળતા મેળવવા માટે ત્યાગ કરવો અને અગ્નિ પ્રજ્વલિત કરવો જરૂરી હોય છે. આપણે કોઈ પણ દિશામાં ઉન્નતિ કરવી હોય તો એક તો સદા આત્મબલિદાન માટે તૈયાર રહેવું જોઈએ અને બીજું આ બલિદાન જે ઉચ્ચ ધ્યેયને માટે કરવાનું હોય તે ધ્યેયનો પવિત્ર અગ્નિ આપણા હૃદયમાં ધબકતો રહેવો જોઈએ. શ્રદ્ધા વિના એ શક્ય નથી.
શ્રદ્ધા તથા બુદ્ધિ પરસ્પર વિરોધી નથી. કેટલાક લોકો શ્રદ્ધાને અંધશ્રદ્ધા માને છે તથા તેને મૂર્ખાઓ અને બુદ્ધિહીનોની ધારણા સાબિત કરવા માટે અનેક પ્રકારની દલીલો કરે છે, પરંતુ હકીકતમાં દલીલ તથા બુદ્ધિથી શ્રદ્ધા દઢ થાય છે અને શ્રદ્ધાથી જ બુદ્ધિનો વિકાસ થાય છે. શ્રદ્ધાથી જીવન સાર્થક થાય છે, તેને દિશા પ્રાપ્ત થાય છે, તે એક નિશ્ચિત વળાંક લે છે અને ધીરેધીરે તેનો સ્તર ઊંચો થતો જાય છે. વ્યવસાયપરાયણતા, ઉદ્યમશીલતા, વિનમ્રતા, ત્યાગ વગેરે ગુણોથી જીવનવૃક્ષ પલ્લવિત થાય છે. શ્રદ્ધાની આ લહેર એકવાર જાગે તો પછી સમગ્ર સમાજમાં ફેલાય છે. આપણા ઋષિઓએ, મહર્ષિઓએ, સંતોએ શું કર્યું હતું ? સમાજમાં શ્રદ્ધાનાં બીજ વાવ્યાં હતાં. આ બીજમાંથી જ સદ્ગુણોનો પાક ઉત્પન્ન થાય છે, જેનાથી સમાજનો સર્વાંગી વિકાસ થાય છે. રાષ્ટ્રના અંગેઅંગમાં શ્રદ્ધાની સ્થાપના થવાથી અનુશાસનપૂર્ણ વિરાટ શક્તિનો આવિર્ભાવ થાય છે અને રાષ્ટ્રને સુખ, સમૃદ્ધિ તથા ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે.
શ્રદ્ધાહીન મનુષ્ય સંદેહ, સંશય અને શંકાથી ઘેરાયેલો રહે છે. આજે રાષ્ટ્ર, ધર્મ, સંસ્કૃતિ બધાં ક્ષેત્રોમાં સર્વત્ર ચિંતા, અસ્થિરતા, નિષ્ફળતા, નિરાશા, હતાશા અને શોકનો જ પ્રભાવ છે. લોકોનાં અંતઃકરણ મૃતપ્રાય અને શરીરો શિથિલ થઈ ગયાં છે. સમગ્ર સમાજ વિનાશની ખાઈ તરફ ધકેલાતો જાય છે. આજે લોકોને પોતાના ઉપર જ વિશ્વાસ નથી, બીજાઓ પર વિશ્વાસ નથી, ઈશ્વર પર પણ વિશ્વાસ નથી. રોગીને ડૉક્ટર પર વિશ્વાસ નથી. વિદ્યાર્થીને શિક્ષક પર વિશ્વાસ નથી, માલિકને મજૂર પર વિશ્વાસ નથી, મજૂરને માલિક પર વિશ્વાસ નથી. આ બધું શું છે ? અંધશ્રદ્ધાને કારણે જ ચારેબાજુએ આ દુર્ગતિ થઈ રહી છે.
અશ્રદ્ધાની જેમ જ અંધશ્રદ્ધા અને અંધભક્તિ પણ મનુષ્યની જીવનશક્તિનો નાશ કરે છે. પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કર્યા વગર બીજાઓ જે કરી રહ્યા છે તેનું આંધળું અનુકરણ કરવું તે આપણા પતનનું મુખ્ય કારણ બને છે. વિવેકની કસોટી પર કસ્યા પછી યોગ્ય વાતો ૫૨ જ આપણી શ્રદ્ધાને કેન્દ્રિત કરવી જોઈએ.
જ્યાં સુધી આપણા હૃદયમાં રાષ્ટ્ર પ્રત્યે, ધર્મ તથા સંસ્કૃતિ પ્રત્યે સાચી શ્રદ્ધા તથા ગાઢ નિષ્ઠા જાગૃત નહિ થાય ત્યાં સુધી તેમના પ્રત્યે પ્રેમ નહિ થાય, ત્યાગ તથા બલિદાનની ભાવના નહિ જાગે, આપણું સર્વસ્વ ન્યોછાવર કરી દેવાની ઉત્કંઠા નહિ પ્રગટે.
આપણે આપણા જીવનને શ્રદ્ધામય બનાવીએ.
પ્રતિભાવો