૭૫. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧૦/૧૮/૨ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 7, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧૦/૧૮/૨ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
મૃત્યોઃ પદં યોપયન્તો યદૈત દ્રાધીય આયુઃ પ્રતરં દધાનાઃ । આપ્યાયમાનાઃ પ્રજયા ધનેન, શુદ્ધાઃ પૂતા ભવત યજ્ઞિયાસઃ ॥ (ઋગ્વેદ ૧૦/૧૮/૨)
ભાવાર્થ : જે લોકો દુરાચારને દૂર કરી સદાચાર અપનાવી લે છે તેઓ ઉત્તમ જીવન અને દીર્ઘ આયુષ્ય મેળવે છે. ધન અને સંતાનયુક્ત થઈને શારીરિક અને માનસિક પવિત્રતા પ્રાપ્ત કરે છે.
સંદેશ : મનુષ્યજીવન ઈશ્વરની એક અણમોલ ભેટ છે. જે સગવડો બીજા કોઈ જીવજંતુને નથી મળી તે મનુષ્યને મળી છે. હસવું,બોલવું, લખવું, વાંચવું, વિચારવું, કુટુંબ, ચિકિત્સા, ઉદ્યોગ, રહેઠાણ, વાહન, મનોરંજન વગેરે સાધનો મનુષ્યને મળ્યાં છે તે બીજાં પ્રાણીઓને મળ્યાં નથી. મનુષ્ય ઉપર જ ઈશ્વરની આટલી વિશેષ કૃપા શા માટે છે ?
સંસારમાં પ્રત્યેક પ્રાણી જન્મ લે છે અને થોડા સમય પછી મૃત્યુને ભેટે છે. મૃત્યુ ક્યારે તેને કચડી નાખે તે કોઈ જાણી નથી શકતું. મનુષ્યને જ પરમાત્માએ સગવડ આપી છે કે તે મૃત્યુને ભેટતો હોય છે. મૃત્યુને એકતરફ ધકેલી અમરત્વ પ્રાપ્ત કરી શકે છે. સંસારમાં મરેલા લોકોની જેમ પોતાનું જીવન પસાર કરવાના બદલે અમરપુત્રોની જેમ દૃઢતાથી રહેવું જોઈએ.
ઇતિહાસ અને શ્રેષ્ઠ પુરુષોનાં ચરિત્રોનું અધ્યયન કરવાથી એ સ્પષ્ટ થાય છે કે માણસની ઉન્નતિ માટે કેટલાક ગુણો અતિ જરૂરી છે. તે ગુણો જ માનવની પરીક્ષા છે. જેની પાસે જેટલા પ્રમાણમાં આ ગુણો હશે તેટલા પ્રમાણમાં તે માણસ શ્રેષ્ઠ અને અમર થઈ જશે. જગતના બધા મહાપુરુષોનાં જીવન આ જ ગુણોથી પરિપૂર્ણ છે. આ ગુણોનો વિકાસ કર્યા વગર કોઈ પણ માણસ અમરતાના સિંહાસન પર આરૂઢ થઈ શકતો નહિ. ગીતામાં આ ગુણોનું માહાત્મ્ય કેટલીય જગ્યાએ અનેક રીતે સમજાવ્યું છે. આ ગુણોને પોતાના જીવનમાં ધારણ કરવાથી જ મનુષ્ય સંસારમાં અમર થઈ શકે છે.
આપણો દેશ મહાપુરુષોનો દેશ છે. પ્રભુ રામચંદ્રથી માંડીને આજ સુધીમાં વિશ્વકીર્તિ ધરાવતા સેંકડો મહાપુરુષો અહીં જન્મ્યા છે, પરંતુ ફક્ત મહાપુરુષોના નિર્માણથી જ કામ ચાલી ન શકે. ગણ્યાગાંઠ્યા માણસો જ દૈવી સંપત્તિને ધારણ કરીને મહાન બની જાય અને બાકીના બધા નારકીય જીવન ગુજારે તે બરાબર નથી. દેશના સામાન્ય લોકોનો સ્તર પણ શ્રેષ્ઠ હોવો જોઈએ.
આપણી શારીરિક જરૂરિયાતો પણ બીજાં પ્રાણીઓની જેમ સામાન્ય જ છે અને તે સરળતાથી પૂરી થઈ શકે છે, પણ આપણે આપણી વધારાની શક્તિને ભોગવિલાસ, સંગ્રહ, અહંકાર વગેરે પૂરાં કરવામાં વાપરતા રહીએ છીએ અને જાતજાતના દુરાચારોમાં આ અમૂલ્ય જીવનને બરબાદ કરીએ છીએ. આપણે આપણા જીવનના ઉદ્દેશ્યને ભૂલી જઈએ છીએ અને મરેલા મનુષ્યની જેમ આયુષ્યના ભારને ઊંચકીને જીવનની ગાડીને ઢસડીએ છીએ.
આપણે હંમેશાં યોગ્ય આહારવિહાર, વ્યાયામ, તપ, વગેરે દ્વારા શરીરને શુદ્ધ અને અંતઃકરણને પવિત્ર બનાવી શુભ કર્મ કરતાં યજ્ઞીય જીવન જીવવું જોઈએ, તો આપણે ૧૦૦ વર્ષથી પણ વધુ સમય સુધી ઉત્તમ ધન અને શ્રેષ્ઠ સંતાનનું સુખ ભોગવી શકીએ છીએ અને આત્માની અમરતાનો આનંદ પ્રાપ્ત કરી શકીએ છીએ.
પ્રતિભાવો