૭૬. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧૦/૭૧/૫ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 7, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧૦/૭૧/૫ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
અધેન્વા ચરતિ માયયૈષ વાચં શુક્ષુવાં અફલામપુષ્પાન્ । (ઋગ્વેદ ૧૦/૭૧/૫)
ભાવાર્થ : જેઓ સદાચરણનું પાલન નથી કરતા તેમને શિક્ષિત હોવા છતાં પણ તે લાભ નથી મળતો, જેમ કે જાદુથી બનાવેલી ગાય દૂધ નથી આપતી.
સંદેશ : કેટલા આશ્ચર્યની વાત છે કે આપણને મનુષ્યજીવન જેવા અમૂલ્ય અવસરનો લાભ લેવાની વાત નથી સૂઝતી અને તેને છોકરમતમાં ગુમાવી દઈએ છીએ. એટલું જ નહિ, પણ વિવિધ દુરાચારોમાં તેનો ઉપયોગ કરી આગળના જન્મ માટે પાપનું પોટલું બાંધીને અને નારકીય યાતનાઓનો બોજ લઈને વિદાય થઈએ છીએ. એના કરતાં તો પશુઓ સારાં કારણ કે તેઓ જેવાં આવે છે તેવાં જ પાછાં જાય છે. શું આ જ મનુષ્યની બુદ્ધિમત્તા છે ? આટલું જ્ઞાન, વિજ્ઞાન, શિક્ષણ વગેરે મેળવવા છતાં તે પોતાના વિવેકનો યોગ્ય ઉપયોગ પણ નથી કરતો.
સાંસારિક સફળતાની વાતોને જાણીને આપણે પોતાને ગમે તેટલા જ્ઞાની, ચતુર અને ચાલાક કહેવડાવીએ, પરંતુ આપણે પોતાના જીવનના મૂળ ઉદ્દેશ્યને સમજીએ અને આપણા સ્વરૂપ તથા કર્તવ્ય વિશે પણ જાણીએ તથા તેના પર ગંભીરતાથી વિચારીએ એ પણ ખૂબ જરૂરી છે. આપણે એ પણ વિચારવું જોઈએ કે હું કોણ છું ? શું છું ? અને મારા જીવનની સાર્થકતા કઈ રીતે સિદ્ધ કરી શકું ? આ આત્મબોધ જો ન થઈ શકે તો મનુષ્યનું શરીર મળવા છતાં પણ નરપશુ અને નરપિશાચ જેવું ધૃણાસ્પદ જીવન જીવવું પડશે.
દરેક વિવેકવાન માણસે પોતાની વર્તમાન પરિસ્થિતિ પર વિચાર કરવો જોઈએ અને સર્જનહારની આકાંક્ષા પૂર્ણ કરવામાં જીવનનો ઉપયોગ કરવો જોઈએ. જો એવી સ્ફૂરણા અંતઃકરણમાં જાગે તો સમજવું કે અંતરાત્મામાં ઈશ્વરનો પ્રકાશ ચમકવા લાગ્યો અને ભગવાનની કૃપા ફળવા લાગી.
મોટાભાગના લોકો પોતાના આચરણને સુધારવા તૈયાર જ નથી થતા. દુરાચાર છોડીને જીવનમાં સદાચારનું પાલન કરવા ઇચ્છતા નથી અને છતાં તેઓ આશા રાખે છે કે ભગવાન તેમની મનોકામનાઓને ઝટપટ પૂરી કરી દે. તેઓ પૂજા,અર્ચના, ભજન, કીર્તન, કર્મકાંડ બધું આ જ ભાવનાથી કરે છે. તેઓ માને છે કે ભગવાનની પ્રશંસા કરવાથી, કરગરવાથી અથવા ભેટ ચઢાવવાથી ભગવાનને ફોસલાવીને આપણું કામ કાઢી શકાય છે. પૂજા ઉપાસનાનો અર્થ તો એ છે કે ઈશ્વરીય ગુણોને આપણા અંતરમાં દેઢતાથી સ્થાપી દેવા, આપણા મનમાં વધારેમાં વધારે નિર્મળતા, વિવેકશીલતા અને પવિત્રતા પેદા કરવી.
પોતાની સ્થિતિ અનુસાર દરેક માણસ જનતાજનાર્દનની ભાવનાત્મક સ્થિતિને ઊંચે લઈ જવામાં થોડોઘણો ફાળો તો આપી શકે છે. આ ઉદ્દેશ માટે સમય, શ્રમ, બુદ્ધિ, ધન વગેરેનો જેટલો અંશ ખર્ચી શકાય એટલા જ પ્રમાણમાં આપણે ભગવાનની ઇચ્છા પૂરી કરવા માટે સાહસ કર્યું એમ માનવું જોઈએ. એના માટે આપણા વિચારો, મનોભૂમિ, ગુણ, કર્મ, સ્વભાવ અને કાર્યોમાં વધારેમાં વધારે પવિત્રતા, ઉદારતા અને શ્રેષ્ઠતાસભર આદર્શવાદનો સમાવેશ કરવો જોઈએ. સાથે સાથે આપણી પ્રતિભા તથા ક્ષમતાનું લોકમંગળ માટે ઉત્સાહ અને ભાવનાપૂર્વક સમર્પણ કરવા કટિબદ્ધ રહેવું જોઈએ.
પ્રતિભાવો