૮૦. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૩/૧૬/૫ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 7, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૩/૧૬/૫ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
મા નો અગ્નેડમતયે માવીરતાયૈ રીરધઃ । । માગોતાયૈ સહસસ્પુત્ર મા નિદેડપ દ્વેષાંસ્યા કૃધિ (ઋગ્વેદ ૩/૧૬/૫)
ભાવાર્થ : આપણું માનવજીવન સફળ થાય એટલા માટે આપણે બુદ્ધિમાન, વીર તથા ધનવાન બનીએ. નિંદક, ધૂર્ત, ચાડિયા અને અનુદાર ન થઈએ. આપણે કદીયે મતિહીન ન થવું જોઈએ. જીવનપર્યંત સુખી રહીને પરમાત્માની ઉપાસના કરતા રહેવું જોઈએ.
સંદેશઃ સંસારમાં દરેક માણસ સુખી રહેવા માગે છે. એ માટે જાતજાતનાં આયોજનો કરે છે અને પોતાની બુદ્ધિ તથા ક્ષમતાથી સાધનોનો વિકાસ કરે છે. એની સાથે એ પણ સાચું છે કે દુઃખમાંથી તે મુક્ત થઈ શકતો નથી. સંસારમાં દુઃખનાં એટલાં બધાં કારણો છે કે માણસ ગમે તેટલી સમજદારીથી કામ લે તો પણ કોઈ ને કોઈ દુઃખ આવી જ પડે છે. મોટા મોટા જ્ઞાની અને ધનવાન માણસો પણ એનાથી બચી નથી શકતા. હકીકતમાં સંસારમાં સુખનાં એટલાં બધાં સાધનો છે કે અપાર સુખોના સ્વામી હોય એવા માણસો પણ દુઃખથી ઘેરાયેલા રહે છે. આમ મનુષ્ય જો દુ:ખોથી બચી શકતો ન હોય તો પછી તેણે દુઃખોના સ્વાગત માટે માનસિક રૂપથી તૈયાર રહેવું જોઈએ. એનાથી તેને દુ:ખનો તીવ્ર અનુભવ નહિ થાય.
આપણી યોગ્યતા અને પ્રતિભાની સાર્થકતા એમાં જ છે કે આપણે ધીર, ગંભીર અને વીર બનીએ અને દરેક પ્રકારનાં સાંસારિક દુ:ખોને હસતાંહસતાં સહન કરીએ. હંમેશાં એ વાતનું ધ્યાન રાખીએ કે આ દુઃખના દિવસો પણ જલદીથી પૂરા થઈ જશે. જીવન પ્રત્યે નિષેધાત્મક દૃષ્ટિકોણ પણ મનુષ્યને દુઃખી બનાવી દે છે. એનાથી સદૈવ બચવા માટે પ્રયત્ન કરવો જોઈએ. જો માણસ જીવનમાં અભાવની સ્થિતિનું જ સતત ધ્યાન કરતો રહેશે, તો દુઃખો તેને સતાવશે. તેણે વિચારવું જોઈએ કે આપણને જે કંઈ મળ્યું છે. તે પરમાત્માની અસીમ કૃપાનું જ ફળ છે અને આપણા સુખ માટે જ મળ્યું છે.
મોટાભાગનાં દુ:ખો મનુષ્ય પોતાના અજ્ઞાન, માનસિક વિકારો, છળકપટ અને સ્વાર્થના કારણે પોતાની જાતે જ ઉત્પન્ન કર્યાં હોય છે. તેણે પોતાના હાથે જ પોતાનો સર્વનાશ નોતર્યો છે. આ જ આપણી દયાજનક સ્થિતિનું કારણ છે. પહેલાં તો મનુષ્ય પોતાના દુર્ગુણો તથા વ્યસનો દ્વારા એવા વાતાવરણનું નિર્માણ કરે છે કે ચારે બાજુથી તકલીફો તેને ઘેરી લે છે. આ પરિસ્થિતિમાં તેના વિવેક અને ધૈર્યનો નાશ થાય છે અને તે પોતે આ મુશ્કેલીઓમાંથી છુટકારો મેળવવાનો માર્ગ શોધી શકતો નથી. બીજું કોઈ તેને સલાહ આપે તો પણ તે અસહ્ય થઈ પડે છે. આ પ્રકારની માનસિક વિકૃતિ તેનાં દુઃખોમાં વધારો કરવાનું કાર્ય કરે છે.
દુઃખોમાંથી છુટકારો મેળવવા માટે મનુષ્ય પોતે જ પોતાને મદદ કરવી પડે છે. બીજાઓની સાંત્વનાથી કોઈ ખાસ લાભ થતો નથી. ‘ગીતા’ અનુસાર પ્રસન્ન રહેવાથી મનુષ્યનાં બધાં જ દુઃખોનો નાશ થાય છે. જો તે દરેક વખતે હસવાની અને સ્મિત કરતા રહેવાની ટેવ પાડે તો તેની બુદ્ધિ ખૂબ જલદીથી સ્થિરતાને પ્રાપ્ત કરી લે છે અને એ રીતે તે નિશ્ચિત રૂપથી સુખની વૃદ્ધિ કરી શકે છે.
સુખ દુઃખ યા સંસાર મેં, સબ કાહુકો હોય । જ્ઞાની કાટે જ્ઞાનસે, મુરખ કાટે રોય ।।
આપણા જ્ઞાનની સાર્થકતાનો આ જ માપદંડ છે.
પ્રતિભાવો