૧૦૬. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૬/૧૦/૭ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 7, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૬/૧૦/૭ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
વિદ્વેષાંસીનુહિ વર્ધયેલાં મદેમ શતહિમાઃ સુવીરાઃ । (ઋગ્વેદ ૬/૧૦/૭)
ભાવાર્થ : વિદ્વાન પુરુષોનું કર્તવ્ય છે કે તેઓ શ્રેષ્ઠ કર્મ કરે અને બીજા પાસે કરાવે. એનાથી દોષો દૂર થાય છે અને બળ, બુદ્ધિ, વિદ્યા તથા ઉંમરમાં વૃદ્ધિ થાય છે.
સંદેશ : વિદ્વાન કોને કહેવાય ? જેમને ભૌતિક સૃષ્ટિ તથા પદાર્થોનું જ્ઞાન હોય, જેઓ માનવસમાજની જાણકારી રાખતા હોય, જીવનનિર્માણના સિદ્ધાંતોને સમજતા હોય, આત્મવિદ્યા અને બ્રહ્મવિદ્યાથી પરિચિત હોય તેઓ વિદ્વાન કહેવાય છે. કોઈપણ વસ્તુના સાચા સ્વરૂપને જાણવું એને જ જ્ઞાન કહેવાય છે.
વિદ્યા અને અવિદ્યાના તફાવતને જાણનાર વિદ્વાન હોય છે. સંસાર, શરી૨ વગેરે ક્ષણિક પદાર્થોને જ કાયમી માનવા, જૂઠું બોલવું, ચોરી વગેરે અપવિત્ર કર્મોને પવિત્ર સમજવાં, વિષયસેવન વગેરે દુઃખોને સુખરૂપ માનવાં, શરીર અને જડ પદાર્થોને ચેતન માનવા એ અવિદ્યા છે. તેનાથી વિપરીત, બધા પદાર્થોની વાસ્તવિકતા, મૂળ ભાવનાના યથાર્થ સ્વરૂપનું ભાન હોવું એ જ વિદ્યા છે.
વિદ્યા અને જ્ઞાનનો સામાન્ય અર્થ ભાષાઓ, સામાજિક જ્ઞાન અને વિજ્ઞાન સંબંધી વિષયો છે. તેનો વિશેષ અભિપ્રાય આત્મવિદ્યા, બ્રહ્મવિદ્યા અને સમાધિ દ્વારા જડ તથા ચેતનના જ્ઞાન સાથે છે. જ્ઞાનનો અભિપ્રાય એ સૂત્ર અથવા વાક્ય સાથે પણ છે, જેના કારણે મનુષ્યના પતિત જીવનનો ઉદ્ધાર થઈ જાય છે અથવા સૂતેલો આત્મા જાગી ઊઠે છે. વિદ્યાધન જ બધાં ધનોમાં સર્વશ્રેષ્ઠ છે. વિદ્યા અને જ્ઞાનથી પરિપૂર્ણ માણસ જ વિદ્વાન કહેવાય છે. તપ આપણાં પાપોનો નાશ કરી નાખે છે અને વિદ્યા દ્વારા અમૃતપદ પ્રાપ્ત થાય છે.
આવા જ્ઞાની અને વિદ્વાન માણસોના સંપર્કથી હંમેશાં મનુષ્યમાં દાનશીલતા તથા અહિંસાની ભાવનાની અને જ્ઞાનની વૃદ્ધિ થાય છે. સત્સંગ હંમેશાં મનુષ્યનો ઉદ્ધાર કરે છે. સત્સંગથી મોટામાં મોટા પતિત માણસોએ પણ નારકીય જીવનમાંથી ઊંચા ઊઠીને સ્વર્ગીય જીવન પ્રાપ્ત કર્યાં છે. મહાપુરુષોનાં જીવન આવાં ઉદાહરણોથી ભરપૂર છે. અંગુલિમાલ અને આમ્રપાલીનું જીવન મહાત્મા બુદ્ધના સંગથી કેવી રીતે બદલાઈ ગયું એ આપણે જાણીએ છીએ. મહર્ષિ વાલ્મીકિનું પૂર્વ જીવન પાપમય હતું, પરંતુ સત્સંગે તેમને કેટલા ઉચ્ચ સ્તરના બનાવી દીધા કે ભગવાન રામે પણ દેવી સીતાને રહેવા માટે એમનો જ આશ્રમ પસંદ કર્યો.
શ્રેષ્ઠ અને વિદ્વાન વ્યક્તિઓનું એ કર્તવ્ય છે કે તેઓ પોતે મેળવેલા જ્ઞાનનો ઉપયોગ ફક્ત પોતાની સ્વાર્થપૂર્તિ માટે જ ન કરે, પરંતુ પોતાના સંપર્કમાં આવનારા બધા લોકોને તેનો લાભ આપે. જ્ઞાન આપવાથી ઘટતું નથી, વધે જ છે. એનાથી બંનેને લાભ થાય છે. દુર્ગુણોના નાશ અને સદ્ગુણોની વૃદ્ધિથી લોકોની વિવેકબુદ્ધિ જાગૃત થાય છે, જેનાથી વિદ્યા અને બળ વધે છે તથા મનુષ્ય સત્કર્મ કરતાં કરતાં દીર્ઘાયુને પ્રાપ્ત કરે છે.
જે માણસ પોતાના જ્ઞાન અને અનુભવનો લાભ બીજાઓને આપવામાં કંજૂસાઈ કરે છે તે પશુસમાન જ છે. તેનું સંચિત જ્ઞાન તેના પોતાના જ કામમાં આવતું નથી અને ધીરેધીરે તેની પ્રખરતા નષ્ટ થતી જાય છે. જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તેનો આખાય સમાજને લાભ આપવો તે મનુષ્યનો ધર્મ છે.
ચારિત્ર્યવાન વિદ્વાનોનું આ જ કર્તવ્ય છે.
પ્રતિભાવો