૧૦૭. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૬/૨૧/૧૨ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 7, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૬/૨૧/૧૨ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
સ નો બોધિ પુરએતા સુગેષૂત દુર્ગેષુ પથિકૃદ્વિદાનઃ | યે અશ્રમાસ ઉરવો વહિષ્ઠાસ્તેભિર્ન ઇન્દ્રાભિ વક્ષિ વાજમ્ ॥ (ઋગ્વેદ ૬/૨૧/૧૨)
ભાવાર્થ : જેઓ બધાનું મંગળ કરતા હોય, પોતે ધર્મના માર્ગ પર ચાલે અને બીજાઓને પણ સન્માર્ગ તરફ અગ્રેસર કરે તેઓ જ વિદ્વાન છે. આ વૃત્તિ સત્સંગથી જાગૃત થાય છે.
સંદેશ : વિદ્વાન તથા ધર્મનિષ્ઠ માણસોના સત્સંગથી મોટો લાભ થાય છે. સત્સંગનો મહિમા અપરંપાર છે. “સઠ સુરહિં સત સંગત પાઈ” અર્થાત્ સજ્જન પુરુષોનો સંગ મેળવીને મૂર્ખ પણ સુધરી જાય છે. કાળીદાસ કેટલો મોટો મૂર્ખ હતો. તે જે ડાળી પર બેઠો હતો તેને જ કાપી રહ્યો હતો. કેટલાક લોકોએ ખૂબ જ વિચિત્ર વિધિથી તેનાં લગ્ન વિદ્યોત્તમા નામની અદ્વિતીય વિદુષી સ્ત્રી સાથે કરાવી દીધાં. એક બાજુ મૂર્ખતાની પરાકાષ્ઠા, તો બીજી બાજુ વિદ્વત્તાનો ચરમ ઉત્કર્ષ, પરંતુ આ સત્સંગે કાળીદાસના હૃદયમાં વિદ્યાધ્યયનની ચાનક જગાડી દીધી અને અંતે તે સંસારના શ્રેષ્ઠતમ મહાકવિ બની ગયા. વિષયોના કીચડમાં ફસાયેલા તુલસીદાસ પણ પોતાની સ્ત્રીના સત્સંગથી જ મહત્મા તુલસીદાસ બન્યા હતા.
સત્સંગ દ્વારા કેટલાયે માણસોના જીવનની દિશા બદલાઈ છે. જીવનને મહાન અને દિવ્ય બનાવવાનું સર્વોત્તમ સાધન વિદ્વાનોનો સત્સંગ જ છે. કહ્યું છે કે –
ચન્દનં શીતલં લોકે, ચન્દનાદપિ ચંદ્રમા I ચંદનચંદ્રદ્ભયોર્મધ્યે શીતલા સાધુ સંગતિઃ ॥
અર્થાત્ ચંદન શીતળ છે, પરંતુ ચંદ્રમા ચંદનથી પણ શીતળ છે અને શ્રેષ્ઠ સાધુ, વિદ્વાન પુરુષોનો સંગ એ બંને કરતાં પણ શીતળ છે. વિદ્વાનોની પાસે જ્ઞાનનો ભંડાર અને અનુભવની ઊર્જા હોય છે. તેનાથી તેઓ કોઈને પણ પ્રાણવાન બનાવી શકે છે. તમામ પ્રકારની તકલીફોનું સમાધાન કરી શકવાનું સામર્થ્ય તેમનામાં હોય છે. તેઓ ધીર, ગંભીર અને સંયમી હોય છે તથા દરેક પ્રકારના સહયોગ અને સહકાર માટે તત્પર રહે છે. તેમનું એક મૃદુ સ્મિત જ મનુષ્યને દૈહિક, દૈવિક તથા ભૌતિક તાપોથી મુક્ત કરીને શાંતિ પહોંચાડવામાં સમર્થ હોય છે. તેમના સંસર્ગથી લાભ જ થાય છે.
આ રોગ તથા ભોગગ્રસ્ત સંસારમાં સાચા વિદ્વાનોનો સત્સંગ મળવો ઘણો જ મુશ્કેલ છે. દુષ્ટ, દુર્જન, ઢોંગી તથા બદમાશ માણસો પીળાં કપડાં પહેરીને, તિલક ચંદન લગાડીને લોકોને છેતરતા રહે છે. આવા માણસોનો કુસંગ પાપને વધારે છે, બુદ્ધિને મલિન કરી નાંખે છે, કીર્તિને નષ્ટ કરી દે છે, નીતિને હણે છે, અનીતિને વધારે છે અને ક્રોધને ઉગ્ર બનાવે છે. કુસંગતિથી મનુષ્યના લોક તથા પરલોક બંનેનો નાશ થાય છે.
બાવળના ઝાડની નીચે બેસવાથી કાંટા જ ભોંકાય છે એ જ રીતે દુષ્ટજનોની સંગતિથી તકલીફ થવી નિશ્ચિત જ છે. દુષ્ટ તથા દુરાચારી પ્રકૃતિના લોકોથી દૂર રહેવું જોઈએ. જેઓ નાસ્તિક છે, વેદ, ધર્મ અને ઈશ્વરના વિરોધી છે એવા માણસોની પાસે બેસવાથી આપણને ફક્ત કુવિચારો સિવાય બીજું શું પ્રાપ્ત થઈ શકે ? જો જીવનમાં કશુંક કરવું હોય, મહાન બનવું હોય તો આપણે સજ્જન, સદાચારી તથા વિદ્વાન લોકોનો જ સત્સંગ કરવો જોઈએ.
પ્રતિભાવો