૮૩. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૭/૩૧/૫ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 7, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૭/૩૧/૫ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
મા નો નિર્દે ચ વક્તનેડર્યો રનધીરરાવ્ણે । ત્વે અપિ ક્રતુર્મમ II (ઋગ્વેદ ૭/૩૧/૫)
ભાવાર્થ : હે મનુષ્યો ! તમે કદી કોઈને કડવાં વચનો કહેશો નહિ, કોઈની નિંદા ન કરતા, કૃતઘ્ની ન બનશો. દુઃખી લોકોને મદદ કરતા રહેજો. તમારું પ્રત્યેક શુભ કર્મ પરમેશ્વરને સમર્પિત થાઓ.
સંદેશ : મધુર વચનથી બધાને સુખ મળે છે. બધા પ્રસન્ન અને સંતુષ્ટ થાય છે, જ્યારે કડવાં વચન હૃદયમાં કાંટાની જેમ ભોંકાય છે અને તેનાથી અસહ્ય વેદના થાય છે. મીઠું બોલવું તે વશીકરણ મંત્ર છે, તેથી મનુષ્યે હંમેશાં મધુરભાષી બનવું જોઈએ. બધાની સાથે મધુર વ્યવહાર કરવાથી જ સર્વત્ર સુખશાંતિ અને ઉલ્લાસનું વાતાવરણ બને છે.
મધુર બોલવું તે કામધેનુ સમાન છે. એ બધી કામનાઓ પૂરી કરે છે, યશ અને કીર્તિને વધારે છે. ગમે તેટલા કઠોર હૃદયનો માણસ હોય, છતાં પ્યારના બે મીઠા બોલ સાંભળીને તે દરેક પ્રકારે સહયોગ આપવા માટે તૈયાર થઈ જાય છે. પ્રિયવચનો બોલવાથી સંસારમાં દરેક પ્રકારનું સુખ મળી જાય છે, પરંતુ તેનો અર્થ કોઈની ખુશામત ક૨વાનો નથી. પોતાની વાતને દઢતાથી કહેવાની સાથે મધુરતાનો પાલવ કદીય છોડવો ન જોઈએ. મધુર બોલવાથી મનુષ્યને જેટલું સુખ અને આનંદ પ્રાપ્ત થાય છે એટલો આનંદ શીતળ જળ કે ચંદનની શીતળ છાયા પણ આપી શકતી નથી. એટલા માટે હંમેશાં મીઠી વાણી બોલવી જોઈએ.
ઐસી બાની બોલીએ, મનકા આપા ખોય | ઔરનકો શીતલ કરે, આપહું શીતલ હોય ॥
પ્રભુએ આપણને વાણીની એક દૈવી કૃપા ભેટસ્વરૂપે આપી છે. તેઓ ઇચ્છતા નથી કે આપણે કદીય કઠોર શબ્દો બોલીએ. તેથી જ તેમણે જીભમાં હાડકાંનો ઉપયોગ કર્યો નથી. આ મીઠી વાણીથી આપણે સંસારને વશમાં કરીને મિત્ર સમાન બનાવી શકીએ છીએ. તુલસીદાસજીએ પણ આ જ શિખામણ આપી હતી
– તુલસી મીઠે વચનસે, સુખ ઉપજત ચહું ઓર । વશીકરણ એક મંત્ર હૈ, તજ દે વચન કઠોર ॥
કડવાં વચન ઘણાં જ અનર્થકારી હોય છે. મર્મભેદી બાણોથી મનુષ્યના હૃદયને એટલો બધો સંતાપ નથી થતો, જેટલો કઠોર વચનોથી થાય છે. શસ્ત્રનો ઘા તો રુઝાઈ જાય છે, પરંતુ કડવી વાણીના ઘા રુઝાતા નથી. કર્કશ અને તીખાં વેણ મનુષ્યના મર્મસ્થળને વીંધી નાખે છે, તેથી કડવી અને કર્કશ વાણી કદીય બોલવી ના જોઈએ.આંધળા, કાણા, લંગડા, લૂલા અને કુરૂપ પુરુષને એવા જ કહીને તેમની મજાક ન કરવી જોઈએ તથા એમના દિલને દુભાવવું ના જોઈએ. બીજાઓની નિંદા કરવી, તેમના દુર્ગુણોનો પ્રચાર કરવામાં આનંદ લેવો, જે આપણને મદદ કરે તેમના પ્રત્યે કૃતઘ્નતા પ્રદર્શિત કરવી એ પણ કડવાં વચનો સમાન જ મર્મભેદી હોય છે.
જો આપણે પરમાત્માની કૃપા પ્રાપ્ત કરવી હોય તો હંમેશાં શુભ કર્મો જ કરવાં જોઈએ. પરમાત્મા દુષ્ટ કર્મ કરનારનો નાશ કરે છે, પણ બીજી બાજુ સત્કર્મ કરનારાઓના પિતાતુલ્ય રક્ષક પણ છે. અયોગ્ય, વિરુદ્ધ તથા કડવી વાણી બોલનારાઓને તેઓ પોતાની શક્તિ વડે નષ્ટ કરી નાંખે છે. બીજાઓનાં છિદ્રો જોનાર, અશિષ્ટ, કપટી તથા કૃતઘ્ન વ્યક્તિને સમાજમાં ખરાબ દૃષ્ટિથી જોવામાં આવે છે. આવા માણસોનું આચરણ જ તેમના વિનાશનું કારણ બને છે.
મધુરવાણી મનુષ્યના ચારિત્ર્યનો શ્રેષ્ઠ ગુણ છે.
પ્રતિભાવો