૯૫. વેદોનો દિવ્ય સંદેશ – યજુર્વેદ – ૧૬/૩૨ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 7, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – યજુર્વેદ – ૧૬/૩૨ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
નમો જ્યેષ્ઠાય ચ કનિષ્ઠાય ચ નમઃ પૂર્વજાય ચાપરજાય ચ । નમો મધ્યમાય ચાપગલ્ભાય ચ નમો જઘન્યાય ચ બુધ્ન્યાય ચ | (યજુર્વેદ – ૧૬/૩૨)
ભાવાર્થ : ઊંચનીચ, નાનાંમોટાં, બધાં પરસ્પર મળતી વખતે ‘નમસ્તે’ કહીને એકબીજાનો આદર અને અભિવાદન કરતાં રહે. એનાથી પરસ્પરની પ્રસન્નતા અને તાલમેલનો વ્યવહાર વધે છે.
સંદેશ : કોની અંદર શું છે એનો પરિચય તેના વ્યવહારથી જાણી શકાય છે. જેની અંદર દુર્ભાવનાઓ, અહંકાર અને દુષ્ટતાનું આવરણ હશે તે બીજાઓની સાથે અભદ્રતાપૂર્ણ વ્યવહા૨ ક૨શે. તેની વાણીમાંથી કર્કશતા અને અસભ્યતા ટપકશે. તે બીજાઓ સાથે એવી રીતે બોલશે, જેમાંથી તેને નીચા દેખાડવાનો, ચીડવવાનો, તિરસ્કૃત કરવાનો અને મૂર્ખ સિદ્ધ કરવાનો ભાવ ટપકે છે. આવા લોકો કોઈના પર પોતાની મોટાઈની છાપ પાડી નથી શકતા, ઊલટા તેઓ ધૃણાસ્પદ અને દ્વેષના ભાગીદાર બનતા જાય છે. કટુવચન મર્મભેદી હોય છે. તે જેના ૫૨ છોડવામાં આવે છે તેને હચમચાવી મૂકે છે અને હંમેશને માટે શત્રુ બનાવી દે છે. કટુભાષી માણસ નિરંતર પોતાના શત્રુઓની સંખ્યા વધારતો જાય છે અને મિત્રોને ઘટાડતો રહે છે.
આપણે સંસારમાં રહેવાનું છે, તેથી યોગ્ય વ્યવહાર કરતાં પણ શીખવું જોઈએ. શ્રેષ્ઠ, ઉદાર અને સજ્જન પ્રકૃતિના મનુષ્યો હંમેશાં બીજાઓનો આદર કરે છે, દરેકને સન્માન આપે છે અને મીઠાશભર્યા શબ્દો બોલે છે. સજ્જનતાથી આપણે બીજાઓનો આદર મેળવી શકીએ છીએ, તેમને આપણા બનાવી શકીએ છીએ અને આવા જ શિષ્ટ વ્યવહારની આશા પણ રાખી શકીએ છીએ. સજ્જનતામાં જ મનુષ્યની મોટાઈ રહેલી છે અને તેનું પ્રમાણ મીઠાં વચન અને શિષ્ટ વ્યવહારથી જ મળી શકે છે.
માનવતાનું બીજું નામ જ સજ્જનતા છે. જેનામાં સજ્જનતા નથી તેને ન૨૫શુ જ કહેવો પડશે. સજ્જનતાનો પ્રારંભ મધુર ભાષણ અને વિનમ્ર તથા શિષ્ટ વ્યવહારથી થાય છે. નાનામોટા, ઊંચનીચ, બધાની સાથે શિષ્ટ વ્યવહાર કરવો જોઈએ. જ્યારે પણ કોઈને મળીએ અથવા કોઈ આપણને મળે ત્યારે પ્રસન્નતા વ્યક્ત કરીને, હસીને તેનું અભિવાદન કરવું જોઈએ. યોગ્ય અભિવાદન કરવું તે સામાન્ય શિષ્ટાચારનું અંગ છે. બંને હાથ જોડીને હૃદય સામે રાખવા તથા માથું નમાવીને નમસ્તે કરવાથી એ જાહેર થાય છે કે આપણે મન, બુદ્ધિ અને હૃદયથી તેમનું અભિવાદન કરી રહ્યા છીએ. એ પ્રમાણે પરસ્પર પ્રેમ, વિશ્વાસ અને આત્મીયતાની વૃદ્ધિ થાય છે. નાનાઓને પણ આપ અથવા તમે કહીને પ્રેમ તથા સ્નેહપૂર્વક તેમનું અભિવાદન કરીએ તો તે તેમના આત્મવિશ્વાસને વધારે છે. બીજાઓની ઉંમર, શિક્ષણ, ધન અથવા પદનો વિચાર કર્યા વગર એકબીજા પ્રત્યે નમ્રતા અને આદરભર્યો વ્યવહાર જ કરવો જોઈએ.
ધર્મરાજા યુધિષ્ઠિરે યુદ્ધના ક્ષેત્રમાં પણ સર્વપ્રથમ કૌરવપક્ષમાં જઈને ભીષ્મપિતામહ, દ્રોણ, કૃપાચાર્ય વગેરેનું અભિવાદન કર્યું હતું અને ત્યાર પછી જ તેમની સાથે યુદ્ધ પ્રારંભ કર્યું. આપણે હંમેશાં આપણાથી મોટાઓનું સન્માન કરવું જોઈએ. મહાભારતનું જ વચન છે
અભિવાદનશીલસ્ય નિત્યવૃદ્ધોપસેવિનઃ । ચત્વાર તસ્વ વર્ધન્તે આયુર્વિદ્યા યશોબલમ્ ॥
અર્થાત્ પોતાના પૂજ્ય વડીલોને આદરમાન આપનારની ઉંમર, વિદ્યા, યશ તથા બળ ચારેય નિરંતર વધે છે.
પ્રતિભાવો