૮૬. વેદોનો દિવ્ય સંદેશ – યજુર્વેદ ૧૮/૫ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 7, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – યજુર્વેદ ૧૮/૫ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
સત્યં ચ મે શ્રદ્ધા ચ મે જગચ્ચ મે ધનં ચ મે વિશ્વં ચ મે મહશ્ચ મે ક્રીડા ચ મે મોદશ્ચ મે જાતં ચ મે જનિષ્યમાણં ચ મે સૂક્તં ચ મે સુકૃતં ચ મે યજ્ઞેન કલ્પન્તામ્ (યજુર્વેદ ૧૮/૫)
ભાવાર્થ : હું એવાં કર્મો કરું કે જેથી મારું સત્ય, શ્રદ્ધા, મિત્રતા, ધન, વિશાળતા, ક્રીડા, વિનોદ, વચન અને શુભ કર્મો સમુન્નત થાય.
સંદેશ : આપણું કેટલું સૌભાગ્ય છે કે આપણને આ દેવોને દુર્લભ માનવશરીર મળ્યું છે, પરંતુ આપણું કેટલું દુર્ભાગ્ય પણ છે કે આપણે તેને પેટપ્રજનનની પશુપ્રવૃત્તિઓમાં જ નષ્ટ કરી નાંખીએ છીએ. જીવનના સદુપયોગની સમસ્યા આપણી સૌથી મોટી અને મહત્ત્વપૂર્ણ સમસ્યા છે. તેનું યોગ્ય સમાધાન કરવું એ જ દીર્ઘદૃષ્ટિ છે. દીર્ઘદૃષ્ટિના અભાવમાં આપણા માટે આપણા જીવનલક્ષ્યને પ્રાપ્ત કરવાની અને ઈશ્વરની ઇચ્છાને પૂરી કરવાની કોઈ શક્યતા નહિ રહે.
ઈશ્વરે આપણને જે શક્તિભંડાર આપ્યો છે, જે પ્રતિભા, ક્ષમતા, યોગ્યતા અને વિવેકબુદ્ધિ આપી છે, તે શું ફક્ત આપણા શરીર અને કુટુંબના નિર્વાહ માટે જ છે ? જો આપણે આપણી શક્તિઓને ઓળખીએ તો ખાતરી થશે કે આપણી જરૂરિયાતો પૂરી કર્યા પછી આપણી પાસે કેટલો બધો સમય, ધન તથા બળ બચે છે. તેમનો આપણે સદુપયોગ જ ક૨તા નથી, પરંતુ ઊલટો દુરુપયોગ કરતા રહીને પતનની ખાઈમાં પડતા જઈએ છીએ. વેપાર અથવા કાર્યાલયોમાં મનુષ્યને વધારેમાં વધારે દસ કલાક જ ગાળવાના હોય છે. છસાત કલાક સૂવામાં તથા ત્રણચાર કલાક નિત્યકર્મ, ભોજન વગેરે માટે જોઈએ. ત્યારપછી પણ રોજના ચાર કલાક બચે છે. તેનો કેટલો અને કેવો ઉપયોગ કરીએ છીએ તેના વિશે પણ કોઈવાર વિચાર કરવો જોઈએ.
આપણે આપણી આધ્યાત્મિક પ્રગતિ તરફ પણ ધ્યાન આપવું જોઈએ. સંસારને ભગવાનનું વિરાટ રૂપ માની તેને હજી વધારે સુગંધિત અને સુવિકસિત બનાવવા માટે પોતાના નિર્વાહમાંથી બચેલી બધી શક્તિ ખર્ચી નાખવી જોઈએ. આ ત્યારે જ શક્ય બનશે કે જ્યારે આપણે આપણા દોષદુર્ગુણો, દુષ્પ્રવૃત્તિઓ, કુવિચારો અને કુસંસ્કારોને શોધીને તેમનો નાશ કરવા માટે પ્રબળ પુરુષાર્થ કરીએ. સાથે સાથે ગુણ, કર્મ, સ્વભાવ તથા આદર્શવાદિતાનો આપણા ચારિત્ર્યમાં વધારેમાં વધારે સમાવેશ કરતા રહી પૂર્ણતા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરીએ. લોકમંગળ તથા પરમાર્થને જ સાચી ઈશ્વરપૂજા માનીએ અને ચારે બાજુએ ફેલાયેલ પછાતપણું, અજ્ઞાન તથા અનાચારનો નાશ કરવા માટે જે પણ તકલીફો સહન કરવી પડે તેને ઉચ્ચ કોટિની તપશ્ચર્યા સમજીએ. આ વાતો પર આપણે જેટલું ધ્યાન આપીશું તેટલા જ પ્રમાણમાં આપણી આત્મિક પ્રગતિ થશે અને આત્મશક્તિની વૃદ્ધિ થશે. આપણે આપણા અંતઃકરણમાં બેઠેલા ભગવાનના અવાજને પણ સાંભળવો જોઈએ અને તેમના નિર્દેશ અનુસાર કેટલાંક કર્તવ્યો નક્કી કરવાં જોઈએ. નહિ તો આત્માના હિતની ઉપેક્ષા કરીને આપણી બધી જ શક્તિ કાયા-માયા પાછળ ખર્ચી નાખવાની ટેવ અંતે તો મૂર્ખતાપૂર્ણ જ સાબિત થશે અને મોંઘી પડશે.
આ પ્રમાણે શુભ કર્મોમાં આપણી જાતને પ્રવૃત્ત કરવી એ જ જીવનની સાર્થકતા છે. મન, વચન અને કર્મથી સદૈવ શુભ જ વિચારીએ, શુભ જ જોઈએ, શુભ જ બોલીએ અને શુભ જ કરીએ. ચારેબાજુ પવિત્રતાનું વાતાવરણ બનાવીએ અને આપણી બધી ઇન્દ્રિયોને શુભ કર્મોમાં વાળી દઈને ઉન્નતિના પથ પર આગળ વધતા રહીએ.
ચારિત્ર્યવાન માણસ આ પ્રકારના આદર્શ જીવનને અપનાવીને યશસ્વી બને છે.
પ્રતિભાવો