૯૬. વેદોનો દિવ્ય સંદેશ – યજુર્વેદ – ૧૯/૩૦ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 7, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – યજુર્વેદ – ૧૯/૩૦ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
વ્રતેન દિક્ષામાપ્નોતિ દિક્ષયાપ્નોતિ દક્ષિણામ્ । દક્ષિણા શ્રદ્ધામાપ્નોતિ શ્રદ્ધયા સત્યમાપ્યતે |(યજુર્વેદ – ૧૯/૩૦)
ભાવાર્થઃ વ્રત ધારણ કરવાથી મનુષ્યને શ્રેષ્ઠ અધિકાર તથા યોગ્યતાની પ્રાપ્તિ થાય છે. તેનાથી મનુષ્યોનો આદરસત્કાર વધી જાય છે. સન્માન પ્રાપ્ત થવાથી સત્કર્મો પ્રત્યે શ્રદ્ધા અને વિશ્વાસ ઉત્પન્ન થાય છે.
સંદેશઃ સંસારમાં બધા વિદ્વાનો, વિચારકો, સંતો તથા મહાત્માઓએ સત્યના અપાર મહિમાનાં વખાણ કર્યાં છે. સત્ય જ ધર્મ, તપ, યોગ અને સનાતન બ્રહ્મ છે. સત્યનું આચરણ જ શ્રેષ્ઠ યજ્ઞ છે. સમગ્ર વિશ્વ સત્ય પર આધારિત છે, ધર્મ પણ સત્યના પાયા પર સ્થપાયેલો છે. સામાજિક, આર્થિક, રાજનૈતિક, શૈક્ષણિક કોઈ પણ ક્ષેત્રમાં સત્ય આચરણ કે વગર પ્રગતિ શક્ય નથી. સત્યની મૃદુતા એવી છે કે આંખની કીકી પર ઘસવાથી પણ તે ભોંકાતું નથી, પરંતુ તેની કઠોરતા એવી છે કે તે પહાડને કોરીને પણ બહાર આવી જાય છે. સત્યનો જ સર્વત્ર વિજય થાય છે. “સત્યમેવ જયતે” સત્ય એટલે સર્વશક્તિમાન ૫રમાત્મા. સત્યના આચરણથી જ પરમ સત્યરૂપ પરમાત્મા પ્રાપ્ત થાય છે.
સંસારની બધી શક્તિઓનું કેન્દ્ર જો મેળવવું હોય તો આપણે સત્યનો આશરો લેવો પડશે, સત્યની ઉપાસના કરવી પડશે, ઉગ્ર તપસ્યા કરવી પડશે અને બધી તુચ્છ વાતોનો ત્યાગ કરવો પડશે.સત્યને જાણવાની, સમજવાની અને મેળવવાની જ્યારે લગની લાગે છે, મનમાં વ્યાકુળતા થાય છે ત્યારે જ સત્યની પ્રાપ્તિ થાય છે. સત્યને મેળવવા માટે વ્રત, જ દીક્ષા, દક્ષિણા અને શ્રદ્ધાનાં ચાર સોપાનોને પાર કરવાં પડે છે.
વ્રત શું છે ? અવગુણોને છોડીને સદ્ગુણોને ધારણ કરવાનું નામ જ વ્રત છે. પાપમાંથી નિવૃત્ત થઈ સદ્ગુણોને ધારણ કરવા તે જ ઉપવાસ છે. ભૂખ્યા રહીને શરીરને સૂકવવાનું નામ ઉપવાસ નથી. વ્રતનો અર્થ છે એવા આચાર, વિચાર, વ્યવાર તથા શુભ સંકલ્પ, જેમનો આપણા જીવનને શુદ્ધ, પવિત્ર, ઉચ્ચ અને મહાન બનાવવા માટે સ્વીકાર કરવામાં આવે છે. આપણે વ્યસનોને ત્યાગીને સદાચારી બનવાનું, પરોપકારનું અને દેશસેવાનું વ્રત લેવું જોઈએ. આ પ્રકારનાં સાચાં વ્રતોને જીવનમાં ધારણ કરવાથી જીવન ઉન્નત બનશે.
આ પ્રમાણે વ્રતોને જાણવા અને યથાશક્તિ પાલન કરવાની પ્રવૃત્તિ આપણને જલદીથી દીક્ષાને પાત્ર બનાવી દેશે. દીક્ષિત થઈ જવું અર્થાત્ સભ્ય લોકોના સામ્રાજ્યમાં ઘૂસવાનું લાઈસન્સ મેળવી લેવું અને સત્યના દરબારમાં પહોંચવાના અધિકારી થઈ જવું. સત્યના વાતાવરણમાં સત્યપ્રેમી સાથીદારો સાથે રહેવાથી સત્યની શોધ કરવાની અને તે અનુસાર તેનું આચરણ કરવાની સહજતા આવી જાય છે. સહયોગીઓના અનુભવનો લાભ પણ મળે છે.
દીક્ષા પછી દક્ષિણા આવે છે. સત્યના પાલનથી એ વાત આપણે પોતે અનુભવી શકીએ છીએ કે આપણું આત્મબળ વધી રહ્યું છે, તેજ તથા ઓજ વધી રહ્યાં છે, આપણે ઉન્નતિના માર્ગે આગળ વધી રહ્યા છીએ. સમાજ પણ આપણી દક્ષતા અને પ્રગતિનો સ્વીકાર કરીને પ્રતિષ્ઠાની દક્ષિણા આપે છે. આપણી આ ચતુર્મુખી પ્રગતિ જ દક્ષિણા છે.
અંતમાં વ્રત, દીક્ષા તથા દક્ષિણાના પ્રભાવથી સત્ય પ્રત્યે અતૂટ શ્રદ્ધાનું જાગરણ થાય છે. ત્યાર પછી તો તીવ્ર ગતિથી પ્રગતિ થાય છે, માર્ગની બધી તકલીફોનો પોતાની જાતે જ નાશ થઈ જાય છે.
સત્ય આચરણ જ આપણા ચારિત્ર્યની પ્રાણશક્તિ છે.
પ્રતિભાવો