૧૦૮. વેદોનો દિવ્ય સંદેશ – યજુર્વેદ ૨૯/૩૭ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 7, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – યજુર્વેદ ૨૯/૩૭ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
કેતું કૃણ્વન્નકેતવે પેશો મર્યાડઅપેશસે । સમુષદ્રિભરજાયથા: II (યજુર્વેદ ૨૯/૩૭, ઋગ્વેદ ૧/૬/૩, સામવેદ ૧૪૭૦, અથર્વવેદ ૨૦/૩૯/૧૧)
ભાવાર્થ : જે પુરુષ પોતાની જેમ જ બીજાઓને પણ સુખી જોવાની કામના રાખે છે તેમની પાસે રહેવાથી વિદ્યા પ્રાપ્ત થાય છે અને અજ્ઞાનનો અંધકાર દૂર થાય છે, ધન પ્રાપ્ત થાય છે અને દરિદ્રતાનો નાશ થાય છે. તેથી આપણે બધા આત્મદર્શી મહાપુરુષોની નજીક રહીએ.
સંદેશ : આત્મદર્શી પુરુષો તો આજે કયાંય દેખાતા નથી. જેને જુઓ તે આત્માને ભૂલીને ફક્ત પોતાના શરીરની પૂજા કરવામાં જ વ્યસ્ત છે. હંમેશાં તેને શણગારવામાં, ઇન્દ્રિયોની લાલસા તથા કામનાઓને પૂરી કરવાની વેતરણમાં જ લાગેલો રહે છે, પરંતુ આ શરીર છે શું ? એવા શરીરમાં અને મૃત્યુ પછી તેના મડદામાં શો ફરક છે ? કશોય નથી. શરીરની જીવંતતા શેનાથી છે ? જ્યાં સુધી એમાં આત્માની ચેતના છે ત્યાં સુધી શરીરની સાર્થકતા છે, નહિતર એ શબ છે. પછી એમાં શું રહી જાય છે ? ન જ્ઞાન, ન રૂપ, ન ભાવના કે ન કોઈ સંવેદના. તેને તો અડકવા માત્રથી જ મનુષ્ય અપવિત્ર થઈ જાય છે.
પરમપિતા પરમાત્માનો જ અંશ એવો આત્મા જ્યાં સુધી આ મરણશીલ, અરૂપ તથા અસુંદર શરીરમાં રહે છે ત્યાં સુધી જ તેને રૂપસૌંદર્યની આભા બક્ષે છે. જ્ઞાનરહિત અવસ્થાવાળા આ શરીરમાં તે જ્ઞાન અને જીવન લાવે છે. પરમાત્મા પોતાની બધી જ શક્તિઓની સાથે ચેતનાના રૂપમાં આ શરીરમાં નિવાસ કરે છે. તેમનો સમાવેશ થયેલો હોવાના કારણે તેમના સ્પર્શથી જ આ શરીર પવિત્ર રહે છે. તે પરમેશ્વરનું કેટલું અદ્ભુત માહત્મ્ય છે ! અજ્ઞાનરૂપી અંધકારમાં ભટકતો મનુષ્ય એ પરમ સત્યને સમજી જ શકતો નથી. તેને સમજી લે તેવા આત્મદર્શી પુરુષો વિરલા જ હોય છે. ઓછા ભલે હોય, છતાં પણ આવા પુરુષો આજે પણ જોવા મળે છે. તેમને શોધવાનો જે પ્રયત્ન કરે છે તેમને જ તેમાં સફળતા મળે છે, પરંતુ જેઓ તેનો પ્રયત્ન નથી કરતા અને હાથ પર હાથ રાખીને બેસી રહે છે તેઓ સામે આવવા છતાં મહાપુરુષોને ઓળખી શકતા નથી.
આવા મહાપુરુષોનો સત્સંગ પારસ પથ્થરની જેમ જીવનને સોના જેવું ચમકદાર બનાવી દે છે, અવિઘાના અંધારામાંથી બહાર કાઢીને વિદ્યાના સોનેરી પ્રકાશમાં પહોંચાડી દે છે, જીવનની સાર્થકતા અને ઉપયોગિતાનું જ્ઞાન કરાવી દે છે. આનાથી જીવનના ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવામાં આશાજનક પ્રગતિ થવા લાગે છે. દોષ, દુર્ગુણો અને કુવિચારોનાં ઝાડીઝાંખરા મનમાં આડેધડ વધતાં નથી. તે માનસિક શક્તિ તથા આત્મબળના તેજની ગરમીથી સુકાઈ જાય છે. તેમની જગ્યાએ સદ્ગુણો અને સત્પ્રવૃત્તિઓનાં સુંદર સુગંધિત પુષ્પો ખીલવાથી મનના બગીચામાં આનંદ તથા પ્રફુલ્લતા ભરાઈ જાય છે. ગુણ, કર્મ અને સ્વભાવમાં શ્રેષ્ઠતા અને આદર્શવાદનો સમાવેશ થવાથી માનવમાં આ સંસારને, ભગવાનના આ વિરાટ રૂપને હજી વધારે સુરભિત, સુગંધિત તથા સુવિકસિત કરવાના ઉમંગો પેદા થાય છે. લોકમંગળ માટે, પરમાર્થ માટે, સમાજમાં ફેલાયેલ અજ્ઞાન, અનાચાર અને પછાતપણાને દૂર કરવા માટે પછી તે પોતાની બધી ક્ષમતા અને પ્રતિભાનો ઉપયોગ હસતાં હસતાં કરવા માંડે છે.
સત્સંગના પ્રભાવથી આખો સમાજ સ્વર્ગ બની જાય છે.
પ્રતિભાવો