૧૦૪. વેદોનો દિવ્ય સંદેશ – યજુર્વેદ ૩૫/૧૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 7, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – યજુર્વેદ ૩૫/૧૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
અપાધમપ કિલ્વિષમપ કૃત્યામપો ૨૫: । અપામાર્ગ ત્વમસ્મદપ દુઃષ્વપ્ન્ય ગુમ્ સુવ ॥ (યજુર્વેદ ૩૫/૧૧)
ભાવાર્થ : જે મનુષ્ય પોતાના આચરણને શુદ્ધ બનાવે છે અને બીજાઓને શુદ્ધ બનાવે છે તેમનું આપણને સામીપ્ય મળે કે જેથી મનની મલિનતા અને દુષ્ટ પાપનો નાશ થાય.
સંદેશ : અગ્નિથી અગ્નિ સળગે છે, જીવનથી જીવન પ્રકાશિત થાય છે, પ્રીતિથી પ્રીતિ વધે છે અને વેરથી વેર વધે છે. કાચંડાને જોઈને કાચંડો રંગ બદલે છે.
જો આપણે બીજાઓનું નિર્માણ કરવા માગતા હોઈએ તો પહેલાં આપણા જીવનમાં ક્રાંતિ લાવવી પડશે, આપણી જાતે લોહચુંબક બનવું પડશે, આપણા જીવનમાં વિશેષતા ઉત્પન્ન કરવી પડશે. ત્યારે જ બીજાઓનો સુધાર અને ઉદ્ધાર થઈ શકશે. એક સળગતો દીપક હજારોલાખો દીવાઓને સળગાવી શકે છે, પણ લાખો ઓલવાઈ ગયેલા દીપકો ભેગા થઈને એક દીપકને પણ પ્રગટાવી શકતા નથી. એક મહાપુરુષ, જેનામાં જીવનજ્યોતિ છે તે લાખોને જીવનજ્યોતિ ભેટમાં આપી શકે છે, તેમને સન્માર્ગ પર લાવી શકે છે, તેમના જીવનમાં નવજ્યોતિ પ્રગટાવી શકે છે.
જે વ્યક્તિ પોતે શાંત નથી તે બીજાઓને કેવી રીતે શાંતિ આપી શકે ? જે સ્વયં અજ્ઞાની છે તે બીજાઓને જ્ઞાનવાન કેવી રીતે બનાવી શકે ? જે પોતે જ તરવાનું જાણતો નથી તે બીજાઓને તરવાનું કેવી રીતે શીખવી શકે ? જે સ્વયં, આળસુ અને પ્રમાદી છે તથા બકવાસ કરે છે તે બીજાઓને સ્ફૂર્તિવાળા અને મિતભાષી કેવી રીતે બનાવી શકે ? બીજાઓને શાંતિ આપતા પહેલાં આપણે સ્વયં શાંત બનવું પડશે. બીજાઓને જ્ઞાનવાન અને સરિત્રવાળા બનાવતાં પહેલાં પોતે જ્ઞાનવાન અને સદાચારી બનવું પડશે. મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ, યોગીરાજ શ્રીકૃષ્ણ, સ્વામી વિવેકાનંદ, મહર્ષિ દયાનંદ વગેરેની જેમ પહેલાં આપણે પોતે પ્રકાશવાન બનીએ, તો પતંગિયાંઓ પોતાની મેળે જ આવી જશે. આપણે શક્તિ અને આકર્ષણનું કેન્દ્ર બનીએ તો લોકો સ્વયં આપણી તરફ ખેંચાશે. જ્યારે પુષ્પ ખીલે છે ત્યારે મધમાખીઓ સ્વયં આવી જાય છે અને પરાગરજ લઈ જાય છે.
મનુષ્ય પોતાના આચરણમાં સદ્ગુણોનો સમાવેશ કરીને તેને શુદ્ધ, પવિત્ર અને સુગંધિત બનાવવું જોઈએ. આપણા જીવનને સવિતાની પ્રખરતાથી ઓતપ્રોત કરી દઈએ. આળસ અને પ્રમાદનો ત્યાગ કરીને જીવનમાં નિયમિતતા ધારણ કરીએ. સેવા, સદાચાર, સુશીલતા અને સજ્જનતા દ્વારા સૂર્યની જેમ આપણી જાતને આકર્ષણનું કેન્દ્ર બનાવીએ. સ્વયં તેજસ્વી, વર્ચસ્વી અને ઓજસ્વી બનીએ. એવા માણસોના સંપર્કમાં આવવાથી સમાજમાં અનેક લોકો સન્માર્ગે ચાલવા લાગે છે. તેમના દુર્ગુણોનો નાશ અને સદ્ગુણોની વૃદ્ધિ થાય છે.
સ્વયં કુમાર્ગેથી પાછા વળીને પ્રકાશિત તથા ઉદાર બને, સ્વયં ઊંચા ઊઠો ત્યારે જ જીવનથી જીવન પ્રકાશવાન થાય છે, દીપથી દીપ સળગે છે. આવા જ્ઞાની માણસો જ સમાજમાં યશ મેળવે છે. તેમના સંપર્કમાં આવનારા માણસો પર પણ તેમના સદ્ગુણોનો પ્રભાવ પડે છે. ફળસ્વરૂપે દોષદુર્ગુણોનો પણ નાશ થાય છે. એક માછલી આખાયે તળાવને ગંદું કરી નાંખે છે તો એક સત્પુરુષ પોતાના સત્ય આચરણની સુગંધથી સમાજને સુવિકસિત કરવાની ક્ષમતા ધરાવે છે. તેમનું તેજ તથા ઓજ બધાને શક્તિ તથા ઊર્જા બક્ષે છે.
સદ્ગુણી વ્યક્તિઓનો સંપર્ક ચારિત્ર્યનિમાર્ણમાં મદદરૂપ થાય છે.
પ્રતિભાવો