૧૧૬. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૭/૫૨/૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 8, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૭/૫૨/૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
આદિત્યાસો અદિતયઃ સ્યામ પૂર્દેવત્રા વસવો મર્ત્યત્રા । સનેમ મિત્રાવરુણા સનન્તો ભવેમ ધાવાપૃથિવી ભવન્તઃ II (ઋગ્વેદ ૭/૫૨/૧)
ભાવાર્થ : માણસે હંમેશાં વિદ્વાનોના સંપર્કમાં રહેવું જોઈએ. સત્ય તથા અસત્યનો વિવેકભાવ જાગૃત રાખવો જોઈએ. સૂર્ય અને પૃથ્વીની જેમ પરોપકારી અને પ્રાણ તથા ઉદાનની જેમ કલ્યાણ કરનારો માણસ જ મહાનતાનો અધિકારી બની શકે છે.
સંદેશ : માનવજીવનનાં કામકાજ ઘણાં જ વિચિત્ર છે. માણસ મનથી જે ચિંતન કરે છે તેને વાણી દ્વારા બોલે છે, જે વાણીથી કહે છે તેને શરીર દ્વારા કરે છે, જે શરીરથી કરે છે તેનું ફળ તેને મળે છે. જો માણસ સારા ફળની આશા રાખે તો સારાં કર્મો કરવાં જોઈએ. જો સારાં કર્મો કરવા માગે તો પોતાની વાણીથી સારા શબ્દોનું ઉચ્ચારણ કરવું જોઈએ. જો તે ઇચ્છતો હોય કે પોતાની વાણીમાંથી સારા શબ્દો જ નીકળે, તો તેણે પોતાનું માનસિક ચિંતન સુધારવું જોઈએ, પોતાની માનસિક પ્રવૃત્તિઓને શુદ્ધ કરવી જોઈએ. માણસે પોતાના શરીરના નિયંત્રણની ચિંતા ન કરવી જોઈએ. શરીરના નિયંત્રણનો આધાર વાણીના નિયંત્રણ પર રહેલો છે અને વાણીનું નિયંત્રણ મનના નિયંત્રણ પર આધારિત છે. તેથી સૌથી મોટી સાધના મનના નિયંત્રણની છે. મનમાં જેવું ચિંતન ચાલે છે તેવું જ કાર્ય વાણી અને શરીર કરે છે.
તેથી આપણે એવી માનસિક વૃત્તિઓ રાખવી જોઈએ કે જેના દ્વારા માણસની માનવતાને પારખી શકાય. સમગ્ર નૈતિકતા માનવતા શબ્દની અંતર્ગત આવી જાય છે. નૈતિક્તાનું ક્ષેત્ર ઘણું વિશાળ છે. તેથી માનવતાને ધારણ કરવા માટે આપણે આપણી માનસિક વૃત્તિઓને શુદ્ધ કરવી પડશે.
સંસારમાં જેટલાં પણ જળચર, ખેચર અને ભૂચર પ્રાણીઓ છે તે બધાં પોતાના ભોજન અને પ્રજનનનાં કાર્યોમાં જ રોકાયેલાં રહે છે. સર્વશ્રેષ્ઠ પ્રાણી એવા મનુષ્યોમાંથી મોટાભાગના આ પ્રકારનું જીવન જીવતા જોવા મળે છે. તો પછી માણસ અને પશુમાં શો ફરક છે ? આ પશુપ્રવૃત્તિઓ ફક્ત અભણ માણસોમાં જ હોય એવું નથી, પરંતુ ભણેલાગણેલા, સભ્ય સમાજના લોકો પણ વ્યસની હોય છે. સત્ય અસત્યનું, યોગ્ય-અયોગ્યનું, મર્યાદા અને સંયમનું કશુંય ધ્યાન રાખતા નથી. ફક્ત પોતાનાં ઇન્દ્રિયસુખો માટે, લોભલાલચની પૂર્તિ માટે, પુત્રૈષણા, વિતૈષણા અને લોકૈષણા માટે તેઓ કોઈ પણ હલકું કાર્ય કરી શકે છે. પાપનો તેમને ભય નથી, ઈશ્વર દ્વારા મળતા કર્મફળની વ્યવસ્થા પર વિશ્વાસ નથી, માનસિક ચિંતન પર કોઈ પણ પ્રકારનું નિયંત્રણ નથી, તો પછી જીવનમાં સુખશાંતિનું વાતાવરણ કેવી રીતે બને? આત્મિક ઉન્નતિ કેવી રીતે થાય?
આપણે હંમેશાં જ્ઞાની અને વિદ્વાન પુરુષોના સંપર્કમાં રહેવું જોઈએ અને પોતાની વિવેકબુદ્ધિનો વિકાસ કરવો જોઈએ. જેવી રીતે સૂર્ય અને પૃથ્વી નિરંતર પ્રાણીમાત્રના કલ્યાણનાં કાર્યો કરતાં રહે છે, તેમાં તેમનો પોતાનો કોઈ સ્વાર્થ હોતો નથી, એ જ રીતે આપણે પણ યોગ્ય અને અયોગ્યનો વિચાર કરીને પ્રાણીમાત્રની ભલાઈનાં કાર્યોમાં જ આપણા જીવનનો ઉપયોગ કરવો જોઈએ. આમ કરવાથી કુવિચારો અને કુસંસ્કારો આપણી ઉપર છવાઈ શકતા નથી. માણસની માનવતા આમાં જ છે.
પ્રતિભાવો