૧૩૧. વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૧/૧૬/૪ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 8, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૧/૧૬/૪ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
યદિ નો ગાં હંસિયઘશ્ચં યદિ પૂરુષમ્ I તં ત્વા સીસેન વિધ્યામો યથા નોડસો અવીરહા । (અથર્વવેદ ૧/૧૬/૪)
ભાવાર્થ : જે આપણી ગાય વગેરે પશુધનને નષ્ટ કરે છે તે દંડનીય છે અર્થાત્ જે માનવીય હિતોની અવગણના કરે તેનો વીરતાપૂર્વક વિરોધ કરવો જોઈએ.
સંદેશ : ભારતમાં ગાયને સર્વશ્રેષ્ઠ સંપત્તિ માનવામાં આવી છે. પ્રભુએ દુગ્ધાદિ બધા જ પદાર્થો ગાયમાં જ એકત્ર કર્યા છે. ગાયોમાંથી દૂધ, દહીં, ઘી જેવા સ્વાદિષ્ટ પદાર્થો તો મળે જ છે, પરંતુ તેનાં છાણસૂત્ર પણ જમીનને એવી શક્તિ આપે છે કે જેનાથી આપણને પૌષ્ટિક વનસ્પતિઓ અને ઔષધિઓ પ્રાપ્ત થાય છે. ગાયથી બળ, પોષણ, શાંતિ, ઐશ્વર્ય તથા દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થાય છે. આપણા શારીરિક, માનસિક, આત્મિક અને બૌદ્ધિક વિકાસમાં ગાયનું સૌથી વધારે મહત્ત્વ છે.
ગાય, ઘોડા વગેરે પશુધન આપણા વેપાર અને ખેતીની કરોડરજ્જુ છે. ગાય માનવીય હિતોનું પ્રતીક છે. જે દુષ્ટ આત્મા પશુધનને નુકસાન પહોંચાડે છે અથવા માનવજીવનની સફળતાના માર્ગમાં વિઘ્નો પેદા કરે છે તે સમાજનો સૌથી મોટો દુશ્મન છે. આવા માણસોનાં અનીતિપૂર્ણ કાર્યોનો ખૂબ જ હિંમતથી વિરોધ કરવો જોઈએ.
અનીતિ ફેલાય છે તેનું કારણ એ છે કે તેને રોકવામાં આવતી નથી. સહેલાઈથી જેને રસ્તો મળે તે આગળ ને આગળ વધતો જ જાય છે. સારું હોય કે નરસું, બધાની એક જ રીતિ છે. અવરોધ અનીતિને રોકે છે અને સાફસુથરો માર્ગ મળે તો તે નિરંતર વધતી જ જાય છે. અનીતિથી સાવધાન રહેવાનું, અન્યાયને રોકવાનું અને પોતાની સુરક્ષા પર ધ્યાન આપવાનું ખૂબ જ જરૂરી છે, નહિતર બધું જ ધૂળધાણી થઈ જશે. જેઓ તેમનો વિરોધ નથી કરતા તેઓ વગર મોતે મરે છે.
ભગવાનની આ દુનિયામાં પુણ્ય અને સહયોગ ખૂબ છે. જો તે ન હોત તો અહીંયાં જીવવું પણ અશક્ય થઈ જાત, પરંતુ સાથેસાથે અન્યાય પણ ઓછો નથી . આ બધું એટલા માટે છે કે આપણે સતર્ક અને સંઘર્ષશીલ બનીએ. આ બંને ગુણ માનવીય પ્રગતિ માટે ઘણા જ જરૂરી છે. જે સતર્ક નથી, સાવધાન નથી, બેદરકારી રાખે છે, તે અવશ્ય કોઈ પણ આક્રમણનો શિકાર બનશે અને ખોટમાં રહેશે. જેઓ પોતાના બચાવ અને સુરક્ષાનું ધ્યાન નથી રાખતા તેઓ ગમે ત્યારે દુષ્ટતાના આક્રમણનો શિકાર બનશે. દૂરદર્શી માણસો આ પ્રકારની બેદરકારી રાખતા નથી.
પ્રકૃતિ ઇચ્છે છે કે દરેક માણસ સજાગ અને સતર્ક રહે. ઈશ્વરે આપણને અપાર શક્તિ આપી છે. આપણે કોઈની સાથે અનીતિ નથી ક૨વાની અને અનીતિનો શિકાર પણ નથી બનવાનું. આપણી અસાવધાની જ બીજાઓને એનો અયોગ્ય લાભ ઉઠાવવા માટે લલચાવે છે. આપણી દુર્બળતા જ દુષ્ટ દુરાચારીઓને પોતાનો ખેલ ખેલવા માટે પ્રોત્સાહન આપે છે. સંસારમાં સજ્જનતા ઘણી છે, પરંતુ દુર્જનતા પણ તેનાથી કાંઈ ઓછી નથી. દેવત્વ કરતાં અસુરતાનું પલ્લું ભારે જ છે. વર્તમાન સમયમાં તો દુષ્ટતા અને દુર્જનતા ચરમસીમા પર પહોંચી ગઈ છે.
વિપત્તિઓથી બચવું યોગ્ય છે, પરંતુ જ્યારે તે સામી આવી જાય ત્યારે એટલી હિંમત રાખવી જોઈએ કે જેથી બહાદુર યોદ્ધાની જેમ વગર ગભરાયે ધૈર્ય, સાહસ, વિવેક અને પુરુષાર્થથી તેમની સાથે ઝઝૂમવામાં અને તેમને દૂર કરવામાં કોઈ જ મુશ્કેલી ના પડે. દુરાચારી અને વ્યસની માણસોને સશક્ત બનવાની તક જ આપવી ન જોઈએ અને દરેક રીતે તેમનો તિરસ્કાર અને અસહયોગ કરીને તેમને નિરુત્સાહિત કરવા જોઈએ. તેમનો વિરોધ કરવામાં કોઈ પણ પ્રકારની ઢીલ રાખવી ના જોઈએ. સમાજને ભયમુક્ત રાખવાનો આ જ એક માર્ગ છે.
પ્રતિભાવો