૧૧૩. વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૧૦/૧/૧૩ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 8, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૧૦/૧/૧૩ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
યથા વાતશ્ચયાવયતિ ભૂમ્યા રેણુમન્તરિક્ષાચ્છાભ્રમ્ । એવા મત સર્વ દુર્ભૂતં બ્રહ્મનુત્તમપાયતિ ॥ (અથર્વવેદ ૧૦/૧/૧૩)
ભાવાર્થ: મનુષ્ય સદુપદેશ ગ્રહણ કરવામાં વિલંબ કરે અને દુષ્કર્મોનો ત્યાગ શીઘ્રતાથી કરે.
સંદેશ : કેટલાક લોકો વિચારતા હોય છે કે તેઓ આધ્યાત્મિક જીવનમાં કોઈપણ પ્રકારની પ્રગતિ નહિ કરી શકે કારણ કે તેઓ ખરાબ સંસ્કારો સાથે જન્મ્યા છે તથા તેમનું જીવન નિષ્ફળતાઓમાં જ સમાપ્ત થઈ જશે. વિચારવાની આ રીત બિલકુલ ખોટી છે. આપણે આ ભાવનાને હકારાત્મક વિચારો દ્વારા પ્રભાવહીન કરી દેવી જોઈએ. જેવી રીતે હવાનું એક મોજું ધૂળના રજકણોને ઉડાવીને ઉપર લઈ જાય છે અને આકાશમાં વાદળોને કયાંનાં કયાં પહોંચાડી દે છે, એ જ પ્રમાણે આપણે સદ્વિચારોના વંટોળ દ્વારા મનના કુવિચારોને ભગાડી દેવા જોઈએ.
દરેક મનુષ્યની અંદર દૈવી અને આસુરી બંને પ્રકારની પ્રવૃત્તિઓ હોય છે. મનમાં દેવાસુરસંગ્રામ સતત ચાલ્યા કરે છે. તુચ્છ લાભો અને ઇન્દ્રિયસુખના ચક્કરમાં પડીને આપણે પોતે જ આસુરી વૃત્તિઓને શક્તિ આપતા રહીએ છીએ અને તેના કારણે જ દૈવી ભાવનાઓ દબાઈ જાય છે. આપણે આપણી અંદર રહેલા દેવત્વનું જ ચિંતન કરવું જોઈએ અને તેને વધારે બળવાન બનાવવા માટેના પ્રયત્નો કરતા રહેવું જોઈએ. આપણે વિચારવું જોઈએ કે પવિત્રતા આપણો જન્મસિદ્ધ અધિકાર છે. મનુષ્ય જેવું વિચારે છે તેવો જ બની જાય છે.
મનુષ્યનો જન્મ તો સહેલો છે, પરંતુ માનવતા સખત પ્રયત્નો દ્વારા જ પ્રાપ્ત થાય છે. આપણે પણ આપણા જીવનને પવિત્ર અને સુસંસ્કારી બનાવવા માટે સખત પરિશ્રમ કરવાની તથા હંમેશાં સતર્ક રહેવાની જરૂર પડશે. નાનામાં નાની ખરાબ આદત આગળ જતાં આપણા. સ્વભાવનું અંગ બની જાય છે અને ત્યાર પછી આપણે ભારે નુકસાન વેઠવું પડે છે. આવી ઘાતક ઉત્તેજનાઓથી સાવધાન થઈને તેમનાથી દૂર રહેવું તે આપણું પુનિત કર્તવ્ય છે.
આપણું મન ખૂબ જ ચંચળ હોય છે. તેના પર એક ક્ષણ માટે પણ વિશ્વાસ ન કરી શકાય. કોઈવાર તો ખરાબ આદત સૂક્ષ્મ રૂપમાં ગુણ, દયા અને મિત્રતાનું રૂપ ધારણ કરીને આપણને મોહિત કરી નાખે છે. જો સતર્કતા ન રાખવામાં આવે તો એનાથી આસક્તિ તથા મોહની ભાવના જન્મ લે છે. તે દયા અને મિત્રતાની મૂળ ભાવનાને દબાવીને લોભ તથા સ્વાર્થ તરફ પ્રેરિત કરે છે.
સાચા આધ્યાત્મિક જીવન માટે સૌથી વધારે જરૂર આત્મસંયમ તથા પવિત્રતાની પડે છે. તેની કિંમત ચૂકવવી પડે છે. આપણાં સાંસારિક કર્તવ્યોનું પાલન કરતાં કરતાં આત્મસંયમ રાખવો પડે છે. સંયમિત જીવનથી જ વાસ્તવિક આત્મવિકાસ થાય છે. ઘણીવાર આપણે વિચારીએ છીએ કે આપણે મન, વચન અને કર્મમાં સંયમ તથા પવિત્રતા રાખીશું તો સંસારનાં ઘણાં સુખોથી વંચિત રહેવું પડશે, આથી આપણે સંસારની મજા માણવી જોઈએ. આ જ આપણી મોટી ભૂલ છે. આપણે એ ભૂલી જઈએ છીએ કે વાસ્તવિક આનંદ અસંયમમાં નહિ, પરંતુ આત્મસંયમવાળું જીવન જીવવામાં જ છે. સગ્રંથોનો સ્વાધ્યાય તથા સત્પુરુષોના સત્સંગથી, વિદ્વાનોના સદુપદેશથી આત્મસંયમમાં મનુષ્યની પ્રવૃત્તિ વધે છે. આપણે આપણાં આંખકાન ખુલ્લાં રાખીને હંમેશાં સારી વાતો ગ્રહણ કરતા રહેવું જોઈએ.
આત્મસંયમ દ્વારા જ દુષ્કર્મોનો ત્યાગ શક્ય બને છે.
પ્રતિભાવો