૧૨૩. વેદોનો દિવ્ય સંદેશ – અથવર્વેદ ૨/૧૧/૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 8, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – અથવર્વેદ ૨/૧૧/૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
દૂષ્યા દૂષિરસિ હેત્યા હેતિરસિ મેન્યા મેનિરસિ I આપ્નેહિ શ્રેયાંસમતિ સમં ક્રામ ॥ (અથવર્વેદ ૨/૧૧/૧)
ભાવાર્થ : સારાં કે ખરાબ બધાં કર્મો મનુષ્યથી જ થાય છે. દુર્બળતા મનુષ્યના અજ્ઞાનનું પ્રતીક છે. શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે આત્મબળ પ્રાપ્ત કરવું જોઈએ. જ્યારે મનુષ્ય ખરાબ ટેવોને છોડીને સન્માર્ગ તરફ આગળ વધે ત્યારે જ તે પ્રાપ્ત થઈ શકે છે.
સંદેશ : મન સાંસારિક વિષયો તરફ ખૂબ જ તીવ્રતાથી દોડે છે, પરંતુ તેને ત્યાંથી પાછા વાળવાનું કામ ખૂબ જ જરૂરી છે. એકવાર જો તેને રોકવામાં આવે તો તે શાંત અને પવિત્ર થઈ જાય છે. જો મનને બહા૨ના જગતમાંથી પાછું લાવી શકાય તો તે ઇન્દ્રિયોના વિષયોની પાછળ દોડશે નહિ. મન જયારે બહારના જગતથી સંપૂર્ણ રીતે અંતર્મુખી થશે ત્યારે જ આપણે પરમલક્ષ્યને પ્રાપ્ત કરી શકીશું.
મનને પૂરી રીતે બહારના જગતથી વિમુખ કરવાનું શું શક્ય છે ? સામાન્ય માણસે તો ભૌતિક જગતમાં જ રહેવાનું હોય છે, તો પછી તેનાથી સંપૂર્ણ રીતે અલગ કેવી રીતે રહી શકાય ? સામાન્ય માણસ અને જ્ઞાની માણસમાં આ જ ભેદ છે. જ્ઞાની માણસ સાંસારિક કર્તવ્યો પૂરાં કરતો હોવા છતાં ભોગવિષયોના પ્રલોભનોમાં ફસાતો નથી, પરંતુ સામાન્ય માણસ પ્રયાસ કરવા છતાં પણ એ જંજાળમાંથી સહેલાઈથી મુક્તિ મેળવી શકતો નથી. યત્ર તત્ર સર્વત્ર તે વિષયોના જંગલમાં જ રહે છે, એનાથી ઘેરાયેલો રહે છે તથા એમાં નિવાસ કરે છે. માનવ માટે ભૌતિક સંસારના અસ્તિત્વનો કોઈ અંત નથી. ત્યારે બહારના જગતથી પાછા વળવાનો શું અર્થ હોઈ શકે ? એનો અર્થ છે કે આપણા અજ્ઞાનને ત્યાગીને જ્ઞાનવાન બનવું. જ્ઞાની માણસની પાસે આત્મદૃષ્ટિ હોય છે. તે ભલેને ભૌતિક સંસારમાં રહેતો હોય, પરંતુ પોતાની વિવેકરૂપી તલવારની મદદ વડે તે ઇન્દ્રિય પ્રલોભનોનો નાશ કરી શકે છે.
આપણે આપણી ઇન્દ્રિયોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને તેમને બધી જ રીતે આદેશ આપવો જોઈએ. આપણી અંદર તો પહેલેથી જ અનેક પ્રકારની અશુદ્ધ પ્રવૃત્તિઓ મોજૂદ છે. આપણે તેમનો વિનાશ ક૨વો જોઈએ અને સારી પ્રવૃત્તિઓ કરવી જોઈએ. બાહ્યજગતમાંથી ફક્ત સારી ટેવો જ ગ્રહણ કરવી જોઈએ. મોટાભાગે લોકો એવું વિચારતા હોય છે કે મારા સંસ્કારો સારા નથી અને મારું મન ફક્ત અશુદ્ધ પ્રવૃત્તિઓને જ ગ્રહણ કરે છે, પરંતુ તેમનું આ પ્રકારેનું વિચારવું સાવ નિરર્થક છે. એ તેમની અજ્ઞાનતા તથા દુર્બળતાનું પ્રતીક છે. ભૂલો મનુષ્યથી જ થાય છે અને તેનામાં એ શક્તિ છે કે જેના વડે તે તેમનું નિરાકરણ કરી શકે. પોતાની ખરાબ ટેવોમાંથી છુટકારો મેળવવાની અપાર શક્તિ પરમાત્માએ તેને આપી છે. જો તે ખરેખર પોતાના દુર્ગુણો અને વ્યસનોમાંથી છુટકારો મેળવવા માગતો હોય અને તે માટે પ્રયાસ કરે તો કશું જ અશક્ય નથી.
એ સાચું છે કે ટેવ આપણો બીજો સ્વભાવ છે, પરંતુ આનાથી પણ બીજું મોટું સત્ય છે, જે તેને બિનઅસરકારક બનાવી દે છે. જો ટેવ આપણો બીજો સ્વભાવ હોય, તો આપણો કોઈ પહેલો સ્વભાવ પણ હશે. મૂળભૂત રીતે તો આપણે દૈવી સ્વભાવના છીએ. જો શારીરિક ઇચ્છાઓના કારણે આપણે ફક્ત અશુદ્ધ વિચારોને ગ્રહણ કરીએ છીએ તો એ પણ સત્ય છે કે સ્વભાવથી આપણે દૈવી છીએ તથા દેવત્વ આપણો જન્મસિદ્ધ અધિકા૨ છે. આપણે આ હકારાત્મક વિચારોનો વિકાસ કરવો જોઈએ. શ્રેષ્ઠ વિચારોનો આધાર લઈને આપણી ખરાબ ટેવો પર વિજય પ્રાપ્ત કરવો જોઈએ.
પ્રતિભાવો