૧૨૪. વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૪/૧૯/૬ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 8, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૪/૧૯/૬ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
અસદ્ ભૂમ્યાઃ સમાભવત્ તઘામેતિ મહદ્ વ્યચઃ । તદ્ વૈ તતો વિધૂપાયત્ પ્રત્યેક કર્ત્તારમૃચ્છતુ ॥ (અથર્વવેદ ૪/૧૯/૬)
ભાવાર્થઃ દુષ્ટતાપૂર્ણ કર્મો ભલેને નાનાં હોય કે મોટાં હોય, છેવટે તે કરનારાઓનો જ સર્વનાશ કરે છે. તેમનું ફળ પણ તેમણે ભોગવવું જ પડે છે.
સંદેશઃ અજ્ઞાન, ભ્રમ, અશ્રદ્ધા, વાસના, લોભ, ઉતાવળ, ચંચળતા વગેરે મનોવિકારોથી વિવશ લોકો અસત્યનો આધાર લે છે. કથા છે કે કોઈ સાધકને દેવદૂત અને શેતાન એક સાથે મળી ગયા. દેવદૂતનો વેશ બિલકુલ સામાન્ય હતો, જ્યારે શેતાન ખૂબ જ ચમકીલો અને ભડકીલો શણગાર સજીને લટકમટક કરતો ચાલી રહ્યો હતો. સાધકે દેવદૂતની ઉપેક્ષા કરી અને શેતાનના અહંકારને જોઈને તેની શરણમાં જતો રહ્યો. દુર્ભાગ્યથી સંસારમાં આજે બધે આવું જ દેખાઈ રહ્યું છે. સત્યથી વિમુખ થઈને લોકો અસત્યને આલિંગન આપી રહ્યા છે. વાસ્તવિકતાનો ઉપહાસ કરીને લોકો બુદ્ધિશૂન્ય બની ગયા છે અને દરેક જાતનાં દુષ્ટતાપૂર્ણ કર્મો આચરતા રહે છે.
જૂઠાને જૂઠો અને સાચાને સાચો કહેવા માટે જ્ઞાન, ધૈર્ય તથા આત્મવિશ્વાસની જરૂર હોય છે. જ્યાં તે ન હોય ત્યાં ખોટા સિક્કા ચાલે છે અને પછી સમગ્ર વ્યવસ્થા કડડભૂસ થઈને પડી જાય છે. ક્ષુદ્રતા તથા અનૈતિકતાપૂર્ણ કર્મોથી શરૂઆતમાં ભલે તાત્કાલિક લાભ મળી જાય, પરંતુ તેમના દુષ્પ્રભાવથી તિરસ્કાર તથા ફિટકાર તો મળે જ છે, અપયશ તથા અપકીર્તિ પણ ઓછી નથી મળતી.
સંસારમાં આજે ચારેબાજુએ આ જ દેખાઈ રહ્યું છે, જાણે પાપકર્મો અને દુષ્ટતાપૂર્ણ આચરણ જ સામાજિક માન્યતાની સાચી કસોટી બની ગયાં છે. જેઓ દરેક પ્રકારના દુરાચાર કરે છે તેઓ જ ફળીફૂલીને મોટા થતા દેખાય છે અને સત્યનું આચરણ કરનારાઓ ઉપહાસ, અવગણના તથા અનાદરનો શિકાર થઈ રહ્યા છે. તેમનું જીવવું પણ મુશ્કેલ બની રહ્યું છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે પ્રભુ પોતાના આ સંસારમાં અમુક હદ સુધી જ પાપને વધવા અને પાકવા દે છે. સમય આવ્યા પછી તેનો વિનાશ તો અવશ્ય થાય છે. પાપનો ઘડો ભરાઈ ગયા પછી ફૂટે જ છે. ખરાબ કર્મોનું વૃક્ષ ખૂબ જ ફૂલેફાલે છે, પરંતુ છેવટે તે જ જડમૂળમાંથી ધરાશાયી થઈ જાય છે. પાપભાવના આ ધરતી પર જ જન્મ લે છે, મનુષ્યોના વિચારોમાં જ ઊછરે છે અને ઝડપથી સમગ્ર સંસારમાં ફેલાઈ જાય છે. સારી વાતોને ફેલાતાં ખૂબ જ વાર લાગે છે. લોકો તેમનું પાલન પણ ખૂબ જ મુશ્કેલીથી કરે છે, પરંતુ ખરાબ કર્મોના પ્રચાર અને પ્રસારની ગતિ તીવ્ર હોય છે તથા લોકો તેમના આકર્ષણમાં ખૂબ જ જલદીથી ફસાઈ જાય છે. અધર્મ, અંધકાર અને અજ્ઞાન પોતાની સ્થૂળશક્તિ અને પશુશક્તિને વધારતાં રહીને ચારેબાજુએ ફેલાઈ જાય છે. મનુષ્ય હાહાકાર મચાવવા લાગે છે. સંસારના મોટામોટા દિવ્યપુરુષોના અને ઈશ્વરપરાયણ મહાત્માઓનાં તેજ પણ પાપકર્મોના અંધકાર આગળ ઢંકાઈ જાય છે.
તે વખતે વિરલાઓ જ ઈશ્વરીય નિયમની અટલતાને ધ્યાનમાં રાખે છે અને જરા પણ ધીરજ ગુમાવતા નથી. તેઓ એવું સમજે છે કે પાપ ઘણું વધી ચૂક્યું છે અને હવે તેના વિનાશનો સમય આવી ગયો છે.પાપનો ઠાઠમાઠ સ્વયં પોતાના જ ભારથી પડી જઈને છિન્નભિન્ન થઈ જાય છે અને પાપકરનારને પણ ભોંયભેગો કરી નાંખે છે.
વિજય તો અંતે સત્ય અને પુણ્યનો જ થાય છે.
પ્રતિભાવો