૧૨૮. વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૫/૨૩/૧૩ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 8, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૫/૨૩/૧૩ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
સર્વેષાં ચ ક્રિમીણાં સર્વાસાં ચ ક્રિમીણામ્ । ભિનદમ્યશ્મના શિરો દહામ્યગ્નિના મુખમ્ ॥ (અથર્વવેદ ૫/૨૩/૧૩)
ભાવાર્થ : આપણા બાહ્ય અને આંતરિક દોષોનો એવી રીતે નાશ કરો કે જેવી રીતે કોઈ પણ વસ્તુનો અગ્નિમાં બાળીને અથવા પથ્થર વડે કચડીને નાશ કરી નાખીએ છીએ.
સંદેશ : કોમળ તત્ત્વોને ઇશારા વડે સમજાવીને, વિવેક તથા તર્ક દ્વારા યોગ્ય સમજાવટ દ્વારા સન્માર્ગ પર લાવી શકાય છે, પરંતુ કઠોર અને દુષ્ટ તત્ત્વોને બદલવા માટે લોખંડને આગ પર તપાવીને ટીપવાની લુહાર જેવી નીતિ જ અપનાવવી પડે છે. દુર્યોધનને સમજાવવા તથા મનાવવામાં જ્યારે શ્રીકૃષ્ણ સફળ ન થયા ત્યારે તેમણે અર્જુનનાં બાણો દ્વા૨ા તેને સીધો કરવાનો ઉપાય કરવો પડ્યો. હિંસક પશુઓ નમ્રતા અને ઔચિત્યની ભાષા સમજતાં નથી, તેમને તો શસ્ત્ર જ કાબૂમાં લાવી શકે છે. ભગવાને વારંવાર ધર્મની સ્થાપના અને અસુરતાનું નિવારણ કરવા માટે અવતાર લેવો પડ્યો છે “ધર્મ સંસ્થાપનાર્થાય વિનાશાય ચ દુષ્કૃતામ્.”
વ્યક્તિગત જીવનમાં પણ દેવશક્તિઓનું અવતરણ નિઃસંદેહ એક સર્જનાત્મક કાર્ય છે. તે માટે સદ્ગુણો વધારવાની નિરંતર સાધના ક૨વી પડે છે અને સાથેસાથે પોતાના અંતરમાં છુપાયેલા દોષદુર્ગુણો સામે ઝઝૂમવું પણ પડે છે. જો આ કુસંસ્કારોનું નિવારણ ન કરવામાં આવે તો સદ્ગુણો વિકસિત નહિ થઈ શકે અને બધી શક્તિ મનોવિકારોમાં જ નષ્ટ થતી રહેશે. આળસ, પ્રમાદ, આવેશ, અસંયમ વગેરે દુર્ગુણો વિરુદ્ધ મજબૂત મોરચો ઊભો કરવો પડે છે અને ડગલેને પગલે તેમની સાથે ઝઝૂમવા માટે તૈયાર રહેવું પડે છે. ગીતાનો રહસ્યવાદ અંતરના આ જ શત્રુઓને કૌ૨વ માનીને અર્જુનરૂપી જીવને એમની સાથે નિર્ણયાત્મક યુદ્ધ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. જેણે પોતાની જાત સાથે લડીને વિજય મેળવ્યો છે એ જ સાચો વિજેતા છે.
આજકાલ નૈતિક, બૌદ્ધિક અને સામાજિક ક્ષેત્રમાં ખરાબ તત્ત્વોનું જોર એટલું બધું વધી ગયું છે કે શાંતિ અને સુવ્યવસ્થા માટે ચારેબાજુએ સંકટ પૂર્ણ પરિસ્થિતિ છે. છળ, અસત્ય, બનાવટ અને વિશ્વાસઘાત એવાં વ્યાપી ગયાં છે કે કોઈ પણ માણસ પર થોડોક પણ વિશ્વાસ મૂકવો ભયજનક છે. વિચારોની દૃષ્ટિથી મનુષ્ય ખૂબ જ સંકુચિત, સ્વાર્થી, નીચ અને નિષ્ઠુર થતો જાય છે. સામાજિક કુરિવાજોએ આપણને બૂરી રીતે જકડી રાખ્યા છે. આદર્શવાદિતા અને શ્રેષ્ઠતા ફક્ત કહેવા અને સાંભળવાની વાતો જ રહી ગઈ છે. મનુષ્યના વિચારો જ્યારે આટલા દૂષિત થઈ ગયા છે ત્યારે તેમના આચરણમાં શ્રેષ્ઠતાની આશા રાખવી એ રેતીમાંથી તેલ કાઢવા જેવી કલ્પના માત્ર જ રહે છે. જો અંતઃકરણમાં જ કુસંસ્કારો તથા કુવિચારો ભરેલા હશે, તો પછી પ્રભુચિંતનની આશા કેવી રીતે રાખી શકાય?
વ્યક્તિગત અને સામાજિક દોષદુર્ગુણો સામે લડવા અને જીવનને સ્વચ્છ, પવિત્ર તથા નિર્મળ બનાવવા માટે જો કુસંસ્કારો સામે લડવું પડે તો અવશ્ય લડાઈ કરવી જોઈએ. સમાજમાં કેટલાક લોકોને દાસદાસીની જેમ અને કેટલાકને રાજારાણીની જેમ રાખવાની પરંપરાનું જો પાલન કરવામાં આવે તો તેને બદલીને એવી વ્યવસ્થા સ્થાપવી પડશે કે જેમાં બધાને ન્યાયી અધિકાર, લાભ તથા શ્રમ સહયોગ કરવાનો અવસર મળે. અનીતિની અસુરતા વિરુદ્ધ પ્રબળ સંઘર્ષ કરવા માટે તૈયાર થવું પડશે. અનુચિત તત્ત્વોનો એવો પ્રચંડ વિરોધ કરવો જોઈએ કે તે માથું જ ના ઊંચકી શકે. તેમને શરૂઆતથી જ કચડી નાખવા જોઈએ.
પ્રતિભાવો