૧૩૩. વેદોનો દિવ્ય સંદેશ – અથવર્વેદ ૬/૨૬/૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 8, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – અથવર્વેદ ૬/૨૬/૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
અવ મા પાપ્મન્ત્સૃજ વશી સન્ મૃડયાસિ નઃ । આ મા ભદ્રસ્ય લોકે પાપમન્ ધેહ્યવિહુતમ્ ॥ (અથવર્વેદ ૬/૨૬/૧)
ભાવાર્થ : જીવનમાં અનેક કષ્ટો અને મુશ્કેલીઓ આવે છે. જેઓ તેમને પ્રયત્નપૂર્વક દૂર કરે છે અને વિચલિત થતા નથી તેવા પુરુષાર્થીઓ જ આનંદ મેળવે છે.
સંદેશ : ગંગા ગોમુખમાંથી નીકળે છે. એક નાની અમથી જળની ધારા એવું ધ્યેય રાખે છે કે સમગ્ર સંસારની તરસ છિપાવવી છે. તેના માટે ઉચ્ચ આદર્શ, ધર્મનિષ્ઠા, લગન અને એકાગ્રતાની સાથે તે ઉત્સાહપૂર્વક ઊછળતી, કૂદતી, પથ્થરો તોડતી, પોતાનો રસ્તો બનાવતી ચાલી નીકળે છે. અનુપમ શૌર્ય, અદમ્ય સાહસ અને દૂરદર્શિતા તેના માર્ગની મુશ્કેલીઓને દૂર કરીને સફળતાના રાજપથનું નિર્માણ કરે છે. તે નાની અમથી જળધારા પોતાના પુરુષાર્થના બળે જ માઈલો સુધી યાત્રા કરીને વિશાળ નદી બની જાય છે અને ધરતીને ધનધાન્યથી પરિપૂર્ણ કરી દે છે.
આ જ પ્રમાણે મનુષ્યના જીવનનો માર્ગ પણ કાંટા અને ભયાનક અવરોધોથી ભરેલો છે. એ અવરોધ છે માયા, મોહ, લોભ, મદ, પ્રમાદ, આળસ વગેરે. ડગલે ને પગલે એ આપણી પ્રગતિના માર્ગમાં અવરોધો ઊભા કરે છે. આસુરી વૃત્તિઓ કુવિચારો અને કુસંસ્કારોને જન્મ આપે છે. ખરાબ વસ્તુમાં આકર્ષણ હોય છે, ચળકાટ હોય છે, પ્રલોભન હોય છે. તેનું આક્રમણ પણ ખૂબ જ જલદ તથા દૃઢતાવાળું હોય છે. મનુષ્ય દરેક વખતે પોતાની જાતને એ ચક્રવ્યૂહમાં ફસાતાં બચાવવી જોઈએ. જીવનમાં જે કોઈ મુશ્કેલીઓ અને કષ્ટો આવે છે તેનાથી આપણી સંઘર્ષ કરવાની ક્ષમતાનો વિકાસ થાય છે, પરંતુ શરત એટલી જ છે કે આપણું આત્મબળ મજબૂત હોય. જ્યારે આપણા મનમાં એ વિશ્વાસ જાગૃત થઈ જાય છે કે પરમાત્મા સર્વત્ર રહેલા છે અને આપણા પુરુષાર્થમાં તેઓ અમૂલ્ય સહયોગ આપે છે ત્યારે આત્મબળ વધે છે અને મુશ્કેલીઓ ઊભી પૂંછડીએ ભાગી જાય છે. દરિદ્રતા કદીય તેમની પાસે ફરકતી નથી. પુરુષાર્થી નાવિકની જેમ આવા લોકો બીજાઓને પોતાની નાવડીમાં બેસાડીને પાર ઉતારે છે, એમાં તે પોતે પણ આનંદ મેળવે છે.
આજે મોટાભાગના માણસો શેખચલ્લીના તરંગોમાં જ પોતાનો સમય નષ્ટ કરતા રહે છે. તેઓ ઇચ્છે છે તો ઘણું, પરંતુ પોતે કશુંય કરવા નથી માગતા. કામચોરી અને મફતિયા વૃત્તિ એમને ખૂબ જ અનુકૂળ આવે છે. પોતાની મુશ્કેલીઓ સામે ઝઝૂમવાને બદલે બીજાઓ ઉપર દોષારોપણ કરવું તેમને ખૂબ જ આનંદદાયક લાગેછે. આવા માણસો પોતે તો અસફળ રહે છે, પરંતુ પોતાના સંપર્કમાં આવનારનું જીવન પણ કષ્ટમય બનાવી દે છે. દર વખતે ભાગ્યને દોષ દેવાની અને રડતા રહેવાની જ તેમને ટેવ પડી જાય છે. મનુષ્ય પોતાના ભાગ્યનો નિર્માતા પોતે જ છે. આ તથ્યને તેઓ ભૂલી જાય છે અને એ જ તેમની બધી વિપત્તિઓનું મૂળ કારણ બને છે. જ્યારે તેમને વિશ્વાસ દૃઢ થઈ જાય છે કે ગમે તેવી મુશ્કેલીઓ આવે તેમને દૂર કરવાની મારામાં શક્તિ છે ત્યારે તેમનો માર્ગ મોકળો થઈ જાય છે. ત્યાર પછી તે અનીતિ સાથે બાથ ભીડવામાં, તેને સમૂળગી નષ્ટ કરવામાં તથા નવસર્જનની પ્રવૃત્તિઓમાં પૂરેપૂરી રુચિ લે છે તથા ઉલ્લાસપૂર્વક કામ કરે છે. જે હકીકતમાં પુરુષાર્થી હોય છે તે જ કુવિચારો, કુસંસ્કારો, કુરિવાજો તથા ખરાબ પ્રથાઓ સામે ટક્કર લેવાનું સાહસ કરે છે. તેને જ યશ પ્રાપ્ત થાય છે.
આ જ સફળ જીવનનો માર્ગ છે. સાચા પુરુષાર્થીએ પોતાના અંતરમનને બધા પ્રકારના દોષોથી શુદ્ધ તથા પવિત્ર કરીને જનકલ્યાણનાં કાર્યોમાં પ્રસન્નતાપૂર્વક લાગ્યા રહેવું જોઈએ. આ જ પરમપિતા પરમેશ્વરની આજ્ઞા છે.
પ્રતિભાવો