૧૨૦. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧/૧૫૮/૬ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 8, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧/૧૫૮/૬ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
દીર્ઘતમા મામતેયો જુજુર્વાન્દશમે યુગે । અપામર્થ યતીનાં બ્રહ્મા ભવતિ સારથિઃ ॥ (ઋગ્વેદ ૧/૧૫૮/૬)
ભાવાર્થ : અજ્ઞાની માણસ લોભને વશ થઈને રોગશોક દ્વા૨ા દુઃખ પામે છે, પરંતુ ધર્મનિષ્ઠ પુરુષ જ્ઞાન અને વિજ્ઞાન વધારીને સ્વયં બંધનમુક્ત થઈ બીજાઓને પણ સંસારસાગર પાર કરાવે છે.
સંદેશ : અગ્નિ પ્રકાશ અને ઊર્જાનો સ્રોત છે. યજ્ઞમાં પ્રકાશ અને જ્ઞાનજ્યોતિના પ્રતીક રૂપે અગ્નિ પ્રગટાવવામાં આવે છે. પ્રબુદ્ધ માણસ જ આ યથાર્થ અગ્નિ પ્રગટાવે છે. યજ્ઞકર્તાની આંતરિક ઇચ્છા હોય છે કે તે પ્રબુદ્ધ અને સજાગ થાય. યજ્ઞથી ચેતના, સજગતા અને સમર્પણનો ભાવ મનમાં જાગૃત થાય છે. તે અગ્નિ સાથે તાદાત્મ્ય સ્થાપીને તેને પોતાનો મિત્ર બનાવવાનો પ્રયાસ કરે છે. મિત્ર બનાવવા માટે તેના ગુણોને પોતાની અંદર ધારણ કરવા પડે છે. અગ્નિમય અને યજ્ઞમય જીવન જીવવાથી અજ્ઞાનનો અંધકાર દૂર થઈ જાય છે અને જાગૃતિ તથા પ્રકાશ મળે છે. આ પ્રમાણે મનુષ્યજીવનની સફળતાનો માર્ગ મોકળો થાય છે.
અગ્નિનો અર્થ પ્રકાશસ્વરૂપ પરમાત્મા પણ છે. પરમાત્મા સર્વજ્ઞ, સર્વવ્યાપક અને જ્ઞાનનો સ્રોત છે. હૃદયમંદિરમાં પરમાત્માની જ્યોતિ પ્રગટાવવાથી મનુષ્ય પવિત્ર, ધાર્મિક, ઓજસ્વી, તેજસ્વી અને વર્ચસ્વી બને છે. પરમાત્માના સાંનિધ્યમાં દિવ્ય ગુણોનો વિકાસ થાય છે.
જો આપણે પરમપિતા પરમેશ્વરને આપણો આદર્શ માની તેમના પ્રત્યે ઊંડો ભક્તિભાવ રાખીને તેમને આપણા સાથી બનાવી લઈએ તો પછી કોઈ પણ પ્રકારનો ડર રહેતો નથી. જ્યારે તેઓ આપણી સાથે હોય તો કોઈ પણ અનિષ્ટ થઈ જ ના શકે, પરંતુ જો તે સાથે ન હોય, આપણે પ્રભુકૃપાથી વંચિત હોઈએ, તો બધા જ પ્રકારનાં અનિષ્ટો આપણી તરફ આગળ વધે છે. એ સાચું છે કે તેઓ આપણી સાથે જ છે. આપણી અંદર છે, પરંતુ દુઃખ એ છે કે આપણે તેમાં નથી. સાચા ભક્તે સદૈવ એવી રીતે રહેવું જોઈએ કે પરમાત્મા આપણી સાથે છે, આપણામાં રહેલો છે.
આ પ્રમાણે ઈશ્વરીય જ્ઞાનથી ચારેબાજુએ વ્યાપેલો અજ્ઞાનનો અંધકાર દૂર થઈ જાય છે અને મનુષ્ય મમતા, મોહ, લોભ વગેરે બંધનોમાંથી મુક્ત થઈ જાય છે. જે અજ્ઞાની છે તે સદૈવ પોતાની સ્વાર્થપૂર્તિમાં તથા લોભલાલચમાં જ ડૂબેલો રહે છે. લોભનો અર્થ છે વગર મહેનતે બીજાના ધનને પ્રાપ્ત કરવાની ઇચ્છા. લાલચ બૂરી બલા છે. તે પાપોનું મૂળ અને બધી બૂરાઈઓની ખાણ છે. લોભમાંથી બધાં પાપોનો જન્મ થાય છે. લોભી મનુષ્ય માતા, પિતા, ભાઈ, બહેન, મિત્ર, સ્વામી કોઈનો પણ સગો નથી હોતો. ધન માટે તે તેમની હત્યા કરતાં પણ અચકાતો નથી. લોભને વશ થઈને મનુષ્ય નરપિશાચ બની જાય છે અને નફરત જન્મે તેવું કાર્ય કરી નાંખે છે. તે એ ભૂલી જાય છે કે ભૌતિક પદાર્થો ન તો કોઈની સાથે ગયા છે કે ન જવાના છે. ધન કોની સાથે જાય છે ? એ તો અહીંયાં જ પડ્યું રહે છે.
ઈશ્વરભક્તિથી જ ધર્મનિષ્ઠ માણસ સાચા જ્ઞાન અને વિજ્ઞાનના પ્રકાશથી પોતાના જીવનને પ્રકાશિત કરી શકે છે. એકાદવાર પણ જો આપણને અંતરાત્માનો પોકાર સંભળાઈ જાય તો આ અમૂલ્ય માનવજીવન વ્યર્થ નહિ ગુમાવવું પડે. નિઃસંદેહ આપણી આધ્યાત્મિક યાત્રામાં ઉતારચઢાવ આવશે, પરંતુ આપણે નિરાશ તથા હતાશ થવું ન જોઈએ. આશાવાદી દૃષ્ટિકોણ અપનાવીને આપણે સાહસપૂર્વક સતત પ્રયત્ન કરતા રહેવું જોઈએ, ત્યારે જ સાંસારિક બંધનોમાંથી મુક્ત બનીને મોક્ષ પ્રાપ્ત કરી શકીશું અને બીજાઓને પણ સન્માર્ગે જવાની પ્રેરણા પૂરી પાડી શકીશું.
પ્રતિભાવો