૧૨૯. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧/૯૭/૭ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 8, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧/૯૭/૭ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
દ્વિષો નો વિશ્વતોમુખાતિ નાવેવ પારય । અપ નઃ શોશુચદધમ્ ॥ (ઋગ્વેદ ૧/૯૭/૭)
ભાવાર્થ : હે સર્વતોમુખી અગ્નિદેવ ! આપ નૌકાના નાવિકની જેમ ભવસાગરમાં બધા શત્રુઓથી બચાવીને અમને પાર લઈ જાઓ. આપ અમારાં પાપોનો નાશ કરો.
સંદેશ : આ મંત્રમાં ઈશ્વરની તુલના એક એવા ન્યાયાધીશ સાથે કરવામાં આવી છે કે જે પ્રજાની સુરક્ષા માટે જંગલોમાં જઈને ડંખ દેનારને તથા દુષ્ટજનોને દંડ આપે છે, નાવમાં બેસીને સમુદ્રમાં પણ પ્રજાનું રક્ષણ કરે છે અને દરેક રીતે મનુષ્યનાં સુખશાંતિની વ્યવસ્થા કરીને તેમને સાચો આનંદ આપે છે. તે જ સચ્ચિદાનંદ છે. સારી રીતે ઈશ્વરની ઉપાસના કરનારાઓને કામ, ક્રોધ, લોભ, મોહ, રોગ તથા શોકરૂપી શત્રુઓથી કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી. તે નિઃસ્પૃહી રહીને જિતેન્દ્રિય બને છે અને સર્વત્ર શ્રેય તથા યશ પ્રાપ્ત કરે છે.
સંસારમાં ચોરાસી લાખ યોનિઓ છે. એમાંથી મનુષ્યનું શરીર જ પરમાત્માની એક સર્વશ્રેષ્ઠ કૃતિ છે. જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, પ્રાણ, મન, બુદ્ધિ વગેરે અનેક રિદ્ધિસિદ્ધિઓથી પરિપૂર્ણ આ માનવશરીર સંસારમાં સમસ્ત પ્રાણીઓની રક્ષા તથા ઉન્નતિના ધ્યેયથી બનાવવામાં આવ્યું છે. પરમાત્માએ પોતાના આ રાજકુમારને જે અનેક વરદાનો આપ્યાં છે અને દરેક પરિસ્થિતિમાં તેની રક્ષા કરવા માટે સદા તત્પર રહે છે ત્યારે મનુષ્યનું પણ કર્તવ્ય છે કે તે ભગવાને બનાવેલા સંસારનાં બધાં જીવજંતુ, વૃક્ષો, છોડવાઓ, જડ અને ચેતનના પોષણ તથા પ્રગતિ માટે જાગૃત રહે. સંસારમાંથી મળતાં સાધનોને દોહતા જ ના રહીએ, પરંતુ તેમને શક્તિશાળી બનાવવાનો પુરુષાર્થ પણ કરીએ. આજે સ્વાર્થમાં આંધળો થઈને મનુષ્ય એ તરફ ધ્યાન જ નથી આપતો અને પાપના કીચડમાં ફસાતો જાય છે.
આપણે પ્રાર્થના કરીએ છીએ કે ઈશ્વર આપણાં પાપોનો નાશ કરે, પરંતુ આપણી જાતને પાપકર્મોથી બચાવવા માટે પ્રયત્ન પણ નથી કરતા, પ્રાયશ્ચિત્ત કરવાનો તો વિચાર પણ નથી આવતો. આ પરિસ્થિતિમાં ભગવાન આપણને આ ભવસાગરની અનેક મુશ્કેલીઓમાંથી બચાવીને કેવી રીતે પાર ઉતારી શકે? આપણે પોતે જ સળગાવેલી નરકની આગમાં શેકાયા કરીએ છીએ. ઈશ્વરીય સત્તાનો સહયોગ મેળવીને જ આપણે ધરતી પર સ્વર્ગનું વાતાવરણ ઉત્પન્ન કરી શકીએ છીએ, પરંતુ તે તરફ આપણું ધ્યાન જ જતું નથી. ચારેબાજુએ ફેલાયેલા કુરિવાજો, કુવિચારો અને કુસંસ્કારોનાં પ્રલોભનો આપણને પોતાના તરફ ખેંચે છે. આપણે આપણી વિવેકબુદ્ધિનો પણ બિલકુલ ઉપયોગ કરતા નથી અને પાપ તથા પુણ્યનો તફાવત પણ નથી સમજી શકતા. પરિણામ સ્વરૂપે દિવસે દિવસે પાપની ખાઈમાં પડતા જઈએ છીએ. પરમપિતા પરમેશ્વર તો દરેક પળે, દરેક ક્ષણે આપણને મદદ કરવા માટે હાજર જ હોય છે. આપણે તેમને ઓળખીએ કે ન ઓળખીએ, પરંતુ તેઓ તો પોતાના પ્રિય પુત્રોની રક્ષામાં કદીય પ્રમાદ નથી કરતા. દુરાચારમાં ફસાતા પહેલાં જ આપણને સચેત કરે છે. અંતઃકરણમાં તેમની આકાશવાણી ગૂંજે છે. જો તેમના અવાજને સાંભળીને સતર્ક થઈ જઈએ તો સારું, પરંતુ જો તેમના અવાજને વણસાંભળ્યો કરી નાખવામાં આવે તો તે આપણને ઠોકર મારીને જગાડશે, છતાં પણ જો આપણે નહિ ચેતીએ તો દંડ પણ કરશે. આપણે પાપકર્મોમાં ફસાયેલા રહીએ અને ભગવાન પાસે એવી આશા રાખીએ કે તે આપણા માટે સ્વર્ગ તથા મુક્તિનાં દ્વાર ખોલી નાખે, તો એનાથી મોટી મૂર્ખતા બીજી કઈ હોઈ શકે ?
આપણા દોષદુર્ગુણોમાંથી છુટકારો મેળવવા માટે આપણે પોતે જ પુરુષાર્થ કરવો પડશે.
પ્રતિભાવો