૧૧૮. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧૦/૧૩૭/૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 8, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧૦/૧૩૭/૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
ઉત દેવા અવહિતં દેવા ઉન્નયથા પુનઃ । ઉતાગશ્ચક્રુષં દેવા દેવા જીવયથા પુનઃ ॥ (ઋગ્વેદ ૧૦/૧૩૭/૧,અથર્વવેદ ૪/૧૩/૧)
ભાવાર્થ: જેઓ કચડાયેલા લોકોને ઉપર ઉઠાવે છે અને ગુનેગારોને પાપોમાંથી મુક્ત કરે છે તેવા સંતજનો મહાન છે. એવા મહાપુરુષોની નજીક રહીને આપણા દોષદુર્ગુણોનો ત્યાગ કરીને જીવનનું શુદ્ધિકરણ કરીએ.
સંદેશ : નીચાણ તરફ વહેવું એ પાણીનો સહજ ગુણધર્મ છે. એજ રીતે લપસવું, અવગુણોથી લપેટાયેલા રહેવું એ મનનો સહજ ધર્મ છે. પાણીને જો ઉપર ચઢાવવું હોય તો કોઈ પણ પ્રકારની વિશેષ શક્તિ (પંપ) લગાવવી પડે છે. એવી જ રીતે શરીર, મન, બુદ્ધિ અને ચિત્તને બળપૂર્વક વાળીને માનવજીવનને ઉન્નત બનાવવું પડે છે. આવા પ્રયત્નોમાં ધૈર્યપૂર્વક હંમેશને માટે લાગ્યા રહેવું પડે છે. માનવજીવનમાં દોષદુર્ગુણો આવવા, કુવિચારોનું આક્રમણ, કુસંસ્કારોના પ્રભાવથી પાપકર્મો તરફ આકર્ષિત થવું એ સામાન્ય પ્રક્રિયા છે. આ રીતે મનુષ્ય નીચ કર્મ, પાપ અને ગુનો કરતો રહે છે. એકવાર તેના પંજામાં ફસાઈ ગયા પછી તેમાંથી છૂટવું ઘણું જ મુશ્કેલ છે. મન પોતે જ પાપકર્મોનાં પ્રલોભનો તથા ખોટી ચમકથી ભ્રમિત થઈને પતનના માર્ગ પર નિરંતર આગળ વધતું જ રહે છે.
સંસારમાં કોઈ પણ મનુષ્ય એકવાર કોઈ દુષ્કર્મ, પાપ અથવા ગુનો કરવાથી હંમેશને માટે પતિત નથી થઈ જતો. નિરાશ થવાનું કોઈ જ કારણ નથી. આપણી ઉન્નતિનો માર્ગ અવરોધાઈ નહિ જાય. એક રસ્તો બંધ થાય ત્યારે બીજા અનેક માર્ગો ખૂલી જતા હોય છે. આપણે સાત્ત્વિક ધૈર્યની સાથે નિરંતર ઉપર ઊઠવાનો પ્રયાસ કરતા રહેવું જોઈએ. જીવનમાં જે દોષદુર્ગુણો આવી ગયા છે, કુવિચારો અને કુસંસ્કારો છવાઈ ગયા છે તેમનો નાશ કરવા માટે પૂરી ઈમાનદારીથી પ્રયત્નો કરવા જોઈએ.
પતિત થઈ ગયા પછી મોટાભાગે આપણે નિરાશ થઈ જઈએ છીએ અને માનીએ છીએ કે હવે આપણો ઉદ્ધાર થઈ જ નહિ શકે. જે દોષ આવી ગયો છે તે તો હવે મર્યા પછી જ નાશ પામશે. એવા નકારાત્મક વિચાર આપણી અજ્ઞાનતાને જ પ્રદર્શિત કરે છે. તેનો કોઈ જ આધાર હોતો નથી.
ન તો મનુષ્ય હંમેશને માટે પતિત હોય છે અને ન તે હંમેશને માટે મરે છે. મૃત્યુ પછી પણ પુનર્જન્મ થાય છે. સર્વશક્તિમાન પરમેશ્વરમાં એ શક્તિ છે કે જેઓ એક જીવન પછી બીજું જીવન આપે છે. કોઈવાર તો તેઓ આ જીવનમાં પણ મનુષ્યને મૃત્યુના મુખમાંથી પાછો ખેંચીને ફરીથી નવું જીવન બક્ષે છે. આપણો આત્મા એ પરમપિતાની શક્તિનો જ એક અંશ છે. આપણે પણ પતિત થઈને વારંવાર મરતા રહેવાથી આપણી જાતને બચાવીને પોતાને નવું જીવન આપી શકીએ છીએ. આત્માની શક્તિથી જ આપણને આ પરાક્રમ કરવાનું સામર્થ્ય મળે છે. અત્યંત પાપી અને પતિત વ્યક્તિ પણ પ્રભુકૃપાથી પુણ્યાત્મા બની જાય છે. તુલસીદાસ, વાલ્મીકિ, અંગુલિમાલ વગેરેનાં ઉદાહરણો આપણી સામે છે.
જે સંત, મહાત્મા, ગુરુજન અને વિદ્વાન સમાજસેવી લોકોને ઉન્નતિના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે તેમનામાં પ્રચંડ આત્મબળ અને ઈશ્વરકૃપાની અદ્ભુત શક્તિ હોય છે. તેઓ કેટલાય પતિતોને તારે છે, ડૂબતાઓને બચાવે છે, ઘોર પાપીઓને પણ અંતિમ ક્ષણોમાં પુણ્ય જીવન તરફ વાળી દે છે. આપણે એવા ઈશ્વરીય શક્તિથી પરિપૂર્ણ માણસોની મદદ લઈને આપણા દોષદુર્ગુણોમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરવો જોઈએ અને જીવનના ઉદ્દેશને સફળ કરવો જોઈએ.
પ્રતિભાવો