૧૨૧. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૭/૬૬/૯ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 8, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૭/૬૬/૯ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
તે સ્યામ દેવ વરુણ તે મિત્ર સૂરિભિઃ સહ । ઈર્ષ સ્વશ્ચ ધીમહિ | (ઋગ્વેદ ૭/૬૬/૯)
ભાવાર્થઃ સંસારના બધા પદાર્થોમાંથી સારા અને ખરાબનું પૃથક્કરણ કર્યા પછી જે સારું હોય તેને જ ગ્રહણ કરો. દુઃખ અને કલેશથી છુટકારો મેળવવાનો આ જ એક ઉપાય છે.
સંદેશ : ભારતીય જીવનનું, ભારતીય શાસ્ત્રો તથા વિદ્યાઓનું એ જ લક્ષ્ય છે કે અંતઃકરણમાં પરમજ્ઞાનને પ્રગટાવીને મનુષ્યના સંપૂર્ણ જીવનને પ્રકાશિત કરી દેવું. મનુષ્યના ચિત્તમાં જ્ઞાનનો ઉદય થવાથી તેનાં બધાં કર્મો તદનુરૂપ અને તદનુસાર જ થવાં જોઈએ એવી અપેક્ષા રાખવામાં આવે છે. જીવનમાંથી નિરંતર જ્ઞાન પ્રગટ થાય છે. ઘાસના તણખલામાં તથા જીવજંતુઓના સામાન્ય સ્પંદનમાં પણ તે જ્ઞાનનો આભાસ થાય છે. તેને ઓળખીને આત્મસાત્ કરવું અને કર્મમાં બદલવું એ જ ભારતીય સંસ્કૃતિની એકમાત્ર અભિલાષા છે. અહીંયાં જ્ઞાનને પોથીઓ અને પુસ્તકોમાં અથવા મઠમંદિરોમાં પૂરાયેલું સમજીને માનવજીવનથી તેને અલગ માનવામાં નથી આવ્યું. “જ્ઞાનમય કર્મ અને કર્મમય જ્ઞાન” આ જ ભારતીય તત્ત્વજ્ઞાનનો સાર છે.
ભારતીય વેદાંતશાસ્ત્ર ફક્ત સૈદ્ધાંતિક નથી, પરંતુ જીવનમાં આચરણ કરવા યોગ્ય પણ છે. જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં તે ઉપયોગી બને છે. આધ્યાત્મિક જીવન અને ભૌતિક જીવન બંને આ જ્ઞાનમય કર્મથી લાભાન્વિત થાય છે. કર્મ જ જીવનનું લક્ષણ છે. એટલા માટે આળસુ, મૂર્ખ તથા અજ્ઞાની મનુષ્ય નિષ્ક્રિય અને મરેલા જેવો હોય છે. જ્ઞાની માણસ શાંત અને સંતુલિત વૃત્તિનો હોય છે. તે કદીય ક્રોધ નથી કરતો, ચિડાતો નથી, રડતો નથી. શાંતિ અને સમજદારીથી પોતાનું કામ કરતો રહે છે. જ્ઞાની માણસ નવાનવા રસ્તાઓ શોધે છે. નવા રસ્તાઓનું અનુસરણ કરે છે. તેની આંખો પર પાટા બાંધેલા હોતા નથી. તે સંકુચિત વિચારોને નફરત કરે છે.જેનાથી પ્રાણીમાત્રને લાભ થાય એવાં કાર્યો તેને પવિત્ર લાગે છે. “આત્મવત્ સર્વભૂતેષુ”ની વ્યાપક દૃષ્ટિથી તે પોતાનાં બધાં કાર્યોની પ્રામાણિકતાને ચકાસે છે. બધાં પ્રાણીઓ માટે તેને એકસરખો પ્રેમ હોય છે. એટલા માટે જ્ઞાની માણસ બધા સાથે પ્રેમનો વ્યવહાર કરે છે.
પોતાના જીવનને સુખી તથા સમૃદ્ધ બનાવવા માટે જ્ઞાન અને કર્મનો યોગ્ય સમન્વય કરવો જરૂરી છે. એના માટે દૃઢ નિશ્ચયથી કામ કરવું પડશે. આપણે ત્યાં સવારે વહેલા ઊઠવાથી માંડીને રાત્રે સૂતા સુધીની વિશેષ દિનચર્યા બનાવવામાં આવી છે. જ્ઞાનના આધારે પ્રત્યેક પદાર્થનું સારી રીતે વિશ્લેષણ કરીને સારાને ગ્રહણ કરવાનો અને ખરાબને છોડી દેવાનો સ્વભાવ બનાવવો પડે છે. નાનાંનાનાં સામાન્ય તત્ત્વોને પણ જોઈતપાસીને તથા આચરણમાં ઉતારીને આપણી જાતને સુસંસ્કારી કરવી પડે છે, ત્યારે જ અંતઃકરણમાં રહેલું જ્ઞાન આચરણમાં ઊતરે છે. જીવનમાં મહાન તત્ત્વ અને દિવ્યતાનો જ પ્રકાશ દેખાવા લાગે છે અને દોષદુર્ગુણો નજીક પણ ફરકી શકતા નથી.
જ્ઞાન અને કર્મના યોગ્ય સમન્વયથી જ જીવનમાં સુખશાંતિની અમૃતવર્ષા થાય છે. વિવેકબુદ્ધિથી નીતિ-અનીતિ, સત્ય-અસત્ય અને યોગ્ય-અયોગ્યનું સારી રીતે વિશ્લેષણ કરીને શુભ-અશુભનો નિર્ણય કરવો પડે છે. ત્યાર પછી એ નિર્ણય પ્રમાણે દૃઢતાપૂર્વક આચરણ કરવું પડે છે.
આમાં જ જીવનની સફળતા છે.
પ્રતિભાવો