૧૨૨. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૭/૮૯/૩ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 8, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૭/૮૯/૩ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
ક્રત્વઃ સમહૃદીનતા પ્રતીપં જગમા શુચે । મૃણા સુક્ષત્ર મૃણય ॥ (ઋગ્વેદ ૭/૮૯/૩)
ભાવાર્થ: ઈશ્વરને સાક્ષી રાખીને આપણી ખામીઓ, દુર્ગુણો અને દુષ્કર્મોને સ્વીકારતા રહીએ કે જેથી એમના નિવારણમાં ઢીલાશ ન આવે. ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે હે પ્રભુ ! અમારા દુર્ગુણો દૂર કરો.
સંદેશ : દ૨રોજ આપણે ૬ થી ૭ કલાક સૂઈએ છીએ. એનો અર્થ એ થયો કે આપણે ૧૭ થી ૧૮ કલાક સુધી રોજ જાગૃત અવસ્થામાં રહીએ છીએ. આખા દિવસમાં આપણા મનમાં અસંખ્ય વિચારો આવે છે. આપણે ઘણોબધો વાર્તાલાપ તથા નિર્ધારિત કર્મો કરીએ છીએ. આપણે કોઈ એક વિશેષ દિવસને જ લઈએ અને વિચાર કરીએ કે આપણે કાલે શું શું વિચાર્યું, શું કહ્યું અને શું કર્યું ? જો આપણે આપણી અંદર ડોકિયું કરીને જોઈએ અને થોડુંક આત્મનિરીક્ષણ કરીએ, તો આપણે જાણીશું કે કાલે કેટલા બિનજરૂરી શબ્દોનું ઉચ્ચારણ કર્યું, કેટલા અપશબ્દો બોલ્યા, કેટલા કુવિચારો આપણા મનમાં આવ્યા. ત્યારે આપણને સમજાશે કે મોટાભાગના શબ્દો અને વિચારો દોષપૂર્ણ, મૂર્ખતાપૂર્ણ તથા ખામીયુક્ત હતા. ફક્ત એક જ દિવસના આત્મવિશ્લેષણથી આપણી એવી મનોવૃત્તિ થઈ જશે કે “હું આટલા બધા દોષપૂર્ણ વિચારો તથા ખરાબ કૃત્યોમાં ડૂબેલો રહ્યો અને મારા અમૂલ્ય માનવજીવનનો એક દિવસ વ્યર્થમાં વિતાવી દીધો.” આવી મનોવૃત્તિથી બચવા માટે આપણે ઈશ્વરની મદદ લેવી જોઈએ. પ્રતિક્ષણ આપણે ઈશ્વરમાં વિશ્વાસ રાખવો જોઈએ.
જો આપણે ઈશ્વરને સર્વવ્યાપક માનીને તેમને આપણા મિત્ર, સખા તથા હિતેચ્છુ સમજતા રહીશું, તો આપણી ભૂલોને શોધવામાં અને સ્વીકારવામાં આપણને કોઈ પણ પ્રકારનો સંકોચ થશે નહિ. તે તો સર્વજ્ઞાતા છે, સર્વજ્ઞ છે, બધું જોઈ જ રહ્યો છે, તો પછી એની સામે ખચકાટ કેવો ? ત્યારે એ કહેવામાં કોઈ પણ શરમ આડે આવતી નથી કે “હું કેટલો મૂર્ખ છું કે જાણતો તથા સમજતો હોવા છતાં પણ મારાં કર્તવ્યોની વિરુદ્ધ આચરણ કરી રહ્યો છું. હું જાણું છું કે આ કામ કરવું ના જોઈએ, છતાં પણ કરી દઉં છું. કોઈક શુભ સંકલ્પ કરું છું, પરંતુ માનસિક રૂપથી એટલો અશક્ત બની જાઉં છું કે તેને નિભાવી નથી છું શકતો. મનમાં સારાસારા વિચારો આવે છે, પરંતુ ખોટી લોકલાજને કા૨ણે હું એમનું આચરણ કરી શકતો નથી. હું સમજું છું કે મારું કર્મ શું છે ? હૃદય કહે છે કે તું અવળા માર્ગે ચાલી રહ્યો છે, છતાં પણ હું એટલો દુર્બળ છું કે એ અવળા માર્ગે જ ચાલતો રહું છું.”
જ્યારે આ પ્રકારની ભાવના પ્રબળ થઈ જાય છે ત્યારે ભૂલોને, દોષ દુર્ગુણોને છોડવાની આત્મિક શક્તિ પ્રાપ્ત થાય છે. આત્મનિરીક્ષણ દ્વારા પોતાની ભૂલોને ઓળખવાથી, સ્વીકારવાથી તથા એ માટે પોતાની જાતને ધિક્કારવાથી એવી ઈશ્વરીય પ્રેરણા મળે છે, જે આપણને આ દીનતા, અશક્તતા અને આત્મતેજના અભાવમાંથી મુક્તિ અપાવે છે. ત્યારે તે સર્વજ્ઞ, શુભ, શક્તિમાન પરમેશ્વર આપણને પોતાના તેજથી પ્રકાશવાન કરી દે છે. તેમનો આશ્રય લેવાથી, તેમની સમક્ષ સાચા હૃદયથી પોતાના દોષો સ્વીકારી લેવાથી અને ભવિષ્યમાં એ દોર્ષોનું પુનરાવર્તન ન કરવાનો સંકલ્પ લેવાથી તે ન્યાયકારી દયાળુ પરમેશ્વર આપણને માફ કરી દે છે. ત્યારે તે આપણા આ નકામા જીવનને કે જેમાં ડગલે ને પગલે અસફળતાઓ મળતી હતી તેને સુખશાંતિથી પરિપૂર્ણ કરી દે છે. આપણી ખરાબ ટેવો છૂટવા લાગે છે, કુવિચારો તથા કુસંસ્કારો દૂર ભાગવા માંડે છે અને આપણું જીવન સાર્થક થઈ જાય છે.
આપણી ભૂલોનો સ્વીકાર કરવો તે તેમને દૂર કરવાનો સૌથી સરળ માર્ગ છે.
પ્રતિભાવો