૧૩૦. વેદોનો દિવ્ય સંદેશ – સામવેદ ૬૫૩ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 8, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – સામવેદ ૬૫૩ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
સ ન પવસ્ય શં ગવે શં જમર્વતે । શ ગુમ્ રાજન્નોષધીમ્યઃ ॥ (સામવેદ ૬૫૩)
ભાવાર્થ : મનુષ્યના જીવનમાં આપત્તિઓ, મુશ્કેલીઓ, વિપરીત પરિસ્થિતિઓ અને મુસીબતની પળો આવતી જ રહે છે. સુખ અને દુઃખ જીવનરથનાં બે પૈડાં છે. એનાથી કદીય ડરવું અને ગભરાવું ના જોઈએ. મુશ્કેલીઓ મનુષ્યને સંઘર્ષ કરવાની શક્તિ આપે છે અને તેની ઉન્નતિ તથા આત્મિક વિકાસમાં મદદરૂપ થાય છે.
સંદેશ : આપણી ઉપર પરમાત્માના ઘણા ઉપકારો છે. તેમણે આપણને દરેક પ્રકારની સુખસગવડો પૂરી પાડી છે, પરંતુ આપણી ચારેબાજુએ એવા અનેક માણસો છે કે જેઓ દીનદુઃખી છે, રોગી છે, પતિત છે. આપણે આપણી પ્રતિભા અને ક્ષમતાનો તેમને મદદ કરવામાં ઉપયોગ કરવો જોઈએ. આપત્તિ જ પ્રેમની કસોટી છે. મુશ્કેલીમાં આવી પડેલાં ભાઈભાંડુઓ, પાડોશીઓ વગેરે પ્રત્યે આપણો વ્યવહાર કેવો છે એ જ આપણા ચારિત્ર્યનું સાચું માપ છે. પડોશમાં આગ લાગી હોય ત્યારે શું આપણે શાંતિથી ઘરમાં બેસી રહી શકીશું ? લોકો ભૂખથી તરફડતા હોય ત્યારે શું આપણે મિજબાનીઓ ઉડાવી શકીશું ? નિરભિમાની થઈને લોકોની સેવા કરવાનો ઉલ્લાસ મનમાં ઉત્પન્ન થાય ત્યારે જ આપણો પ્રેમ સાચો છે.
સંસારમાં આપણી ચારેબાજુએ જાતજાતની વિચારધારાવાળા લોકો રહે છે. બધાને પોતપોતાનો સ્વાર્થ પણ હોય છે. તેમની પ્રતિભા, ક્ષમતા અને બુદ્ધિનું સ્તર પણ જુદું જુદું હોય છે. આ પરિસ્થિતિમાં અથડામણ થવી શક્ય છે. બધા જ લોકો આપણા વિચારોની સાથે સહમત ના થઈ શકે. તેઓ આપણા માટે મુશ્કેલીઓ અને તકલીફો ઉત્પન્ન કરતા રહે છે. આ જ તો વાસ્તવિક જીવન છે. મુશ્કેલીઓની સામે ઝઝૂમતાં વિપરીત પરિસ્થિતિઓને અનુકૂળ કરી દેવાની ક્ષમતા જેમનામાં હોય છે તેઓ જ જીવનસંગ્રામમાં વિજયશ્રી મેળવે છે. આવા જ લોકો પોતાનું ભલું કરે છે અને સાથેસાથે બીજાઓનું પણ ભલું કરવામાં સમર્થ હોય છે.
બીજાઓની ભલાઈ કરવામાં, સેવા કરવામાં, પરોપકાર કરવામાં આપણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઘરવાળાં વિરોધ કરે છે, ‘લોકો શું કહેશે’ તેની બીક લાગે છે, સમય તથા સાધનો પણ ખર્ચવાં પડે છે અને કોઈ પ્રત્યક્ષ લાભ પણ દેખાતો નથી, પરંતુ હકીકતમાં આ પરોપકાર કરવામાં ઘણા જ લાભો છે. માનસિક શાંતિ અને આત્મિક સંતોષ તો મળે જ છે, સાથે સાથે પરમપિતા પરમેશ્વરની અસીમ કૃપા પણ મળે છે. જે પરમાર્થ માટે પોતાના સ્વાર્થનો ત્યાગ કરે છે તેને જ પરમાત્માની કૃપા મળે છે. ત્યાગ કરનારનો, બલિદાન આપનારનો તો દેવો પણ આદર કરે છે – દેવાઃ સદા બલિ પ્રયચ્છતિ’ દ્રૌપદીએ એક દુઃખી સાધુની લાજ બચાવવા માટે પોતાની અડધી સાડી ફાડીને આપી હતી. જરૂર પડતાં ભગવાને તેની સાડીને લાખોગણી વધારી દીધી હતી.
પરોપકારથી મનુષ્યજીવનની શોભા અને મહિમા વધે છે. સાચા પરોપકારી હંમેશાં પ્રસન્નચિત્ત રહે છે. તેઓ બીજાઓનાં કાર્યો કરીને હર્ષની અનુભૂતિ કરે છે, પોતાની અંદર દિવ્યપ્રકાશનો અનુભવ કરે છે. તેમને જીવનમાં યશ અને સન્માન મળે છે. હલકટ માણસ ધનની જ ઇચ્છા કરે છે, મધ્યમવર્ગનો માણસ ધનવાન બનવા ઇચ્છે છે અને ઉત્તમ માણસ ફક્ત માન જ ઇચ્છે છે. જે માણસો સર્વોચ્ચ શ્રેણીના હોય છે તેઓ તો માન પણ ઇચ્છતા નથી અને ફક્ત નિઃસ્વાર્થ ભાવથી પરમાર્થનાં કાર્યોમાં લાગ્યા રહે છે,
પરોપકારની ભાવનાથી અંતઃકરણના હલકા વિચારો નષ્ટ થઈ જાય છે.
પ્રતિભાવો