૪. શક્તિપીઠોનું સ્વરૂપ અને તેમની દિશાધારા

શક્તિપીઠોનું સ્વરૂપ અને તેમની દિશાધારા
કોઈ પણ મહાન કાર્ય પાછળ એક ઉમદા ઉદ્દેશ્ય અને સૂક્ષ્મ પ્રેરણાપ્રવાહ હોય છે, છતાં એના શ્રીગણેશ તો કોઈક નાના સ્થૂળ કાર્ય વડે જ થાય છે. શક્તિપીઠોની સ્થાપનાના કાર્યને યુગઋષિએ યુગાંતરીય ચેતનાપ્રવાહને વિશ્વવ્યાપી બનાવવાના વિરાટ આંદોલનની શુભ શરૂઆત જ ગણાવ્યું હતું. સમયની માંગને પૂરી કરવા માટે તેમની જરૂરિયાત સાથે મર્યાદાઓ અને દિશાધારા પણ તેમણે સ્પષ્ટ કરી છે. અખંડજ્યોતિ એપ્રિલ ૧૯૭૯ના અંકમાં ‘અપનોં સે અપની બાત’ માં તેમણે લખ્યું હતું :


“નિર્દેશ મળ્યો અને સંકલ્પ જાગ્યો કે યુગશક્તિના શક્તિસ્રોતોના રૂપમાં અસંખ્ય ગાયત્રી શક્તિપીઠોની સ્થાપના કરવામાં આવે અને તેમના દ્વારા સર્વત્ર યુગાંતર ચેતનાની શક્તિનો વિસ્તાર કરવામાં આવે. જનમાનસમાં ઉત્કૃષ્ટ આદર્શવાદની સ્થાપના કરવામાં આવે તો ઉજ્જવળ ભવિષ્યનાં સ્વપ્ન સાકાર થઈ શકે. એ સમજવું જોઈએ કે આ શક્તિપીઠો માત્ર મંદિરો નથી. દેવદર્શનથી ભાવુક ભક્તોને સંતોષ તો થાય છે, છતાં સારાં પરિણામોની આશા રાખતા હોઈએ તો તેને અનુરૂપ પ્રયત્નો હોવા જરૂરી છે. જે ગાયત્રી શક્તિપીઠો બની રહી છે તેમાં આદ્યશક્તિ મા ગાયત્રી તેની ચોવીસ શક્તિધારાઓ સાથે પ્રતિમાના રૂપમાં હશે, પણ આ શરૂઆત જ કહેવાય, અંત નહિ. દર્શનાર્થીઓ દેવપ્રતિમાનાં દર્શન કરી યુગને અનુરૂપ પોતાના જીવન તથા ચિંતનને ઉત્કૃષ્ટ બનાવવા તથા ચરિત્રને ઊંચું ઉઠાવવા અને આદર્શવાદ અપનાવવા જરૂરી પ્રેરણા પણ આ દેવાલયોમાંથી મેળવી શકે. એવા પ્રયત્નોને યોજનાબદ્ધ રીતે ગાયત્રી શક્તિપીઠોની સાથે જ જોડી દેવામાં આવ્યા છે.
દેવાલય અને આશ્રમ શક્તિપીઠના બે અલગ વિભાગો છે. પ્રથમ ચરણમાં જનસંપર્ક માટે દેવાલયોની સ્થાપના અને બીજા ચરણમાં તાલીમ શિબિરો તથા સાધના માટે આશ્રમો બનશે. દેવાલય એવા વસ્તીવાળા વિસ્તારોમાં હશે, જ્યાં આગંતુકોની ભીડ તીર્થયાત્રાના બહાને રહેશે. આશ્રમો એવી જગ્યાએ બનશે, જ્યાં શાંત વાતાવરણ હોય. વસ્તીવાળા વિસ્તારોમાં જમીન ઘણી મુશ્કેલીથી અને મોંઘા ભાવે મળે છે, જેથી જનસંપર્કના ઉદ્દેશ્યથી માત્ર થોડાં સાધનો અને થોડી સગવડો સાથે ઓછી જગ્યામાં પણ વ્યવસ્થા કરી શકાય. આશ્રમોમાં વધારે સમય રહેવા માટે, નિવાસ અને નિર્વાહ માટે શાંત વાતાવરણની જરૂર છે. આવાં સ્થળો કુદરતના ખોળે, હરિયાળા અને શાંતિદાયક વાતાવરણમાં હોવાં જોઈએ. હરિદ્વારમાં આવું જ કરવામાં આવ્યું છે. બ્રહ્મવર્ચસમાં ગાયત્રી શક્તિપીઠના રૂપમાં એક શોધસંસ્થાનની વ્યવસ્થા છે. સાધકોને જીવનનિર્માણની તાલીમ અને અનુભવ પ્રાપ્ત કરવા ગાયત્રીનગર વસાવવામાં આવ્યું છે. આવી જ વ્યવસ્થા નક્કી કરેલી ૨૪ શક્તિપીઠોમાં રહેશે. તેમાં બે ભાગ રહેશે. પ્રચાર અને જનસંપર્ક માટે દેવાલય અને તાલીમ તથા સાધના માટે નિવાસની સુવિધાવાળો આશ્રમ, આરણ્યક.
જનસંપર્ક માટે સઘન વિસ્તાર જોઈએ. જમીનના અભાવે તેને ત્રણ માળવાળી ઈમારત બનાવવી પડશે. આશ્રમો એક માળવાળી ઈમારતો હશે, જે મોટા વિસ્તારમાં હરિયાળી સાથે હશે. બંનેના ઉદ્દેશ્ય એકબીજાના પૂરક છે. તેથી આ બંને સાથેસાથે હોય તો વધારે સારું. જ્યાં શક્ય હશે ત્યાં આ પ્રમાણે વ્યવસ્થા કરવાનું વિચારીશું, છતાં મોટેભાગે બંને અલગ અલગ સ્થળોમાં બે તબક્કામાં બનશે. પ્રથમ ચરણમાં ગાયત્રી શક્તિપીઠોનો પૂર્વાર્ધ પૂરો કરવામાં આવશે અને ત્રણ મજલાવાળાં દેવાલય બની રહ્યાં છે. બીજા ચરણમાં આ સ્થળોએ આશ્રમો બનશે, જેના માટે વધારે જમીન સસ્તી કિંમતે મેળવવામાં આવશે.
ગઈ વસંતપંચમી પર ઘોષિત થયેલી ૨૪ શક્તિપીઠોના સંકલ્પમાં ત્રણ મજલાવાળાં દેવાલયોના નિર્માણની જ રૂપરેખા છે. નીચલા માળે ગાયત્રી માતાની ભવ્ય પ્રતિમા હશે. તેના આગળના ભાગમાં વિશાળ હૉલ હશે, જ્યાં વધારે પ્રમાણમાં લોકો ઉપસ્થિત રહી દર્શન કરી શકે, જેથી આરતી, પૂજા વગેરેમાં આટલા બધા લોકોને તકલીફ ન પડે. બીજા માળને સત્સંગ ભવન માનવો જોઈએ. તેને ચર્ચાપરામર્શ ભવન પણ કહી શકાય. ગાયત્રી વિદ્યા સંબંધે ઉત્સુક જિજ્ઞાસુઓની જિજ્ઞાસાને અનુરૂપ માર્ગદર્શન આપી શકાય એવી વ્યવસ્થા બનશે. એક વિદ્વાન જાણકાર આ માટે ત્યાં હંમેશાં હાજર રહેશે. ઉપરવાળા ત્રીજા માળે કાર્યકર્તા નિવાસ તથા અતિથિભવન હશે. આ શક્તિપીઠોની અનેકવિધ પ્રવૃત્તિઓનું સંચાલન ક૨વા ઓછામાં ઓછા પાંચ અને વધુમાં વધુ ૧૦ પરિવ્રાજકો સ્થાનિક રૂપથી સદાય રહેશે. તેમના રહેવા, જમવા, સૂવાની અને સ્વાધ્યાય, ઉપાસના, ચિંતનની તમામ વ્યવસ્થા ત્રીજે માળે જ રહેશે. દેવાલય, સત્સંગ, ભવન અને કાર્યકર્તા નિવાસ, અતિથિગૃહ એ ત્રણેય હેતુ એકબીજાના પૂરક છે અને તેમને પરસ્પર જોડ્યા વિના તીર્થનિર્માણની જરૂરિયાતો પૂરી ન થઈ શકે.’
સમયનો પોકાર :
પૂ. ગુરુદેવે યુગનિર્માણ અભિયાનનાં કાર્યોના વ્યવસ્થિત વિકાસ માટે શક્તિપીઠોને સમયની મહત્ત્વપૂર્ણ જરૂરિયાત ગણાવી છે. અખંડ જ્યોતિ સપ્ટેમ્બર ૧૯૭૯માં તેઓ સ્પષ્ટ લખે છે :
“જેમની પાસે સૂક્ષ્મ દર્શનનો આભાસ કરાવનારી દિવ્યદૃષ્ટિ મળી છે તેમને લાગશે જ કે યુગપરિવર્તનની સુખદ સંભાવનાઓને સાકાર કરવાનું કાર્ય ગાયત્રી શક્તિપીઠોથી કેટલું સરળ થઈ શકે એમ છે. સ્થળ ન હોય તો બેસવું ક્યાં ? બેસવાની જગ્યા ન હોય તો શું કરવું ? છૂટાંછવાયાં અમુક કામ તો હરતાંફરતાં કરી શકાય, પણ અનેકવિધ પ્રવૃત્તિઓનું સંચાલન તો કેન્દ્રો દ્વારા જ થઈ શકે. ગાયત્રી તપોભૂમિ, શાંતિકુંજ, બ્રહ્મવર્ચસ્, ગાયત્રીનગર વગેરે આશ્રમોનું અસ્તિત્વ ન હોત, બધું હરતાંફરતાં કરવાનું વિચાર્યું હોત, તો અત્યારે જે થઈ રહ્યું છે તેના સોમા ભાગ જેટલું કામ પણ ન થઈ શક્યું હોત. હવે મથુરા અને હરિદ્વારના બે આશ્રમો પણ પૂરતા નથી. કાર્યક્રમોની ઘનિષ્ઠતા અને વ્યાપનો વિચાર કરતાં ઘણાં કેન્દ્રો બનાવવાની જરૂર ઊભી થઈ છે. વિદ્યુત ઉત્પાદન માટે કોઈ મોટું કેન્દ્ર હોઈ શકે, પરંતુ પ્રત્યેક શહેરનું, પ્રત્યેક મહોલ્લાનું સબસ્ટેશન બનાવવું પડે અને અનેક ટ્રાન્સફોર્મરો લગાવવાં પડે. સત્તા ભલે દિલ્હીમાં રહી, પણ શાસનતંત્ર ચલાવવા ક્ષેત્રીય કાર્યાલયોની જરૂર પડે છે.
યુગસર્જનની ચેતનાનું સૂત્રસંચાલન એક વ્યક્તિ અથવા એક જ કેન્દ્રથી થઈ શકે નહિ. એના માટે પેટા વિભાગો, નાનાં નાનાં સ્ટેશનો જોઈએ. ગાયત્રી શક્તિપીઠોને મહાન સૂત્રસંચાલનના વિકેન્દ્રીકરણનો એક ભાગ માનવી જોઈએ. તેમને વર્તમાન પેઢી માટે ગૌરવનું અને આવનારી પેઢીઓ માટે સુખદ સંભાવનાઓનું કેન્દ્રબિંદુ માની શકાય. સમય પહેલાં બડાશ હાંકવાનો કોઈ અર્થ નથી. જ્યારે આ કલ્પવૃક્ષોને ફળ આવવાનો સમય આવશે ત્યારે જ બધાંને ખ્યાલ આવશે. જે થવાનું છે તે બાબતે ઘણુંબધું કહી શકાય એમ છે, છતાં સંકોચ સાથે ટૂંકાણમાં જ રજૂ કરવામાં આવ્યું છે.’
તેમણે શક્તિપીઠોનું મહત્ત્વ સમજાવી તેમની ગરિમાને અનુરૂપ કાર્યપદ્ધતિ અને મર્યાદાઓને ધ્યાનમાં રાખી એપ્રિલ ૧૯૭૯ના અખંડ જ્યોતિમાં લખ્યું :
કાર્યપદ્ધતિ
“તીર્થોમાં નિયમિત રીતે નીચે પ્રમાણે કાર્યો થતાં રહેશે :
૧. દેવપ્રતિમા પાસે એક પરિવ્રાજક હશે, જે દર્શકોને ગાયત્રી માતાનું મહત્ત્વ સમજાવી તેમનો પ્રસાદ પ્રત્યેક દર્શનાર્થીને આપશે.
૨. બીજો પરિવ્રાજક વિશાળ ભવનમાં લગાવેલ ગાયત્રીની ચોવીસ શક્તિ ધારાઓનાં ચોવીસ ચિત્રોનો પરિચય આપવા માર્ગદર્શકની જેમ દર્શનાર્થીઓ સાથે રહેશે.
૩. ગાયત્રી વિદ્યામાં રુચિ દર્શાવતા જિજ્ઞાસુઓના સમાધાન અર્થે એક પરિવ્રાજર્ક સત્સંગભવનમાં હંમેશાં રહેશે.
૪. એક પરિવ્રાજક સાહિત્ય સ્ટોલ સંભાળશે.
૫. જ્યાં તીર્થયાત્રીઓ હરે ફરે છે, રહે છે એવાં સ્થળોએ જઈને એક પરિવ્રાજક લગભગ એક હજારની સંખ્યામાં ગાયત્રી માતાનાં સુંદર ચિત્રો વિના મૂલ્યે દરરોજ વહેંચશે અને ગાયત્રી તીર્થમાં જઈ વધારે પ્રકાશ મેળવવાની પ્રેરણા આપતો રહેશે. આ રીતે પાંચેય પરિવ્રાજકોની ફ૨જ મંગલા આરતીથી માંડીને સંધ્યા આરતી સુધી રહેશે અને તેઓ પોતાનું કામ નિષ્ઠાથી કરતા રહેશે.
જો પાંચ પરિવ્રાજકોની જ વ્યવસ્થા થશે તો તીર્થ થોડો સમય ખોલવા અને બંધ કરવાની વ્યવસ્થા રાખીશું, કારણ કે તેમને પોતાનું ભોજન બનાવવા, ખાવા, વિશ્રામ કરવા તથા અન્ય જરૂરી કામોની વ્યવસ્થા માટે પણ સમય જોઈએ. એટલો સમય મંદિર બંધ રાખવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. જ્યાં દસ પરિવ્રાજકોની વ્યવસ્થા થશે ત્યાં તેમની ફરજો બદલાતી રહેશે. મંગલા આરતીથી સાયં આરતી સુધી મંદિર ખુલ્લું જ રહેશે. જ્યાં આટલી સગવડ થાય ત્યાં સમજવું કે પૂરી વ્યવસ્થા છે. જ્યાં પાંચ પરિવ્રાજકોથી કામ ચાલે છે ત્યાં સમજવું કે કામચલાઉ વ્યવસ્થા બની છે. ક્ષેત્રોમાં અવારનવાર ગાયત્રી યજ્ઞો અને યુગનિર્માણ સંમેલનો થતાં રહેશે. જ્યાં દસ પરિવ્રાજકોમાંથી બે બેની ટુકડીમાં જવા માટે તૈયારી રાખવી પડશે. ચારને એ વિસ્તારની શિબિરો તથા આયોજનોમાં મોકલવામાં આવે અને બાકીના છ જણ તીર્થની વ્યવસ્થા સંભાળશે. યાત્રીઓની ભીડના દિવસોમાં દસેય પરિવ્રાજકો તીર્થ પર જ હાજર રહે. બાકીના દિવસોમાં બે-બેની ટોળીમાં ક્ષેત્રમાં જનજાગૃતિ માટે જાય. આમ બંને કાર્ય પૂરાં થઈ શકશે.
૧. દેવાલયોના માધ્યમથી પ્રજ્ઞાવતારના ઉદયનો પરિચય ધાર્મિક જગતમાં ઝડપથી ફેલાઈ શકશે.
૨. અભિયાનને વિશ્વવ્યાપી બનાવવા પરિવ્રાજકો મોટી સંખ્યામાં તૈયાર થાય તે માટે યોજના બનાવવી પડશે. ૩. વિચારક્રાંતિ માટે યુગસાહિત્ય તમામ લોકો સુધી પહોંડવું પડશે. આ ત્રણેય ઉદ્દેશ્યો તીર્થયોજનાના માધ્યમથી એક સાથે વ્યવસ્થિત રૂપે પૂરા કરી શકશે. આ તીર્થોમાં મૂર્તિઓ સમક્ષ પૈસા ફેંકવાના રિવાજને બંધ કરી દેવાશે. જો દર્શક શ્રદ્ધાંજલિના રૂપે કંઈક આપવા માગતો હોય તો તરત તેને તેમાંથી દોઢા-બમણા મૂલ્યનું પ્રસાદ સાહિત્ય અને એક રૂપિયો ભેટ આપનારને એક ચાલીસા અને ગાયત્રી માતાનું ચિત્ર આપવામાં આવશે. આ રીતે ચઢાવેલી ભેટના બદલામાં તરત જ થોડું વધારે પાછું મળવાથી તીર્થયાત્રીની શ્રદ્ધામાં ઘટાડો નહિ થાય. તીર્થયાત્રીઓ ઘેર પાછા ફરે છે ત્યારે સગાંસંબંધીઓ માટે તીર્થપ્રસાદ લઈ જઈ વહેંચે છે. આ માટે પ્રસાદ પેકેટ પહેલેથી તૈયાર કરવાનાં છે, જેમાં દસ ચાલીસા અને ચોવીસ ચિત્રો મેળવનાર સાચા અર્થમાં તીર્થનો પ્રેરણાપ્રસાદ મેળવી ધન્ય બનશે. આ પ્રસાદ વિતરણથી યુગશક્તિ ગાયત્રીનો પ્રકાશ દેશવિદેશમાં ખૂણેખૂણે પહોંચશે. આ ચિત્રો પાછળ ગાયત્રીનું મહત્ત્વ અને તેના પ્રયોગો પણ છાપેલા હશે, જેથી તેના ઉપયોગની જાણકારી પ્રસાદ મેળવનારને મળી રહે.
રજતજયંતી વર્ષમાં આદ્યશક્તિ ગાયત્રીનો યુગશક્તિના -રૂપમાં પરિચય આપતું સાહિત્ય મિશનના સૂત્રસંચાલકે નવેસરથી લખ્યું છે. આમાં અત્યાર સુધીનો સારાંશ અને ભવિષ્યના કાર્યક્રમોનો નિચોડ રજૂ કરેલો છે. આ પ્રકારનાં કુલ વીસ પુસ્તકો છે. તે ગાયત્રી મહાશક્તિનાં તમામ પાસાં પર પ્રકાશ પાડતું સાહિત્ય છે. આ પુસ્તકોને ભારતની તથા સંસારની લગભગ તમામ ભાષાઓમાં બહાર પાડવાનું આયોજન છે. ટાઈટલ નયનરમ્ય બનાવ્યું છે, કાગળ, છાપકામ તથા પાનની સંખ્યાની દૃષ્ટિએ વર્તમાન સંજોગોમાં સસ્તી કિંમતે ઉચ્ચ ગુણવત્તાવાળાં છે.’
અહીં પૂજ્યવરે જે સાહિત્યની વાત કરી છે તે ક્રાંતિધર્મી સાહિત્ય સેટના નામથી મળે છે. આ સંદર્ભમાં ગુરુવરે કહ્યું હતું કે લખેલા તમામ સાહિત્યમાંથી જો આટલું જ વાંચવામાં આવશે, તો પણ યુગનિર્માણનો પ્રવાહ પ્રખર બની જશે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: