૧૧૨. વેદોનો દિવ્ય સંદેશ – યજુર્વેદ ૧/૭ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 8, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – યજુર્વેદ ૧/૭ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
પ્રત્યુષ્ટ ગુમ્ રક્ષઃ પ્રત્યેષ્ટા ડ અરાતયો નિષ્ટાસ ગુમ્ રક્ષો નિષ્ટસા ડ અરાતયઃ । ઉર્વન્તરિક્ષમન્વમિ ॥ (યજુર્વેદ ૧/૭)
ભાવાર્થ : મનુષ્યોનું કર્તવ્ય છે કે તેઓ પોતાના દુષ્ટ સ્વભાવનો ત્યાગ કરીને વિદ્યા અને ધર્મના પ્રચાર દ્વારા બીજાઓને પણ અધર્મ અને દુષ્ટતાના વ્યવહારથી બચાવવાનો પ્રયત્ન કરે. જ્ઞાન અને સુખને ધ્યાનમાં રાખીને બધા જ માણસોને વિદ્યાવાન, ધર્મશીલ અને પુરુષાર્થી બનાવવા એ જ આપણું પરમ કર્તવ્ય છે.
સંદેશ: માનવજીવન સતત સંઘર્ષ અને આંતરિક મનોમંથનની વાર્તા છે.અંતરાત્માનો પોકાર અને ઇન્દ્રિયસુખનાં પ્રલોભનોની વચ્ચે હંમેશાં એક રસાકસી ચાલતી રહે છે.આપણે દૃઢતાપૂર્વક પરમલક્ષ્ય તરફ અગ્રેસ૨ થવા માગીએ છીએ, પરંતુ બાહ્યજગતનાં પ્રલોભનો આપણને વિપરીત દિશામાં ખેંચી જાય છે. શરીર આપણા માનસિક આદર્શોને સાથ આપતું નથી અને આપણે ઇચ્છાઓ તથા વાસનાઓના દાસ બની જઈએ છીએ. ઇન્દ્રિયસુખોની પાછળ ભાગતા રહેવાથી છેવટે આપણો વિનાશ થઈ જાય છે. આપણે એ ભૂલી જઈએ છીએ કે શાશ્વત આનંદની પ્રાપ્તિ ઇન્દ્રિયસુખના ત્યાગમાં છે, નહિ કે ભોગમાં.
પરમપિતા પરમેશ્વરે આપણને આ દુર્લભ માનવજન્મ શું ફક્ત ઇન્દ્રિય સુખો પાછળ ભટકવા અને વેડફી નાખવા માટે આપ્યો છે? “ખાઓ, પીઓ અને મોજ કરો”, શું આ જ જીવનનું લક્ષ્ય છે? આપણી ઇચ્છાઓ અને લાલસાઓ પૂરી કરવા માટે આપણે દરેક પ્રકારનાં યોગ્ય-અયોગ્ય કાર્યો કરતા રહીએ છીએ, પણ શું એનાથી આપણને તૃપ્તિ થાય છે ખરી ? ના, આપણી ઇચ્છાઓ હનુમાનજીના પૂંછડાની જેમ લાંબી ને લાંબી જ થતી જાય છે, તૃષ્ણાનો અગ્નિ વધારે પ્રબળ થતો જાય છે. શું તેને શાંત કરવો શક્ય છે? માનવજીવનની વિટંબણા એ છે કે આપણે આપણા અંતરાત્માના પોકારને અવગણીને પરમાનંદની પ્રાપ્તિનો માર્ગ છોડીને ક્ષણિક સુખના પ્રેય માર્ગ તરફ વળી જઈએ છીએ.
માયા, મોહ તથા લોભમાં ફસાઈને ભૌતિક વસ્તુઓ પ્રત્યેની આસક્તિને જ સાચું સુખ માનીએ છીએ. એ માટે દરેક પ્રકારનું દુષ્ટ આચરણ કરવામાં આપણે જરાય પાછી પાની કરતા નથી. તેનાથી આપણને નુકસાન થાય છે અને સમાજમાં પણ બધી જગ્યાએ અરાજકતા, કષ્ટ, કલેશ અને દુઃખનું વાતાવરણ બની જાય છે.
ઇશ્વરની એ આજ્ઞા છે કે મનુષ્ય પોતાના દુષ્ટ સ્વભાવનો ત્યાગ કરે અને જ્ઞાનવાન તથા ધર્મશીલ બનીને પોતાનું ઉત્થાન કરે અને પોતાના કુટુંબ તથા સમાજમાં પણ બધાને ઉન્નતિના શ્રેય માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે. ઈશ્વરની આ જદિવ્યવાણી આપણા અંતરાત્મામાંથી સતત નીકળતી રહે છે પરંતુ એ આપણું દુર્ભાગ્ય છે કે આપણે તેને સાંભળતા જ નથી અને સાંભળીએ છીએ તો પણ બહેરા બની જઈએ છીએ. આ દિવ્યસંદેશનું પાલન કરવા માટે જ્યારે આપણે આપણા દોષદુર્ગુણોને નષ્ટ કરવાનો પુરુષાર્થ કરીએ છીએ ત્યારે ઈશ્વરીય સહયોગ સરળતાથી પ્રાપ્ત થઈ જાય છે. પ્રભુકૃપાથી સફળતા પણ મળી જાય છે.
જો આપણે જીવનના પરમસુખનો આનંદ લેવા માગતા હોઈએ તો તેનો એકમાત્ર માર્ગ એ જ છે કે આપણે આપણા જીવનમાં દોષ, દુર્ગુણો અને દુષ્પ્રવૃત્તિઓને ઘૂસવા જ ન દઈએ અને જે અંદર ઘૂસી ગયાં છે તેમને શોધી શોધીને કડકાઈથી આપણા જીવનમાંથી બહાર ફેંકી દઈએ. કુવિચારો અને કુસંસ્કારોને આપણી પાસે ફરકવા જ ન દઈએ. આ ત્યારે જ શક્ય બને છે કે જ્યારે આપણે આત્મનિરીક્ષણ કરવાની ટેવ પાડીએ. દરરોજ આપણા આચરણની સમીક્ષા કરીએ અને જે કાંઈ ખરાબ લાગે તેને ઈમાનદારીપૂર્વક છોડવાનો સંકલ્પ કરીએ અને તે સંકલ્પને દૃઢતાપૂર્વક પાળીએ.
આત્માના અવાજને સાંભળવાનો આ જ ઉપાય છે.
પ્રતિભાવો