૧૨૬. વેદોનો દિવ્ય સંદેશ – યજુર્વેદ ૧૮/૪૮ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 8, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – યજુર્વેદ ૧૮/૪૮ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
રુચં નો ઘેહિ બ્રાહ્મણેષુ રુચ ગુમ્ રાજસુ નસ્કૃધિ । રુચં વિશ્યેષ શુદ્રેષુ મયિ ઘેહિ રુચા રુચમ્ ॥ (યજુર્વેદ ૧૮/૪૮)
ભાવાર્થ : પરમાત્મા બ્રાહ્મણાદિ વર્ણોને પક્ષપાતરહિત સમાન પ્રીતિ કરે છે. તેનું અનુસરણ વિદ્વાન લોકો પણ કરે છે, પરંતુ જેઓ શ્રેષ્ઠતાનો માપદંડ ગુણ, કર્મ અને સ્વભાવને નથી માનતા તે લોકો નિંદા અને અસન્માનને પાત્ર છે.
સંદેશ પરમપિતા પરમેશ્વરે સંસારના બધા માનવોને એક્સરખા બનાવ્યા છે. દૈવી વિભૂતિઓ દ્વારા અલંકૃત કરીને એક અદ્ભુત શરીરની રચના કરી છે. બધાના માટે સુખ અને સુવિધાઓનો અખૂટ ભંડાર ચારે બાજુએ ભરેલો છે. તેમની દૃષ્ટિમાં કોઈ પણ નાનું કે મોટું અથવા ઊંચનીચ નથી. બધાને પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીનેસંસારમાં પ્રગતિ કરવાની સમાન તક મળી છે. એ વાત જુદી છે કે કેટલાક લોકો કુવિચારો અને સંસ્કારોમાં ફસાઈ જઈને પોતાના પતનનો માર્ગ પસંદ કરતા રહે છે. પરમાત્મા કોઈના પ્રત્યે પક્ષપાત કરતા નથી. તેમના માટે તો બધા માનવો પુત્રો જેવા પ્યારા છે.
પ્રાચીનકાળમાં કાર્ય અને વ્યવસાયની દૃષ્ટિથી સમાજની રચનામાં ચાર વર્ણો બનાવવામાં આવ્યા હતા. આ એક સ્વાભાવિક વિભાજન હતું, જેથી યોગ્યતા, પ્રતિભા અને પરિસ્થિતિઓને અનુરૂપ કાર્યકુશળતામાં અભિવૃદ્ધિ પણ થતી રહેતી હતી. આગળ જતાં જ્યારે આ વિભાજન કોઈને ઊંચા અને કોઈને નીચા સમજવાનો આધાર બની ગયું ત્યારે મુશ્કેલીઓ ઉત્પન્ન થવા લાગી. આ વિભેદના કારણે જ કોઈને અછૂત માનવામાં આવ્યો. તેનું અડકેલું પાણી પીવા માટે પણ બીજા તૈયાર ન થાય એ આશ્ચર્યની જ વાત છે. આ પ્રમાણે ધર્મના નામે શૂદ્રો પર ઘોર અત્યાચારો કરવામાં આવ્યા અને તેમને સામાજિક તથા ધાર્મિક ન્યાયથી વંચિત રાખવામાં આવ્યા.ધર્મ તો હકીકતમાં મનુષ્યોને પ્રેમ કરવાનું શિખવાડે છે, નફરત નહિ. પ્રેમ સંસારની એક અદ્ભુત વસ્તુ છે. એ ફક્ત શારીરિક અનુભૂતિ જ નથી, પરંતુ મન અને આત્માની અમૂલ્ય મૂડી છે. પ્રેમ જ જીવનનો પ્રાણ છે. મનુષ્યસમાજ એના આધારે જ ચાલે છે. પ્રેમ અને વિશ્વાસ વચ્ચે ઘણો ઊંડો સંબંધ છે. પ્રેમ અને શંકામાં ઘોર દુશ્મનાવટ છે. જ્યાં પ્રેમ છે ત્યાં શંકા નથી હોતી અને જ્યાં શંકા છે ત્યાં પ્રેમ નથી હોતો. સમાજમાં આજે સર્વત્ર શંકા, ભય, અરાજકતા અને નિરંકુશતાનું જ શાસન છે. તેના કારણે જ પરસ્પર પ્રેમ તથા ભાઈચારાની ઊણપ તથા ઊંચનીચની હલકી ભાવના જોવા મળે છે.
દુષ્ટતાભર્યાં દુષ્કર્મ કરનારને નીચ કહેવો જોઈએ અને તેનો સામાજિક બહિષ્કાર કરવો જોઈએ, પછી ભલેને તે બ્રાહ્મણ કેમ ના હોય. જ્ઞાન, સેવા, સદ્ગુણ તથા સદાચારના આધારે કોઈને ઊંચો માની સન્માન આપવું જોઈએ, પછી ભલેને તે શૂદ્ર કેમ ના હોય. માણસની ચારિત્રિક શ્રેષ્ઠતા કે કનિષ્ઠતાના આધારે જ સન્માન કે અસન્માનની આપવામાં આવે તે યોગ્ય છે, પરંતુ ગુણ, કર્મ તથા સ્વભાવની સમાનતા હોવા છતાં ફક્ત વંશના આધારે કેટલાક લોકોને ઊંચા અને કેટલાકને નીચા માનવામાં આવે તે વાત તર્કસંગત નથી.
દરેક જાતિ તથા વંશમાં કોઈક વખતે શ્રેષ્ઠ પુરુષો થયા છે અને દુષ્ટો પણ થયા છે. બ્રાહ્મણ જાતિમાં વશિષ્ઠ તથા ભારદ્વાજ જેવા તપસ્વી તથા ત્યાગી ઋષિઓ થયા હતા, તો રાવણ તથા કુંભકરણ જેવા દુષ્ટ પણ થયા હતા. વારસાનો દાવો કરવામાં આવે તો શ્રેષ્ઠતાની સાથે કનિષ્ઠતા પણ ભાગમાં આવશે. રામ અને કૃષ્ણ ક્ષત્રિય હતા, પરંતુ બ્રાહ્મણો પણ તેમની પૂજા કરે છે. આપણાં શાસ્ત્રો અનુસાર કોઈ પણ માણસ પોતાનાં શ્રેષ્ઠ કર્મોદ્વારા બ્રાહ્મણપદ મેળવી શકે છે. ઇતિહાસ અને પુરાણોમાં તેનાં અસંખ્ય પ્રમાણો છે.
ઈશ્વરીય ન્યાયની વિરુદ્ધ જે બીજાઓ સાથે પક્ષપાતપૂર્ણ વ્યવહાર કરે છે તે સર્વત્ર નિંદનીય છે. આવાં પાપપૂર્ણ કર્મોથી આપણે હંમેશાં દૂર રહેવું જોઈએ.
પ્રતિભાવો