૧૧૪. વેદોનો દિવ્ય સંદેશ – યજુર્વેદ ૨૫/૨૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 8, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – યજુર્વેદ ૨૫/૨૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
ભદ્રં કર્ણભિઃ શ્રુણુયામ દેવા ભદ્રં પશ્યમાક્ષભિર્યજત્રાઃ । સ્થિરરૈરદ્ગૈ સ્તુષ્ટુવા ગુમ્ સસ્તનૂભિર્ત્યશેમહિ દેવહિતં યદાયુ: II (ઋગ્વેદ ૧/૮૯/૮, યજુર્વેદ ૨૫/૨૧, સામવેદ – ૧૮૭૪)
ભાવાર્થઃ આપણે વિદ્વાન પુરુષોની સાથે રહીને સુંદર શબ્દો સાંભળીએ, સત્ય જોઈએ અને પરમાત્માની ઉપાસના કરીએ કે જેથી આપણું આયુષ્ય વધે. આપણે અસત્ય વાતચીત ન કરીએ, ખોટી પ્રશંસા ન સાંભળીએ, ખરાબ ન જોઈએ અને વ્યભિચાર તરફ આપણી પ્રવૃત્તિ ન હોય.
સંદેશઃ ૫રમાત્માએ આ માનવશરીર શા માટે બનાવ્યું છે? એટલા માટે કે આપણે દેવતાઓ જેવું જીવન જીવી દીર્ઘાયુષ્ય મેળવીએ. બ્રહ્માએ બધા જીવોનું આયુષ્ય નક્કી કરી નાંખ્યું છે. મનુષ્યને સામાન્ય રીતે સો વર્ષનું જીવન આપ્યું છે. એ મનુષ્યના પોતાના હાથની વાત છે કે તે આ જીવનને સુખસમૃદ્ધિથી ભરપૂર બનાવીને દૈવી આચરણ કરતાં કરતાં સો વર્ષથી પણ વધારે જીવે અથવા તો દુરાચારમાં ફસાઈને માનસિક તથા શારીરિક રોગો દ્વારા જલદીથી તેને નષ્ટ કરી નાંખે. દૈવી આપત્તિઓ કે દુર્ઘટનામાં અકાળે અવસાન થઈ જાય તે જુદી વાત છે.
માનવશરીરમાં દુર્ગુણો, દુરાચરણ અને દુષ્પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત થવાની સ્વાભાવિક લાલસા રહે છે. કુવિચારો અને કુસંસ્કારો પોતાની માયાવી ચમકદમકથી ભ્રમિત કરીને મનુષ્યને પોતાની જાળમાં ફસાવેછે. જાતજાતનાં આકર્ષક, માદક, મોહક અને લોભાવનારાં પ્રલોભનો આપણી ઇન્દ્રિયોને ઠગે છે અને કુમાર્ગગામી બનાવે છે. ઇન્દ્રિયો પરથી આપણું નિયંત્રણ ખલાસ થઈ જાય છે. અનિયંત્રિત ઇન્દ્રિયો સ્વાભાવિક તથા જરૂરી મર્યાદાઓનું ઉલ્લંઘન કરીને એટલી સ્વેચ્છાચારી તથા ચટાકાવાળી બની જાય છે કે તે તંદુરસ્તી અને ધર્મને માટે સંકટ ઊભું કરી દે છે. ઇન્દ્રિયોનું નિયંત્રણ સ્વર્ગનું દ્વાર છે. એ જ ઈશ્વરની સાચી ઉપાસના છે. એના વડે જ જીવનમાં સુખ, શાંતિ અને ઉલ્લાસનું વાતાવરણ બને છે. ઇન્દ્રિયોની નિરંકુશતાથી બધે અશાંતિ અને અંધકાર છવાઈ જાય છે તથા મનુષ્ય નરકવાસી બની જાય છે. મનુષ્ય હરપળે આત્મસંયમ તથા ઇન્દ્રિયનિગ્રહને પ્રાથમિકતા આપવી જોઈએ. આપણે આપણા કાન દ્વારા હંમેશાં ભદ્ર, સારી વાતો જ સાંભળીએ. જે યોગ્ય છે, કલ્યાણકારી છે, સર્વહિતકારી છે એવા વિચારોને જ ગ્રહણ કરીએ. આંખો દ્વારા પણ સારી તથા શુભ વસ્તુઓને જ જોઈએ. અયોગ્ય વાતો તરફ ધ્યાન જ ન આપીએ. કામુક દૃષ્ટિ તથા એવાં દૃશ્યોના અશ્લીલ ચિંતનથી પોતાનો સર્વનાશ ન થવા દઈએ. આપણા હાથપગ, શરીરનાં તમામ અંગો ફક્ત સારાં, પરોપકાર તથા પરમાર્થનાં કાર્યો જ કરે. આપણો સ્વાર્થ પૂરો કરવા માટે કદી કોઈનું ખરાબ ન કરીએ. કોઈપણ જીવને કષ્ટ ન પહોંચાડીએ.
એનો અર્થ એ નથી કે આપણે આપણી ઇન્દ્રિયોને કચડી નાંખીએ, પરંતુ તેમનો યોગ્ય અને સંયમિત સદુપયોગ કરીએ કે જેથી બધાં અંગઉપાંગો તંદુરસ્ત અને બળવાન બને તથા શરીર બળવાન, ઓજસ્વી અને તેજસ્વી બને. આ પ્રમાણે મનુષ્ય દીર્ઘાયુષી બનીને સંસારમાં ઉપકારનાં કાર્યો કરતો રહે.
પરમપિતા ૫૨મેશ્વરે જન્મતી વખતે આપણને જે મનોવૃત્તિઓ આપી છે તે બધી ખૂબ જ ઉપયોગી તથા મહત્ત્વપૂર્ણ છે. તેમનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી જ આપણે સુખ અને શાંતિપૂર્ણ જીવન પસાર કરી શકીએ છીએ.
ભગવાન આપણને આપણી ઇન્દ્રિયોને વશમાં કરવાની શક્તિ આપે.
પ્રતિભાવો